માલધારીઓનો મેળાવડો:તેજીલા તોખારની હણહણાટીથી હોડકો ગાજ્યું

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલધારી સંગઠન આયોજિત બે દિવસીય બન્ની પશુ મેળો ખુલ્લો મૂકાયો
  • ઘોડા​​​​​​​ દોડ, માણસ દોડ અને દૂધ દોહન હરીફાઇ સાથે પશુઓનું વેચાણ

બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ભુજ તાલુકાના હોડકોમાં અાયોજિત બે દિવસીય 13મા બન્ની પશુ મેળાનો પ્રારંભ કરાયો છે અને પ્રથમ દિવસે ઘોડા દોડ, માણસ દોડ સહિતની સ્પર્ધાઅો સાથે પશુઅોનું વેચાણ કરાયું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યએ 13મા બન્ની પશુ મેળાને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, બન્નીની પશુ પાલન પ્રવૃત્તિ અને સામાજિક સમરસતા બેમિસાલ છે અને દુષ્કાળ, કુદરતી આપતી સમયે સંગઠનના પ્રતિનિધિઓ અને માલધારી આગેવાનો સરકાર સાથે મળી પશુપાલકોના વ્હારે આવી જે કામગીરી કરે છે તે સરાહનીય છે.

પશુમેળાના પ્રથમ દિને ગાય, ભેંસ, ઘોડા સહિતના પશુઅોના વેચાણ સાથે બન્નીની ઝાંખી દર્શાવતા સ્ટોલ ઉભા કરાયા હતા. બપોરે ઘોડા દોડ, માણસ દોડ, દૂધ દોહન હરીફાઇ યોજાઇ હતી, જેમાં પ્રથમ ત્રણ નંબરે વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામો અાપી નવાજાયા હતા. તેજીલા તોખાર (અશ્વ)ની હણહણાટીથી હોડકો ગામ ગાજી ઉઠ્યું હતું. અા તકે સિંધી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યક્રમ પણ યોજાયો હતો.

અા તકે જિલ્લા પચાયત પ્રમુખ પારૂલબેન કારા, તાલુકા પચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી તેમજ દામજી ચાડ, રસીદ સમા, રમજાન હાલેપોત્રા, ઓસમાણ સમા, માલધારી સંગઠન પ્રમુખ સાલેમામદ હાલેપોત્રા, ઉપપ્રમુખ ફકીરમામદ જત, મંત્રી અબ્દુલા તાજન, સહમંત્રી રામજી દેવરાજ, ખજાનચી જત નુરમામદ ખમીસા, સ્થાનિક આગેવાનો મુસાભાઇ, સલામભાઈ, અનવરભાઇ, ઈશાભાઈ, કલાધાર મુતવા, સહજીવન, વીઆરટીઆઈ સંસ્થા સેતુ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના મોવડીઅો હાજર રહ્યા હતા.

વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર એનાયત
વિવિધ સ્પર્ધાઅો પૈકી માણસ દોડ સ્પર્ધામાં 40 જેટલા યુવાનેઓઅે ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબરે ભુનિયા અમીન મુતવા રહ્યા હતા અને અનુક્રમે પ્રથમ ત્રણ નંબરે વિજેતા સ્પર્ધકોને રૂ.2000, રૂ.1500 અને રૂ.1000 રોકડ પુરસ્કાર સ્થાનિક અાગેવાનો દ્વારા અપાયો હતો.

ગાય, ભેંસ સહિત 8 પશુઅો વેચાયા
પશુમેળામાં ગાય, ભેંસ, પાડા સહિત અંદાજિત 8 જેટલા પશુઅોનું વેચાણ થયું હતું, જેમાં બન્નીની ભેંસ 1.65 લાખમાં વેચાઇ હતી તો વળી પાડો 65 હજારના ભાવે વેચાયો હોવાનું મુસાભાઇઅે જણાવ્યું હતું.

વિવિધ સ્પર્ધાના અા છે વિજેતા
ઘોડાદોડ નાની રેવાલ
1) કિશોરભાઈ
2) રાજણ બસીર
3) ભાવેશ મારાજ
ઘોડાદોડ સરડા મોટી
1) આદિ સમા
2) રમજુ અયુબ
3) સુમરા અબ્દુલ મામદ
ઘોડદોડ મોટી રેવાલ
1) હિંગોરા મામદ સિધ્ધિક
2) ઇબ્રાહીમ જુમા
3) અકબર ખલીફા
માણસ દોડ હરીફાઈ
1) ભુનિયા અમીન મુતવા
2) દેવરાજ વિરમ ગઢવી
3) શરૂ અયુબ જત

અન્ય સમાચારો પણ છે...