શિક્ષણની મહેક પ્રસરી:ભુજમાં 33 પ્રાથમિક, 6 માધ્યમિક અને એક PTCના 40 શિક્ષકોએ નૂતન પ્રયોગો બતાવ્યા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા તાલીમ અને શિક્ષણ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેટીવ ફેરનો પ્રારંભ
  • પરંપરાના ભાગરૂપે અાયોજિત સાતમા મેળામાં કુલ 42 સ્ટોલથી શિક્ષણની મહેક પ્રસરી

ભુજમાં બુધવારે ગંગાબા મિડલ સ્કૂલનું પરિસરમાં જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત નૂતન સંકલ્પના સાથે શિક્ષણને આનંદમય બનાવતા વ્યવહારિક પ્રયોગોના નિદર્શનનો પ્રારંભ થયો હતો. અામ તો દર વર્ષે થતા આયોજનની પરંપરાના ભાગરૂપે સાતમા મેળાનું અાયોજન કરાયું હતું, જેમાં મેળામાં 33 પ્રાથમિક, 6 માધ્યમિક અને 1 મુન્દ્રા પીટીસીના મળી 40 શિક્ષકોએ પોતાના નૂતન પ્રયોગો પ્રસ્તુત કર્યા હતા. અે સિવાય પપેટ અને રમતો ઉપરાંત દિવ્યાંગ બાળકો માટેની વિશેષ યોજનાઓ સાથે તેમના શિક્ષણની પદ્ધતિનું નિદર્શન મળી કુલે 42 સ્ટોલ હતા, જેથી મેળા જેવા અવસરે શિક્ષણની સાત્વિક સુગંધ પ્રસરાવી દીધી હતી.

દીપ પ્રગટાવી ઉદઘાટનથી પ્રારંભ કરાવતા જાણીતા સમાજસેવી અને ઉદ્યોગપતિ દીપેશ શ્રોફે ઈનોવેટીવ શિક્ષણની કચ્છમાં વિશેષ જરૂર હોવાનું જણાવતાં આ આયોજનને વધાવ્યું હતું. શિક્ષકોઅે ભાષા ગણિત, વિજ્ઞાન વગેરેનું શિક્ષણ કેમ આનંદમય અને સરળ બનાવી શકાય તેના પોતે કરેલા પ્રયોગો વિપુલ સાધનો અને વિવિધ પદ્ધતિ દ્વારા પ્રસ્તુત કર્યા હતા, જેમાં ચાર્ટ, ચિત્રો, આકૃતિઓ, પત્તા, સાપસીડી જેવી, ઉપરાંત પોતે તૈયાર કરેલી નવીન રમતો, વેદભાષાનો વ્યવહારમાં વિનિયોગ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, વાચનપરબ જેવી પ્રવૃત્તિ પણ દર્શાવી હતી.

વાલીઓને શાળા અને શિક્ષણ સાથે જોડવાના પ્રયોગો પણ જોવા મળ્યા હતા. પ્રયોગોથી મારી શાળા રંગબેરંગી, ડગલે પગલે ખિલખલાટ હસતી શાળા, સારસ્વતનો એકમાત્ર યોગ નિત્ય કરીએ નવા પ્રયોગ, રમતાં રમતાં યાદ કરીએ જેવાં સૂત્રો જાણે જીવંત થઈને મુલાકાતીઓનાં ચિત્તમાં સ્થિર થઈ ગયા હતાં. અા પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગવાન પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિ, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્મા ઝવેરી પણ હાજર રહ્યા હતા. તેરા ઠાકોરના રાણી આરતીબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિ હતી.

મેળાની વિશેષતા અાધુનિક માધ્યમોનો ઉપયોગ
આ મેળાની એક વિશેષતા એ પણ હતી કે અર્ધાથી ઉપરાંત પ્રયોગોમાં આધુનિક માધ્યમો કોમ્પ્યુટર, મોબાઈલ એપ વગેરે દ્વારા બાળકો માટે એને વધારે પ્રભાવશાળી બનાવવા માટે શિક્ષકોએ જાતે એ માટે કૌશલ્યસભર પ્રોગ્રામ્સ તૈયાર કર્યા હતા. એક શિક્ષકે કાર અને સાઇકલને e સ્વરૂપ આપીને તૈયાર કરેલી હરતી ફરતી ઓનલાઈન શાળા જેવા આવા પ્રયોગો ઉત્સાહસભર શિક્ષકો માટે આપણા હૃદયમાં આદર જન્માવે.

5 નવી પ્રયોગો રાજ્ય કક્ષાઅે મોકલાશે
પાંચ નવીન પ્રયોગો રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. એની પસંદગીની પ્રક્રિયા પારદર્શક છે. મુલાકાત લેનાર શિક્ષકોના એક ફોર્મમાં મેળવેલા પ્રતિભાવ સાથે મૂલ્યાંકન સમિતિનું તારણ જોડીને પસંદગી કરવામાં આવશે. ભવનના પ્રાચાર્ય સંજય ઠાકર અને સંયોજક ડૉ. બિન્દુબહેન પટેલે સમગ્ર ખ્યાલ આપી જણાવ્યું હતું કે હજુ પણ ખૂણે ખૂણે કામ કરતા ઈનોવેટીવ શિક્ષકો પ્રેરણા મેળવે અને આ કાર્યનો વિસ્તાર થવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...