મજબૂત મનોબળ:શતાયુ પૂર્ણ કરનારા હીરાબા કહે છે: ‘ઝાઝી હૈયાહોળી ન કરો, ઘરે રહો પણ પ્રવૃતિમય રહો’

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવચેતી પરમો ધર્મ: કુટુંબના 70 સદસ્યો પૈકી કોઈને કોરોના લાગુ પડ્યો નથી
  • ગાંધીધામના આ વૃધ્ધ મહિલા બ્રેસ્ટ કેન્સરને હરાવી ચૂક્યા છે, તેમનું નીરોગી જીવન સમાજ માટે છે પ્રેરણારૂપ

નિવૃત્તિ વયની શરૂઆત ઘણા લોકો દ્વારા “સજા” માનવામાં આવે છે: જેમાં યાદાસ્ત બગડે છે, પ્રતિક્રિયાની ગતિ ઓછી થાય છે, પગલાં માંડવા વધુ મુશ્કેલ બનતા હોય છે. પરંતુ મૂળ ગાંધીધામના હીરાબા સેવક કે જેમણે એક સદી પૂરી કરી છે, છતાંય તેમના પાંચમી પેઢીના બાળકો પાસે બાળક બનીને ખુશખુશાલ જીવન જીવી રહ્યાં છે. હીરાબાના સો વર્ષનાં જીવનમાં અનેક પડકારો આવ્યા છે. દાયકા પહેલા તેઓ ખુદ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બન્યા હતા. એક બ્રેસ્ટ કઢાવી પડી હતી અને કિમો થેરાપીના આકરા શેક વચ્ચે તેઓ ખુદ તપ્યા હતા, પણ આજનું તેમનું સ્વસ્થ જીવન જોઈને ભલભલા અંજાઈ જાય. બાની અડીખમ કાયા, મજબૂત બત્રીસી અને દ્રઢ મનોબળ સમાજને પ્રેરણા આપે છે કે, ‘ઝાઝી હૈયાહોળી ન કરો, ઘરે રહો પણ પ્રવૃતિમય રહો.’

70 જણાના સેવક પરિવારના વટવૃક્ષ સમાન હીરાબાના વ્યવહારૂપણાના અનેક કિસ્સાઓ છે. ચાર ચોપડી ભણેલા હોવા છતાંય તમામ ધાર્મિક પુસ્તકોનું પઠન ગુજરાતી, હિન્દી, સંસ્કૃતમાં કરી શકે છે. આટલું જ નહીં બાળકોને પણ ચોકલેટ- પીપરની લાલચ આપીને પ્રભુપ્રાર્થના અને સંસ્કૃતના શ્લોક મોઢે બોલતા શીખવાડે છે. કાને આવેલી બહેરાશના સવાલમાં તેઓ જવાબ આપે છેકે, તેના લીધે આ મહામારીના ભયાવહ કિસ્સાઓ મને સાંભળવા નથી પડતા.’ સિલાઈ અને રસોઈ બનાવવી તેમના મુખ્ય શોખ છે. આજે પણ તેઓ મહિલાનો બાંધો જોઈને આબેહૂબ માપનું ડિઝાઈનર ડ્રેસ સીવી આપે છે. તેઓ વહુને ઘણીવાર લાલચ આપે કે, ‘તું મને ડોનટ બનાવતા શીખવાડ હું તને અથાણાની રેસિપી આપીશ.’

માસ્ક કે સેનિટાઈઝરનો વપરાશ હીરાબાના હાથે નહિવત છે, પરંતુ દરેક કામ કર્યા પછી હાથ ધોવા અને જેટલીવાર શૌચાલયની વાટ પકડે તેટલીવાર ન્હાવા જાય એ તેમનો નિયમ છે. ગરમમસાલાનો ઉપયોગ, ઋતુ પ્રમાણે ફળ- શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જેવી બાબતો પર તેઓ ખાસ જોર આપે છે. આજ કારણથી 70 જણાના આ પરિવારમાં અબાલ-વૃદ્ધ કોઈને કોરોના વાઇરસ પડકારી શક્યો નથી. દાયકા પહેલા કેન્સર જેવી બીમારીને મ્હાત આપનારા હીરાબા કહે છે કે, મજબૂત મનોબળ અને સાવચેતીથી વાઇરસને હરાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...