પૂર્વ તૈયારી:2051માં શહેરની 4.47 લાખ વસતી, પ્રત્યેક વ્યક્તિએ 140 લીટર વપરાશ, 73.59 MLD પાણીની ખપત હશે

ભુજએક વર્ષ પહેલાલેખક: પ્રકાશ ધીરાવાણી
  • કૉપી લિંક
  • ભુજ પાલિકાએ આવતા ત્રણ દાયકામાં પાણીની કેટલી જરૂરિયાત રહેશે એનું તારણ કાઢ્યું
  • વર્ષ 2021માં 2.50 લાખ વસતીને દરરોજ 40.27 MLD પાણીની આવશ્યકતાની ગણતરીએ અંદાજ

ભુજ નગરપાલિકાએ 2021માં દરરોજ પ્રત્યેક વ્યક્તિએ 140 લીટર પાણી વિતરણની ગણતરીએ શહેરની 2 લાખ 50 હજાર 120 વ્યક્તિની વસતી માટે 40.27 એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત આકી છે અને ત્રણ દાયકા પછી એટલે કે 2051ના અંતિમ તબક્કામાં 4 લાખ 47 હજાર 120 માનવ વસ્તીએ દરરોજ 73.59 એમ.એલ.ડી. પાણીની આવશ્યકતાનું તારણ કાઢ્યું છે. જે માટે ભવિષ્યને નજરમાં રાખી પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કર, કારોબારી ચેરમેન જગત વ્યાસ અને વોટર સપ્લાય સમિતિના ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કરે મુખ્ય અધિકારી મનોજ આર. સોલંકી સાથે મળીને અહેવાલ તૈયાર કર્યો છે.

49.06 એમ.એલ.ડી. પાણીના સ્ટોરેજની જરૂર પડશે
ભુજમાં હાલ 2021માં 40.27 એમ.એલ.ડી.ના બે તૃતીયાંસ એટલે કે 26.85 એમ.એલ.ડી. પાણીના સ્ટોરેજની જરૂરિયાત છે. જેની સામે કુકમા ક્લિયર વોટર સમ્પમાં 7.5 એમ.એલ.ડી., ભારાપર હેડવર્ક સમ્પમાં 1 એમ.એલ.ડી., અમૃત યોજના હેઠળ પ્રગતિમાં છે એ ધોરાવા સમ્પમાં 2 એમ.એલ.ડી., ભાડા ગ્રાન્ટમાંથી મંજુરી હેઠળના ચંગલેશ્વર સબ હેડ વર્કમાં 3 એમ.એલ.ડી., ભાડાની મંજુરી હેઠળના કોડકી રોડ વોટર ટ્રીટમેન્ટ ક્લિયર વોરટ સમ્પમાં 3.5 એમ.એલ.ડી. મળીને કુલ 17 એમ.એલ.ડી. સ્ટોરેજની ક્ષમતા છે. જે અાવતા ત્રણ દાયકે એટલે કે 2051ના વર્ષમાં 73.59 એમ.એલ.ડી. પાણીની જરૂરિયાતના બે તૃતીયાંશ એટલે કે 49.06 એમ.એલ.ડી. પાણી સ્ટોરેજની જરૂરિયાત રહેશે.

ભવિષ્યમાં 32.06 એમ.એલ.ડી. સ્ટોરેજ ક્ષમતા નિવારવા વ્યાયામ
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કરે જણાવ્યું હતું કે, હાલ 2021માં 2.50 લાખ વસતીની નજરે 9.85 અેમ.અેલ.ડી. પાણી સ્ટોરેજ ક્ષમતાની ઘટ છે. જે ભવિષ્યની 4.47 લાખ વસતીની નજરે 32.06 એમ.એલ.ટી. પાણી સ્ટોરેજ ક્ષમતાની ઘટ થઈ જશે. જે નિવારવાની દિશામાં સતત વ્યાયામ ચાલુ રાખવું પડશે. જેની માહિતી હાલના નગરસેવકો અને ભવિષ્યના નગરસેવકોને પણ હોવી જોઈએ, જેથી એ દિશામાં સતત કાર્યરત રહે.

