નવતર વિરોધ:અંજારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બિસ્માર માર્ગ પ્રત્યે તંત્રનું ધ્યાન દોરવા વિરોધ પ્રદર્શન યોજ્યું

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ પર 'વિકાસ બેટા હવે તો સામું જો'ના નારા લખવાની સાથે રામધૂન બોલી

પૂર્વ કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાં આ વખતે જિલ્લામાં મૌસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તેની સાથે લોકોની જાહેર જીવન અંગેની અસુવિધાઓમાં પણ વધારો નોંધાયો છે. અનેક વિસ્તારોમાં વ્યાપક પણે ગંદકી છે તો મોટા ભાગના જાહેર અને આંતરિક માર્ગો બિસ્માર બન્યા છે, જેના કારણે લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. જે અંગે શહેરમાં આમ આદમી પાર્ટી અને મહાકાળી ગ્રુપના સભ્યો દ્વારા તંત્રનો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવવ્યો હતો.

શહેરના નગરપાલિકા કચેરી અને સવાસર નાકા સહિતના વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, મહાકાળી ગ્રુપના સભ્યો અને વોર્ડ નંબર 2ના રહીશો સહિતના લોકોએ સાથે મળીને શહેરમાં પ્રવર્તી રહેલી હાલાકી પ્રત્યે ધ્યાન દોરવા જાહેર માર્ગના રોડ પર મોટા અક્ષરોમાં 'વિકાસ બેટા હવે તો સામું જો' એવા સૂત્રો સાથેના લખાણ લખવામાં આવ્યા હતા, અને લખાણ આસપાસ કાર્યકરોએ બેસીને રામધૂન પણ બોલાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના દેવળીયા નાકા, નગરપાલિકા કચેરી નજીક, સોરઠીયા નાકા, સવાસર નાકા સહિતના માર્ગો પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. તેમાં હવે વરસાદ બંધ થઈ ગયા બાદ સુકાઈ ગયેલા રસ્તાઓ પર રાહદારીઓ અને વાહનચાલકોની આંખમાં ધુળો ઉડી રહી છે. આ પ્રકારની તમામ જાહેર અસુવિધાઓ પ્રત્યે વિરોધ પ્રદર્શન કરાયું હોવાનું આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ હિરેન સોરઠીયાએ કહ્યું હતું તેમની સાથે અન્ય કાર્યકરો પણ જોડાયા હતા જેમાં કિશોર રાઠોડ, દેવેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રભાઈ સોની સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...