ભુજમાં દલપતભાઈ દાણીધારિયા લિખિત પુસ્તક 'કચ્છઃ વિશેષ પરિચય'નું વિમોચન કરાયું હતું. પુસ્તક પરિચય આપતાં વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે અનેક વિવિધતાથી સભર કચ્છને વિભિન્ન પાસાઓથી ઓળખવાના પ્રયાસો કરાય તો આ મુલકની અજાયબી ભરેલી અનેક માહિતી આપણે મેળવી શકીએ. સદીઓથી આગવી અસ્મિતા જાળવનાર આ પ્રદેશના ભવ્ય વારસાથી વર્તમાન સમય સુધીના કચ્છને જાણવા માટે યોગ્ય દિશામાં પ્રયાસો જરૂરી છે. તેમજ ઉમેર્યું હતું કે શિક્ષણવિદ્દોએ જે તે વિસ્તારને સાચી રીતે જાણવાની દિશામાં અભ્યાસક્રમ ગોઠવવા વિચારવું પડશે.
પ્રારંભમાં સર્જકે કચ્છની વિશિષ્ટ ઓળખની ઝાંખી કરાવી હતી. ઇતિહાસ, ભૂગોળ, પર્યાવરણ, સમાજશાસ્ત્ર, પુરાતત્વ, હસ્તકલાઓ, ભૂસ્તર અને વનસ્પતિશાસ્ત્ર, પ્રાણી અને પક્ષી પરિચય, અને લુપ્ત થતી પરંપરાઓની વિસ્તૃત માહિતી આપતા તેઓએ આવી માહિતી પ્રાગમહેલ ખાતે ગ્રંથ સંગ્રહાલયમાં ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. લીલાધર પાસુ ફોરવર્ડસ પ્રા.લી.ના સૌજન્યથી વિવેકગ્રામ દ્વારા પ્રકાશિત પુસ્તકના પ્રકાશન અધિકારી ગોરધન પટેલ 'કવિ'એ કચ્છ સાથે રાજયના અન્ય વિસ્તારોને પણ કચ્છની માહિતી માટે ઉપયોગી પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પ્રકાશિત કરવાની જાહેરાત કરી હતી. ઝીણારામભાઈ દાણીધારિયા, દાતા પરિવારના દેવેન્દ્રભાઈ શાહ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સંજય ઠાકરે પ્રાસંગિક ઉદબોધન આપ્યા હતા. પ્રકાશન સંસ્થાએ પુસ્તકની ડિજિટલ કોપી તમામ શાળાઓને ઓનલાઈન મોકલવા તત્પરતા બતાવી હતી. લેખકે કચ્છના સાંસ્કૃતિક વારસા ક્ષેત્રે હજુ ઘણું કરવાની ગુંજાઈશ હોવાનું જણાવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી કૃતાર્થસિંહ જાડેજાએ લેખકને બિરદાવ્યા હતા. આ પ્રસંગે મુકેશ સોલંકી, રમેશ ગોર, કિશોર ભદ્રા, શિવજીભાઈ મોઢ, ડો.કાન્તિ ગોરે લેખકનું સન્માન કર્યું હતું. શિવદાસભાઈ પટેલ, ઝવેરીલાલ સોનેજી, નરેશ અંતાણી, સાવજસિંહ સોઢા, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, હરેશ ધોળકિયા, રસનિધિ અંતાણી, ગૌતમ જોશી, લાલજી મેવાડા, રમેશ ભટ્ટ 'રશ્મિ', જાગૃતિબેન વકીલ, કમલકાંત ભટ્ટ, ધનજી ભાનુશાલી, કાશ્મિરાબેન મહેતા, કૃષ્ણકાંત ભાટીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ભારતીબેન ગોર અને આભારવિધિ રમેશભાઈ ગોરે કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.