તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ભુજમાં 8000 કોરોનાગ્રસ્તોને નિ:શુલ્ક ભોજન આપનારા સ્વયંસેવકોનું સન્માન

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે માસથી કચ્છ કડવા પાટીદાર સમાજ તથા દાતાઓના સહયોગથી સેવા કરાઈ

જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં છેવાડાના ગામોથી ભુજ આવતા મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના સ્વજનો હોસ્પિટલમાં દાખલ થવા તેમજ અન્ય સુવિધા માટે પરેશાન ન થાય તે માટે ભુજમાં કેન્દ્રીય સમાજ સંચાલિત પાટીદાર કુમાર છાત્રાલયમાં ભોજન તથા ટિફિન સહિતની વ્યવસ્થા છેલ્લા બે માસથી કચ્છ કડવા પાટીદાર સમાજ ભુજ તેમજ દાતાઓના સહયોગથી અવિરત ચાલુ રખાઈ હતી. જેમાં આઠ હજારથી વધારે ભોજન તેમજ ટિફિન જરૂરિયાતમંદોને અપાયાં હતાં.

જે નિઃશુલ્ક સેવા પૂર્ણ કરી જ્ઞાતિજનો માટે રાહતદરે ભોજન તેમજ ટિફિનની સેવા કુમાર છાત્રાલય ખાતે કરાઈ છે અને દર્દીઓના સ્વજનોને ઉતારા માટે સમાજવાડીમાં નિ:શુલ્ક વ્યવસ્થા કરાઈ હતી. આ સેવાયજ્ઞમાં જોડાયેલા સ્વયંસેવકોને સન્માનવા કુમાર છાત્રાલય ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં સ્વયંસેવકોને પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય સમાજ ભુજ ઝોનના પ્રમુખ ગંગારામભાઈ ચૌહાણ, ભુજ કન્યા છાત્રાલયના કન્વિનર ડો.કે.વી. પાટીદાર તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજ ભુજના પ્રમુખ ધીરજભાઈ માકાણીએ સ્વયંસેવકોની સતત બે માસ સુધી કપરાકાળમાં કરેલી કામગીરીને બિરદાવી હતી.

કેન્દ્રિય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણી, ટ્રસ્ટી ગંગારામભાઈ રામાણી, ઉપપ્રમુખ ગોપાલભાઈ ભાવાણી, મંત્રી પ્રવિણભાઈ ધોળુએ છાત્રાલયની મુલાકાત લઈ સંચાલન સમિતિને અભિનંદન આપ્યાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત કેશુભાઈ પારસિયા તેમજ સંચાલન સમિતિના સભ્યોએ હોસ્ટેલમાં સેવારત નરસિંહભાઈ ઘોઘારી, વાડીલાલ પોકાર તેમજ કમલેશ મારાજના પરિવારની સેવાને બિરદાવી હતી. સ્વાગત સંચાલન સુરેશભાઈ પોકાર, પ્રસંગ પરિચય રમેશભાઈ પોકાર, આભારવિધિ કિરીટભાઈ ચૌહાણ અને સંચાલન ડો.બિહારીભાઈ રામજીયાણીએ કર્યું હતું. વ્યવસ્થામાં પ્રવિણભાઈ ચૌહાણ, લક્ષ્મણભાઈ માવાણી સહયોગી રહ્યાં હતાં. કાર્યક્રમમાં કન્યા છાત્રાલય ભુજની કન્યાઓ તેમજ સમગ્ર સ્ટાફ સામેલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...