પાણી સંગ્રહના વધુને વધુ સ્ત્રોત ઊભા થાય તે માટે કચ્છમાં સરકાર અને સંસ્થાઓ વર્ષોથી સતત પ્રયત્નશીલ રહ્યા છે. હોય તેને ઊંડા કરવા કે નવા નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોસ્પિટલના લોકાર્પણ સમયે અમૃત મહોત્સવ પર્વે દરેક જિલ્લામાં 75 તળાવ નિર્મિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે ભુજ માટે એક સરસ મોકો છે કે, બહુ જ ઓછા ખર્ચે રાજાશાહીના સમયમાં બનેલા તળાવનું જો અનુશ્રવણ કામ કરવામાં આવે તો ભવ્ય અને સુંદર સરોવર સોગાદમાં આપી શકાય. જરૂર છે સાંસદ, ધારાસભ્ય, સુધરાઇ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ અને સરકારી અધિકારીઓના સંયુક્ત નિર્ણય લઈને અમલ કરવાની.
ભુજની ભાગોળે પશ્ચિમે આવેલા ઊમાસર તળાવનું નિર્માણ જ જરૂર પડ્યે 24 કુવા વાટે હમીરસર ભરવા માટે કરવામાં આવ્યું. થોડા દાયકા અગાઉ આ પ્રયોગ પણ થયો હશે. પરંતુ ધીરે ધીરે આ જળ વ્યવસ્થા વિંખાઈ ગઈ. તળાવ પણ કયા સરકારી ખાતામાં છે, તે નિશ્ચિત નહોતું થતું. તળાવ સમિતિના કન્વીનર કાંતિલાલ હરજીભાઈ પટેલની વર્ષો સુધીની લડત બાદ ગત 2019માં જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગને મરમ્મત અને જાળવણી માટે તબદીલ કરવામાં આવ્યું. વરસાદ શરૂ થાય તે અગાઉ જો આ તળાવને ખાસ કેસમાં બ્યુટીફિકેશન કરવામાં આવે તો ચોમાસા બાદ સુંદર સરોવર આકાર પામે.
તજજ્ઞો દ્વારા સર્વે કરાવાય તો ન્યૂનતમ ખર્ચમાં વધુ કામ થાય
14 હેકટર વિસ્તારમાં ફેલાયેલા આ ભુજના બીજા નંબરના તળાવમાં તળિયું સાગના પથ્થરનું છે. જે પાણીને સંગ્રહી રાખે છે. ઉપરાંત એક સમયે આ જગ્યા લીઝ પર ખાનગી પાર્ટીને આપવામાં આવી હતી, ત્યારે પથ્થર કાઢવામાં આવ્યા હતા, જેને કારણે વાવની જેમ ઊંડાઈ થઈ છે. હજી પણ તજજ્ઞોની સલાહ લેવાય તો આ જ રીતે વધુ ખોદકામ થાય અને પાણી સંગ્રહ શકિત વધે. આમાંથી નીકળતી માટી આસપાસ પાળો બનાવવા કામ આવે તથા તેને સહેલાઈથી વોક વે બનાવી લોકોપયોગી બનાવી શકાય.
રેવન્યુ રેકર્ડમાં 31 વર્ષ અગાઉ તળાવ, ઓવરફ્લો માટે ઓગનની જમીન બતાવાઇ
રેવન્યુ સર્વે નં.96 અને સર્વે નં.870 પૈકી એ અને બી ની જમીન તળાવડી બાંધવા માટેના ઉદ્દેશથી 1991માં જમીન રેકર્ડ વિભાગ દ્વારા માપણી કરવામાં આવી હતી. આ રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલી શ્રીસરકાર જમીનને તળાવ તરીકે ઉલ્લેખ કરી અને કલેક્ટરના હુકમથી જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગને મરમ્મત અને જાળવણી માટે સોંપાઈ. જે મુજબ 14.03 હેકટર વિસ્તાર તળાવ, બંધપાળો, ઓવરફ્લો માટેના ઓગનની જમીન દર્શાવાઈ છે. માટે હવે સિંચાઇ વિભાગ દ્વારા કામ થઈ શકે તે સ્પષ્ટ છે.
સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત કામગીરી હાથ ધરાઇ
તળાવની માટી ખોદી અને ઊંડું કરવામાં આવે તો તેમાં પાણી સંગ્રહ શકિત વધે અને તેમાંથી જ પાળો બનતા સુંદરતા વધે. સુજલામ સુફલામ્ યોજના હેઠળ કામ કરવા અંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાને રૂબરૂ રજૂઆત કરતા તેમણે આ કામને પણ સમાવી લેવા ભલામણ કરી હતી. જેના અનુસંધાને કલેકટર કચેરીએથી સિંચાઇ વિભાગને સૂચના આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.