ટુરિઝમ વધ્યું:કડકડતી ઠંડી વચ્ચે સફેદરણમાં પૂનમની ચાંદની માણવા સેંકડો પ્રવાસીઓ ઉમટ્યા

લાખોંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસોર્ટ-હોટેલોમાં વર્ષાન્તે હાઉસફૂલ જેવી સ્થિતિ સર્જાઈ,લોકલ ટુરિઝમ વધ્યું

રવિવાર અને ફૂલમૂન હોતા સેંકડો પ્રવાસીઓ સફેદરણ વચાળે ચાંદની શીતળતા માણવા ઉમટી પડ્યા હતા,કચ્છની કલા સંસ્કૃતિ અને ખાણીપીણી સાથે વાકેફ થયા હતા.ધોરડોના સફેદરણમાં હાડ થીજવતી ઠંડીને પણ ભૂલીને ઠંડા વાયરા વચ્ચે હજારો પ્રવાસીઓ સફેદરણ પહોંચ્યા હતા.વિકેન્ડ અને પૂર્ણચંદ્ર હોતા રણ ખીલી ઉઠ્યું હતું.ટેન્ટસિટી પીઆરઓ અમિતભાઇ ગુપ્તાએ જણાવ્યું હતું કે,દેશના દરેક ખૂણાથી પ્રવાસીઓ સફેદરણનો ફૂલમૂન જોવા ઉમટ્યા હતા.આ વેળાએ વિવિધ બેન્ડનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તો કચ્છ અને ગુજરાતની કળા અને સંસ્કૃતિથી પ્રવાસીઓ અભિભૂત થયા હતા.

ક્રિસમસની રજાઓમાં પણ ટેન્ટનું મોટાભાગનું બુકીંગ થઇ ચૂક્યું છે.જૂના વર્ષને ભૂલી નવાવર્ષની ઉત્સાહભેર આવકારવા દેશવાસીઓમાં થનગનાટ છે એ વચ્ચે ડેસ્ટિનેશન સ્ટે માટે લોકો સફેદરણ પર પસંદગી ઉતારી રહ્યા છે.ધોરડોમાં રિસોર્ટ વ્યવસાયથી જોડાયેલા મિયાહુસેન મુતવાએ કહ્યું કે,સફેદ રણની ચાંદની હોય છે ત્યારે હજારો પ્રવાસીઓ અહીં આવતા હોય છે,જેના કારણે રિસોર્ટમાં પણ બુકિંગમાં ધસારો જોવા મળ્યો હતો.

ફૂલમૂનની ભીડતો માત્ર ટ્રેઇલર હતું અસલી ધસારો તો ક્રિસમસની રજાઓમાં કચ્છમાં થશે,હોટેલથી લઈને રિસોર્ટ નવા વર્ષની ઉજવણી માટે ફૂલ થઇ ચૂક્યા છે.ભુજની ખાનગી હોટેલના હેમલભાઈ માણેકએ જણાવ્યું હતું કે,૨૧ ડિસેમ્બરથી લઈને ૩૧ ડિસેમ્બર સુધી હોટેલો હાઉસફૂલ થઇ ચૂકી છે,કોરોનાકાળ બાદ હવે લોકો પરિવાર સાથે સામાન્ય રીતે ફરવા નીકળી રહ્યા છે.ચાલુ વર્ષે વિદેશી પ્રવાસીઓ નથી આવ્યા છતાંય લોકલ ટુરિઝમના આધારે ધંધામાં કોઈજ લોસ નથી આવ્યો .

અન્ય સમાચારો પણ છે...