તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગટર સમસ્યા:ભક્તિધામની સમસ્યા 8 દિવસમાં ન ઉકેલાય તો ધરણાની ચિમકી

આદિપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 વર્ષથી ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોના હોબાળાથી પોલીસ દોડી આવી
  • મેઘપર કુંભારડીમાં આવતા વિસ્તારને ગાંધીધામ પાલિકામાં સમાવેશ કરવાની માંગ

આદિપુરની ભાગોળે મેઘપર કુંભારડીની ભક્તિધામ વસાહતમાં ગત 22 વર્ષથી સતાવતી ગટર સમસ્યાનો કોઈ નિવેડો ન આવતા હવે રહેવાસીઓની સહનશક્તિનો અંત આવે તેવી સ્થિતિ ઉભી થઇ છે અને રોષ ભભૂકી ઉઠ્યો છે. ગત ફેબ્રુઆરીમાં ગટર સમસ્યાના ઉકેલની રજુઆત બાદ હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે જો આગામી 8 દિવસમાં કોઈ ઉકેલ નહિ આવે તો ધરણા સહિત ના જલદ કાર્યક્રમોનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સાથો સાથ, અંજાર તાલુકા પંચાયતની નીતિરિતીથી ત્રસ્ત લોકો બહોળી વસતી ધરાવતા આ વિસ્તારને હવે ગાંધીધામ પાલિકામાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે.

ભક્તિધામ વસાહતના રહેવાસીઓના જણાવ્યાનુસાર, તેમની આ વસાહતને બને 22 વર્ષ થવા આવ્યા છતાં અહીં ગટરલાઈન નાખવામાં આવી નથી. અંજાર તાલુકા પંચાયત એમના હસ્તક આવતા વિવિધ રહેણાંક વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ, બગીચા, સહિતની સુવિધાઓ વિકસાવી ચુકી છે, ત્યારે આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું છે. અહીં વગર વરસાદે ગલીગલી એ ગટર ઉભરાય છે, તો કોઈ જગ્યા એ સ્ટ્રીટ લાઈટો લગાવવામાં જ આવી નથી, આટલું ઓછું હોય તેમ અહીં પીવાનું પાણી મેળવવા માટે કોઈ નળ પણ લગાવવામાં આવ્યા નથી. સફાઈકામ તો અહી કરવામાં જ આવતું નથી .

અહીંના રહેવાસીઓ દ્વારા વારંવાર થતી રજૂઆતો કોઈ ધ્યાનમાં લેતા નથી. ગત ફેબ્રુઆરીમાં અહીંની સમસ્યાઓના ઉકેલ માટે રજુઆત કરવામાં આવી હતી, પણ તાલુકા પંચાયતના જવાબદારો એ કોઈ પ્રતિભાવ ન આપતા લોકોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો છે. આજે ઉશ્કેરાઈ ગયેલા લોકો એ આક્રમક રજૂઆતની તૈયારી કરતા પોલીસને આવવું પડ્યું હતું અને પોલીસે લોકોની સમસ્યાઓ સાંભળીને પંચનામું પણ કર્યું હતું.

હવે આગામી 8 દિવસમાં અહીંની માળખાગત સુવિધાઓના પ્રશ્નો નો ઉકેલ ના આવ્યો તો અહીંના રહેવાસીઓ પરિવાર સાથે ધરણા સહિતના જલદ કાર્યક્રમો કરશે અને તેની તમામ જવાબદારી અંજાર તાલુકા પંચાયતના જવાબદારોની રહેશે તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

વિકાસ : પ્રાથમિક સુવિધાની વાતો માત્ર કાગળ પર જ રહી છે

ભક્તિધામ વસાહત 22 વર્ષ પહેલાં બની છે, પરંતુ હજી સુધી લોકોને માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થઈ નથી,, એના કરતાં તો અમને ગાંધીધામ પાલિકામાં નાખી દ્યો, કાઈક તો કામ થાય. લોકો વાઇફાઇ નથી માંગતા, પ્રાથમિક સુવિધાઓ માંગે છે. - હીનાબેન પટેલ, રહેવાસી

10 વર્ષથી ગટર સમસ્યાની વારંવાર રજુઆત છતાં ય કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે હાલની કોરોનાની ભયજનક સ્થિતિમાં રોગચાળો વધવાની બીક લાગે છે. નાના બાળકોને કેમ સાચવવા તે પ્રશ્ન છે. - દિપાબેન ગોસ્વામી, રહેવાસી

અંજાર તાલુકા પંચાયતમાં વારંવાર રજુઆત પછી ય અહીંની સમસ્યાઓ ઠેર ની ઠેર છે. રજૂઆત પ્રત્યે ધ્યાન ન અપાતાં હવે તો અહીંની સમસ્યાઓના ઉકેલ માટે આક્રમક કાર્યક્રમો જ એકમાત્ર વિકલ્પ હોય તેવું લાગે છે. - નયનાબેન માલી, રહેવાસી

સમસ્યા રાજકીય લોકોની ખેંચતાણનું મૂળ?
મેઘપર કુંભારડી આમ તો અંજાર તાલુકા પંચાયતનો એક ભાગ છે, પરંતુ સામાજિક અને આર્થિક રીતે અહીંના વસાહતીઓ આદિપુર - ગાંધીધામ સાથે ઘરોબો ધરાવે છે. તેના લીધે અંજાર - ગાંધીધામના રાજકીય લોકોના વર્ચસ્વ ને અસર પડે તેવું હોવાથી રાજકીય હુસાતુંસીનો ભોગ લોકો બની રહ્યા છે તેવો આક્ષેપ પણ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...