રજૂઆત:કચ્છમાં સ્થિતિ તાકીદે થાળે નહીં પડાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી આંદોલન છેડશે

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કોવિડની વિકટ હાલત વિશે રોષભેર રજૂઆત

કચ્છમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શન, વેન્ટિલેટર અને ઓક્સિજનની અછત માટે વહીવટી તંત્ર જબાદાર છે. નિષ્કાળજીના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે અને હાલત દિન પ્રતિદિન બગડી રહી છે ત્યારે તાત્કાલિક યોગ્ય પગલા નહી ભરાય તો કોંગ્રેસ રસ્તા પર આવીને લોકઆંદોલન છેડશે તેવી ચીમકી પક્ષ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પાઠવાયેલા આવેદનમાં અપાઇ હતી.

ડીડીઓને રૂબરૂ મળવા પહોંચેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ રોષ ઠલાવતાં કહ્યું હતું કે, તીવ્ર અછત વચ્ચે જિલ્લા બહાર ઓક્સિજન જઇ રહ્યું છે જેને પગલે દર્દીઓના શ્વાસ રૂંધાય છે અને છેવટે મોતને ભેટી રહ્યા છે. ભાજપની નમાલી નેતાગીરી અને વહીવટી તંત્રની નિષ્ફળતાનો ભોગ લોકો બની રહ્યા છે. ગાંધીધામ શહેર પ્રમુખ સંજય ગાંધી અને ભરત ગુપ્તાએ સરકાર માન્ય ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો ફાળવાતો નથી તેવો આક્ષેપ કર્યો હતો.

પ્રતિનિધિ મંડળમા સામેલ રામદેવસિંહ જાડેજા, ધનજી મેરિયા, એચ. એસ. આહિર, ધિરજ રૂપાણી, અંજલિ ગોરે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દવા અને સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. રજૂઆતો સાંભળીને ઇન્ચાર્જ કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ એકાદ-બે દિવસમાં સ્થિતિ સુધરી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમ પ્રવક્તા ગની કુંભારની યાદીમાં જણાવાયું હતું.

ભાજપના નેતાઓ જ ઇન્જેક્શનના કાળા બજાર કરે છે
પક્ષ દ્વારા કરાયેલી રજૂઆતમાં એવા આક્ષેપ પણ કરાયા હતા કે, ભાજપના નેતાઓ નોડેલ અધિકારી રીનાબેન ચૌધરી સાથે સાઠગાંઠ રચીને રેમડેસિવિર ઇન્જેક્શન મેળવી કાળા બજારમાં વેંચી રહ્યા છે. આ મુદ્દે તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરાય તેવી માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...