શક્યતા:હવે લક્કી પર વાદળ નહીં વરસે તો હમીરસરમાંથી પાણી ઉતરવાની શક્યતા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અેપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં તળાવનું પાણી
  • ખાણેતરામાં તળાવનું તળિયું ફાટ્યું કે પછી ભૂકંપમાં ફેરફાર થયા એ એક પ્રશ્ન

ભુજના હૃદય સમાન હમીરસર તળાવમાં રવિવારે 23મીની રાતે અને સોમવારે 24મી ઓગસ્ટે દિવસભર મોટાબંધમાંથી પાણી આવતું રહ્યું હતું. પરંતુ, ત્યારબાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી લક્કી ડુંગરે વાદળોએ મન મૂકીને વરસવાનું બંધ કરી દીધું છે, જેથી હવે એકાદ અઠવાડિયામાં લક્કી ડુંગર ઉપર ફરી ભારે વર્ષા નહીં થાય તો હમીરસરના આગનવાની આશા ઉપર જ પાણી ફરી વળશે. કેમ કે, તળાવમાંથી પાણી જમીન નીચે ઉતરવા લાગ્યું છે.

ભુજ તાલુકાના લક્કી ડુંગરે ભારેથી અતિભારે વરસાદ થાય તો પાણીનો વિશાળ પ્રવાહ પહેલા ધૂનારાજા ડેમ અને વિશાળ હમદરાઈ તળાવ ભરે છે. ધૂનારાજા ડેમ અને વિશાળ હમદરાઈ તળાવ ભરાઈ જાય પછી વરસાદી પાણીના સંગ્રહની જગ્યા રહેતી નથી, જેથી લક્કી ડુંગરેથી પડેલું વરસાદી પાણી ઝડપભેર 10 કિ.મી.નું અંતર કાપી મોટાબંધ સુધી પહોંચે અને ભુજના હૃદય સમાન હમીરસર તળાવમાં ઠલવાય છે. રવિવારે 23મીની રાતે અને સોમવારે 24મીના દિવસે લક્કી ડુંગર પર ભારે વરસાદ થયો, જેથી હમીરસરમાં વિશાળ જળરાશિ આવી અને તળાવ ઓગનવાને બે ત્રણ ફૂટ બાકી રહી ગયું. ત્યારબાદ મંગળ, બુધ અને ગુરુવાર એમ સળંગ ત્રણ દિવસ સુધી લક્કી ડુંગરે ભારે વર્ષા થઈ નથી. બીજી બાજુ, હમીરસર તળાવમાંથી પાણી જમીન નીચે ઉતરીને ઢાળ તરફના એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ભરાવવાનું શરૂ થઈ ગયું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કાં તો ખાણેતરામાં તળિયું ફાટી ગયું છે અથવા તો ભૂકંપ સમયે ફેરફાર થવાથી હમીરસર તળાવમાંથી પાણી જમીન નીચે ઉતરી ઢાળ તરફ વહી નીકળે છે, જેમાં ન્યૂ મિન્ટ રોડ, નાગર ચકલા, ગેરવાળી વંડી, નાના અને મોટા વોકળા ફળિયામાં આવેલા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાવવા પણ લાગ્યું છે. જો એકાદ અઠવાડિયામાં લક્કી ડુંગરે ભારે વર્ષા નહીં થાય તો હવે હમીરસર તળાવ ઓગનવાની આશા ઉપર જ પાણી ફરી વળશે. કેમ કે, પાણી સતત ઝડપથી જમીન નીચે ઉતરવા લાગ્યું છે.

અન્ય સમાચારો પણ છે...