પાણી વિતરણમાં હાલ ખૂટતી કડી અને ભવિષ્યમાં અસર
કારોબારી ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું કે, ભુજમાં હયાત પાણી વિતરણ યોજનામાં અોવર હેડ એટલે કે ઊંચા પાણીના ટાંકાની 13.42 એમ.એલ.ડી.ની ક્ષમતા સામે 12 એમ.એલ.ડી.ની ક્ષમતા છે, જેમાં ભુજીયામાં 7.50 એમ.એલ.ડી., આર.ટી.અો. અોવરહેડ 0.30 એમ.એલ.ડી., રાવલવાડી અોવરહેડ 1.00 એમ.એલ.ડી., રાવલવાડી અોવરહેડ 1.00 એમ.એલ.ડી., હિલગાર્ડન પાસે 0.70 એમ.એલ.ડી., શિવકૃપા નગર પાસે 1.00 એમ.એલ.ડી., ભાડાની ગ્રાન્ટ મંજુરી હેઠળ છે એ ચંગલેશ્વર સબ હેડ વર્કમાં 1.50 એમ.એલ.ડી. છે. જેની ભવિષ્યમાં 24.53 એમ.એલ.ડી.ની જરૂરિયાત રહેશે. પરંતુ, હાલના તબક્કે એમાંય 1.42 અોવર હેડ ક્ષમતાની ઘટ છે. જે ભવિષ્યમાં વસતી વધતા 12.53 એમ.એલ.ડી. ઘટે પહોંચી જશે.

નર્મદાના નીર 36 એમ.એલ.ડી. મળે છે
ભુજ નગરપાલિકાને 2021ના વર્ષમાં નર્મદાના નીર 36 એમ.એલ.ડી. મળે છે, જેમાં કુકમા હેડવર્કસથી 21.84 એમ.એલ.ડી., જી.આઈ.ડી.સી. એરવાલ્વ નંબર 23થી 2.70 એમ.એલ.ડી., એરપોર્ટ સમ્પ એરવાલ્વ નંબર 29થી 8.66 એમ.એલ.ડી., હોટલ સેવન સ્કાય એરવાલ્વ નંબર 37થી 2.70 એમ.એલ.ડી. સહિત કુલ 35.90 એમ.એલ.ડી. પાણી પહોંચે છે.

આજની સ્થિતિએ 30 વર્ષે 27.59 MLD ઘટ રહેશે
ભુજ નગરપાલિકાને 2021માં 250120 માનવ વસ્તી માટે 40.27 એમ.એલ.ડી.ની જરૂરિયાત સામે હાલ 36 એમ.એલ.ડી. નર્મદાના પાણી મળે છે, જેથી 3.73 એમ.એલ.ડી.ની ઘટ છે. જો 2051માં અંદાજિત 447120 માનવ વસ્તી થશે તો 73.59 એમ.એલ.ડી. પાણીની જરૂરીયાત રહેશે. પરંતુ, ઘટની આ જ સ્થિતિ રહી તો 2051ના વર્ષના અંતિમ તબક્કામાં 27.59 એમ.એલ.ડી. નર્મદાના પાણીની ઘટ રહેશે.

લક્ષ્યાંક પાર પાડવા માટે 4750.31 લાખ રૂપિયાનો ખર્ચ
સ્ટોરેજ ક્ષમતાની ઘટ નિવારવા 425.51 લાખ, વિતરણ ક્ષમતાની ઘટ નિવારવા 598.07 લાખ, મશીનરી ક્ષમતા સુધારો લાવવા 1903.58 લાખ, જુદા જુદા અોવર હેડ અને અન્ડર ગ્રાઉન્ડ સુધી પાણી વહેંચણીની ખામી નિવારવા 1812.39 લાખ, પાણી શુદ્ધિકરણ માટે ખૂટતી કડી નિવારવા 10.76 લાખ મળીને કુલ 4750.31 લાખ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

સ્થાનિક સોર્સથી મળતા પાણી
ભુજ નગરપાલિકાના ચાલુ 14 બોરવેલથી 6 એમ.એલ.ડી., ભારાપર યોજના અંતર્ગત હાલે કુલ 4 બોરવેલ ચાલુ છે, જેમાંથી 2 એમ.એલ.ડી. સહિત કુલ 8 એમ.એલ.ડી. પાણી સ્થાનિક સોર્સથી મળે છે.

અન્ય સમાચારો પણ છે...