તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કચ્છમાં મારામારીના 5 બનાવોમાં 11 ઘાયલ, 18 વિરૂધ્ધ ફોજદારી નોંધાઇ

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ થયેલી ફરિયાદ અને સામાન્ય બોલાચાલી તમામ માથાકુટ પાછળ કારણભૂત

ભુજ તાલુકાના મોટા બંદરા ગામે લીમડો કાપવા મુદ્દે બે જુથ બાખડયા હતા, તો નખત્રાણાના વડવાકાંયા ગામે અગાઉની ફરિયાદના મનદુ:ખે બે શખ્સોને માર મારી જાતી અપમાનીત કરાતા ગુનો નોંધાયો હતો. જે બે બનાવમાં અાઠ સામે ફોજદારી નોંધાઇ હતી અને છ શખ્સોને ઇજા પહોંચી હતી. બીજી તરફ પૂર્વ કચ્છમાં અંજારના વરસામેડી, રાપર અને ભચાઉમાં છરી, પાઇપ અને ધોકા વડે હુમલાના 3 બનાવોમાં 5 લોકો ઘાયલ થયા હતા અને 10 વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.

વરસામેડીમાં યુવાનને પિતા-પુત્રએ છરી તથા ધોકાથી માર માર્યો
અંજારના વરસામેડી ખાતે દરબારવાસમાં રહેતા ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ જાડેજાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 5/6ના રાત્રે 9 વાગ્યામાં અરસામાં આરોપી મયુરસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ પાંચ વર્ષ પહેલાં તેમના પર થયેલી દુષ્કર્મની ફરિયાદ ફરિયાદીના ભત્રીજા જીતેન્દ્રએ કરાવી હોય તેનો મનદુઃખ રાખી બોલાચાલી કરી જીતેન્દ્રને છાતી અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા. જેથી ફરિયાદી ત્યાં પહોંચી જતા અને છરીને પકડી લેતા તેમને પણ હાથના ભાગે ઈજાઓ થઈ હતી. જે બાદ જીતેન્દ્રને ઉભો કરી લઈ જતા હતા ત્યારે માયુરસિંહના પિતા ઘનશ્યામસિંહ ગુલાબસિંહ હાથમાં ધોકો લઈને આવી જીતેન્દ્રને પીઠના ભાગે માર્યો હતો. જેના કારણે યુવાન ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને સારવાર અર્થે પ્રથમ અંજાર અને ત્યારબાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાપરમાં કાંટા નાખવા મુદ્દે માતા-પુત્ર પર પાઇપથી હુમલો
રાપરના મુછડીયાવાસમાંરહેતા 22 વર્ષીય રામુભાઇ પંચાભાઇ મુછડીયા ગત સાંજે પોતાના ઘરે હતો ત્યારે બાજુમાં બોલાચાલીનો અવાજ આવતાં બહાર નિકળ્યો હતો જ્યાં ફળિયામાં જ રહેતા પારૂલબેન નરેશભાઇ મુછડીયા, સવિતાબેન કાનજીભાઇ મુછડીયા, રસિલાબેન રમેશભાઇ ગોહિલ, નરેશભાઇ આંબાભાઇ મુછડીયા, રાજુભાઇ આંબાભાઇ મુછડીયા અને આંબાભાઇ માલાભાઇ મુછડીયા રામુભાઇના કાકાઇ ભાઇ સુનિલ ધનજીભાઇ મુછડીયા સાથે ઘર પાસે કાંટા નાખવા બાબતે બોલાચાલી કરી રહ્યા હતા જેમને રામુભાઇ સમજાવવા જતાં નરેશભાઇએ તેમને લોખંડનો પાઇપ જમણી આંખ નીચે ફટકાર્યો હતો, રાજુભાઇએ ધોકા વડે માર મારી હાથમાં ઇજા પહો઼ચાડી હતી. રામુભાઇને બચાવવા વચ્ચે આવેલા તેમના માતા મણીબેનને પારૂલબેન, સવિતાબેન અને રસીલાબેને ઢીકાપાટુનો માર મારી આંબા માલા મુછડીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ રામુભાઇએ રાપર પોલીસ મથકે નોંધાવી છે.

