તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોનાને લીધે ગત વર્ષે અંધારી તેરસે લગ્નો ન યોજાયાં, તો આ સાલે સાદાઇપૂર્વક થશે

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંકોત્રી, દાંડિયારાસ, ઢોલ, બેન્ડ અને ફટાકડા પર પ્રતિબંધ : ગાઇડલાઇનનું પણ કરાઇ રહ્યું છે પાલન

વૈશાખ વદ તેરસ એટલે અંધારી તેરસ અને અંધારી તેરસ હોય એટલે કચ્છ પ્રાંથળિયા આહિર સમાજના ગામડાઓ લગ્ન ગીતોથી ગુંજી ઉઠે. જ્ઞાતિની વર્ષો જૂની પરંપરા મુજબ વર્ષ દરમ્યાન અંધારી તેરસે એકજ દિવસે લગ્ન થાય છે. જે જોડલા આ તક ચુકી જાય છે તેનો વારો આવતા વર્ષે આવે છે એટલેજ કહેવાય છે કે “પેણુંગા ઇ પેણુંગા રઉગા ઇ રઉગા. ગત વર્ષે કોરોનાને કારણે પ્રથમવાર સમાજમાં લગ્નો ન યોજાયા અને આ સાલે સ્થિતિ જોઇએ તેટલી સારી ન હોતાં સાદાઇથી લગ્નો યોજવા નિર્ણય લેવાયો છે.

ગત વર્ષે વૈશ્વિક મહામારીને કારણે ઇતિહાસમાં પહેલીવાર અંધારી તેરસના એક પણ લગ્ન થયા ન હતા અને ચાલુ વર્ષે કોરોનાને જોતા પ્રાંથળિયા આહીર સમાજમાં ઘણા બધા નિયમોમાં ફેરફાર કરી લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રતનાલ-ડગાળા વઇના પ્રમુખ ધનજીભાઈ મુરાભાઈ આહીર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ચાલુ વર્ષે કંકોત્રી, દાંડિયારાસ, ઢોલ, બેન્ડ અને ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ ભોજનનું આયોજન સાદગી પૂર્વક કુટુંબના સભ્યો પૂરતું કરવા ઠરાવાયું છે. કૃષ્ણવંશના આહિર સમાજમાં પહેલીવાર નિયમોમાં બાંધછોડ કરવામાં આવી છે જેમાં ગણેશ સ્થાપના વૈશાખ વદ આઠમના થતી હોય છે તેમા ફેરફાર કરી વૈશાખ વદ દસમના કરવામાં આવી છે. અંધારી તેરસના વણજોયા મુહૂર્તના દિવસે પહલી, ગોતીડા અને મામેરા ની વિધિ કરવામાં આવે છે. ગત વર્ષે લગ્ન ન થતા આ સાલે સમય સાચવવા સદગીપૂર્વક યોજવામાં આવશે જેમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

વૈશાખ સુદના બદલે વદ તેરસે લગ્ન થશે
ખડીર વિસ્તારમાં વસતા આહિરોના લગ્ન વૈશાખ સુદ તેરસના થતા હોય છે પરંતુ વર્તમાન સમયે કોવિડની પરિસ્થિતિને ધ્યાને લેતા આ વખતે વૈશાખ સુદ નહીં પણ વદ તેરસના પરિણયોત્સવ ઉજવવા નિર્ણય લેવાયો છે. આમ સમાજે પહેલીવાર સાદગીથી ઉજવણીની સાથે આ ઐતિહાસિક ઠરાવ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...