ઉનાળુ પાકને પાણીની જરૂરિયાત છે તેવા સમયે જ કચ્છની નર્મદા કેનાલ કોરીકટ્ટ જોવા મળી રહી છે.સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં ન આવતા વાગડના 40 ગામોમાં ઘાસચારા અને બાજરી સહિતના પાકને અસર થઈ રહી છે. કચ્છને નર્મદાના વધારાના પાણી ફાળવવાના હોય કે પછી નર્મદાના કેનાલના કામો હોય અવારનવાર કચ્છ સાથે અન્યાય થતો આવ્યો છે.
શિયાળુ પાકની સીઝન પુરી થઈ જતા કિસાનો દ્વારા સિંચાઈ માટે પાણી મળી રહેશે તેવી આશાએ ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું પણ ઉનાળો મધ્યાહને આવી ગયો તેમ છતાં હજી સુધી કેનાલમાં નર્મદાના નીર છોડવામાં આવ્યા નથી જેના કારણે વાગડમાંથી પસાર થતી કેનાલ કોરી જોવા મળી રહી છે.
કેનાલમાં છોડવામાં આવતા પાણીનો રાપર અને ભચાઉ તાલુકાના અંદાજીત 40 થી 45 ગામોને લાભ મળે છે જ્યાં હાલ ઘાસચારો,બાજરી સહિતના પાકને અસર થઈ રહી છે.એવું નથી કે,નર્મદા ડેમમાં જથ્થો નથી.હાલમાં 8 મહિના ચાલી શકે તેટલો પાણીનો જથ્થો ડેમમાં છે ત્યારે સરકાર ધારે તો કચ્છને પાણી મળી શકે તેમ છે આ મુદ્દે રાજકારણીઓ આગળ આવી રજૂઆત કરે તે જરૂરી છે.
કેનાલમાં નીર છોડાય પણ પાણીચોરીનું દુષણ ડામવામાં તંત્ર નિષ્ફળ
નર્મદા કેનાલમાં કચ્છના નામથી પાણી છોડવામાં આવે છે પણ રસ્તામાં આવતા જિલ્લાઓને તેનો લાભ મળે બાદમાં સ્થાનિકે કચ્છમાં પાઇપ અને મોટર નાખીને પાણીની ચોરી કરવામાં આવે અને મોટાભાગના પાણીનો લાભ કેનાલની બાજુમાં આવેલ ખેતરોને જ મળે છે પછી જળ બચે તો અન્ય વાડી વિસ્તારમાં પહોંચતું કરવામાં આવે છે.ઠેરઠેર પાણી ચોરી કરવામાં આવતી હોવાથી ખેડૂતોના હિસ્સામાં પાણી આવતું જ નથી.
પાણીની અછતથી ઘણા ધરતીપુત્રો ઉનાળામાં ખેતી જ નથી કરતા !
ઉનાળા દરમ્યાન પાણી આપવાનું વચન આપીને સરકાર અનેકવખત પલટી મારી જાય છે,દર વખતે આવી રીતે અન્યાય થતો હોવાથી કંટાળીને ખેડૂતો પોતાની પાસે પાણીની જેટલી સગવડ હોય તેટલા માત્રામાં જ વાવેતર કરે છે અથવા તો ઘણા કિસાનો ઉનાળામાં બ્રેક રાખી દે છે જે પણ હકીકત છે.
ન માત્ર કિસાનો પરંતુ પાંજરાપોળ અને માલધારીઓને પણ પડ્યો ફટકો
ઉનાળાની સીઝનમાં વાગડ વિસ્તારમાં મુખ્યત્વે ઘાસચારો અને બાજરી,જુવાર સહિતના પાક વાવવામાં આવે છે,વાગડમાંથી ઘાસચારો અહીંની પાંજરાપોળને પણ સપ્લાય કરવામાં આવે છે સમયસર પાણી ન મળવાથી પાકને નુકશાન થયું છે તેમજ ઘણા લોકોએ ચારો વાવ્યો નથી. જેથી જોઈએ તેટલો ઘાસચારો મળી ન શકવાના કારણે પાંજરાપોળ અને માલધારીઓને ફટકો પડવા સમાન સ્થિતિ સર્જાઈ છે.
15 એપ્રિલ સુધી પાણી આપવા માંગણી હતી,પણ ન સંતોષાઈ
ઉનાળુ પાક માટે કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલમાં 15 મી એપ્રિલ સુધી પાણી છોડવામાં આવે તેવી રજુઆત ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારમાં કરવામાં આવી હતી,પણ રજુઆત બહેરા કાને અથડાઈ હોવાથી હજી સુધી માંગણી સ્વીકારવામાં આવી નથી.જેના કારણે પાકને નુકશાની થઈ છે > શિવજી બરાડિયા - પ્રમુખ,ભારતીય કિસાન સંઘ(કચ્છ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.