ભુજના ભૂકંપગ્રસ્ત વેપારીઓને રિલોકેશન સાઇટ્સ પર બનેલાં વાણિજ્યિક સંકુલમાં દુકાનો આપવા અનેકવાર રજૂઆત કરાઇ છે તેમ છતાં તંત્ર દ્વારા ન્યાય આપવાના બદલે દુકાનોની હરાજીનો નિર્ણય લેવાયો છે તે યોગ્ય નથી. વેપારીઓની માંગ નહીં સંતોષાય તો ના છૂટકે અદાલતના દ્વાર ખટખટાવાશે તેવો નિર્ણય ભુજમાં યોજાયેલી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનની બેઠકમાં લેવાયો હતો.
ધરતીકંપ બાદ અટકેલા વિકાસ કામોની ચર્ચા કરવા માટે સંસ્થાના અધ્યક્ષ અનિલ ગોરના પ્રમુખસ્થાને યોજાયેલી બેઠકમાં જણાવાયું હતું કે, ભૂકંપ બાદ ભાડા દ્વારા ટીપી અને ડીપી યોજના અમલી બનાવાઇ હતી પણ તે મુજબના કામો હજુ સુધી થયા નથી. ભૂકંપ પીડિત વેપારીઓને કનડતા પ્રશ્નો અંગે પૂર્વ અને વર્તમાન મુખ્યમંત્રીઓ સમક્ષ રજૂઆતો કરાઇ છે, તેના પ્રત્યુત્તર મળે છે પણ કાર્યવાહીના નામે શૂન્ય છે.
શહેરની રિલોકેશન સાઇટોમાં બનેલા વાણિજ્યિક સંકુલોમાં પીડિત વેપારીઓને દુકાન ફાળવવા અનેક વાર લેખિત રજૂઆતો કરાઇ છે પણ આજ સુધી કોઇ વેપારીને દુકાન અપાઇ નથી. તાજેતરમાં તંત્ર દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનોની ઇ-હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે તેના સામે સંસ્થાએ સખત વિરોધ નોંધાવ્યો હતો. ચેમ્બરના સભ્ય જમનાદાસભાઇ, રાજુભાઇ ટાંક, હરીભાઇ ગોર, ભરતભાઇ, દીપેશભાઇ, ભદ્રેશ દોશી, રાજેશ માણેક, કૌશિક ઠક્કર, સમીર ચોથાણી, અરવિંદ અજાણી, સત્યમ બારમેડા સહિતનાએ ચર્ચામાં ભાગ લેતાં વિવિધ સુચનો કર્યા હતા.
ભાડા પાસે પૂરતું ભંડોળ હોવા છતાં વિકાસ માટે નાણા ખર્ચાતા નથી, નવા રસ્તાનું આયોજન થતું નથી તેવી રજૂઆત કરતાં ઉપસ્થિતોએ વિકાસ કામો તાત્કાલિક હાથ ધરાય અને ભાડામાં ચેરમેનની નિયુક્તિ રાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. ધરતીકંપના 22 વર્ષ બાદ પણ પીડિત વેપારીઓની દશા જેમ હતી તેમ જ છે તેને જોતાં તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય નહીં કરાય તો ના છૂટકે અદાલતું શરણું લેવું પડશે તેવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. આરંભે મંત્રી જગદીશ ઝવેરીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાને બે મિનિટ મૌન પાળીને અંજલિ અપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.