નખત્રાણાના વડવાકાંયામાં માર મારી જાતી અપમાનીત કરાતા ફોજદારી
નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામે અગાઉ થયેલી પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી નરશી હીરાલાલ બુચીયા (રહે. વડવાકાંયા) અને ભાવેશ નવીન બુચીયા બંને જણા જઇ રહ્યા હતા ત્યારે બાબુ મુસા કોલી (રહે. વડવાકાંયા, નખત્રાણા)વાળાઅે ટ્રેકટરને ઉભો રખાવી પત્થરો ફેંકી ફરિયાદી તથા સાહેદ ભાવેશને લોખંડની પટ્ટીથી માર માર્યો હતો, તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી અાપી જાતી અપમાનીત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. બીજી તરફ, હરદીપસિંહ મંગુભા જાડેજા અને વિજયસિંહ મંગુભા જાડેજા (રહે. મોટા બંદરા)વાળાને અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી કાનજી હીરા અાહીર અને શંકર હીરા અાહીર માર મારી ડાબા હાથ તથા માથાના ભાગે ઇજાઅો પહોંચાડતા સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગે પદ્ધર પોલીસે અાગળની તજવીજ હાથ ધરી હતી.

ભચાઉમાં રસ્તા વચ્ચે ઉભા રહેવા મુદ્દે યુવાનને છરી ઝીંકાઇ
ભચાઉ મામલતદાર ઓફિસ સામે બનેલી ઘટનામાં ગ્રીન એકર સોસાયટીમાં રહેતો 26 વર્ષીય ગોપાલભાઇ વિષ્ણુભાઇ ઠાકોર પોતાના મામાઇ ભાઇ સાગર નરશી ઠાકોર સાથે એક્ટિવામાં પેટ્રોલ પુરાવી પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા ઇસમો રસ્તા વચ્ચે ઉભા હતા. તેમને સાઇડમાં ઉભવાનું કહેતાં ઉશ્કેરાયેલા બન્ને જણાએ ગાળો આપી અને એક ઇસમે છરી કાઢી માથામાં તેમજ હાથમાં મારી ઇજા પહોંચાડી હતી. ઝપાઝપીમાં તેમનો મોબાઇલ પણ પડી ગયો હતો. મારકૂટ કરીને નાશી ગયેલા બે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ તેમણે ફરિયાદ નોંધાવી છે. પીઆઇ એસ.એન.કરંગીયાએ જાતે તપાસ હાથ ધરી છે.

ભુજના મોટા બંદરામાં લીમડો કાપવા મુદ્દે બે જુથ બાખડયા, છ ને ઇજા તથા છ સામે ગુનો નોંધાયો
ભુજ તાલુકાના મોટા બંદરે લીમડા કટિંગ કરવા બાબતે બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં બંને જુથના 6 શખ્સોને ઇજાઅો પહોંચી હતી. અેક પક્ષે પદ્ધર પોલીસ મથકે છ શખ્સો સામે ફોજદારી નોંધાવી હતી. કાનાભાઇ હીરાભાઇ ગોયલ (અાહીર) (રહે. નાના બંદરા)વાળાઅે હરદીપસિંહ મંગુભા જાડેજા, વિજયસિંહ મંગુભા, કાલુભા હાલુભા જાડેજા, ઋષીરાજસિંહ મંગુભા, હરદીપસિંહ મોહનસિંહ, ભુપતસિંહ ફતુભા જાડેજા (રહે. બંદરા મોટા)વાળા સામે ફોજદારી નોંધાવી હતી. ગત રાત્રે નવેક વાગ્યાના અરસામા ફરિયાદી બાઇકથી જઇ રહ્યા હતા ત્યારે વિજયસિંહ અને હરદીપસિંહ ટ્રેકટરથી અાવી બાઇક રોકાવીને કહ્યું કે લીમડો કાપવા માટે શા માટે માથાકુટ કરે છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી તમામ અારોપીઅો ફરિયાદીને ધારીયા, પાઇપથી મારતા સાહેદ શામજી હીરા ગોયલ, ભીખા મેઘા ગોયલ, રોહીત રવા ગોયલ વચ્ચે પડતા તમામ અારોપીઅે માર મારી ઇજાઅો પહોંચાડતા સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...