તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:વાગડ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે ઝાપટાં વરસ્યા

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં ભાદરવાના આરંભ પહેલાં પ્રખર તાપ વરસ્યો

કચ્છમાં ગત સોમવારે પ્રવેશેલી મેઘ સવારી શ્રાવણ માસના અંતિમ સોમવારે દિવસભર થંભી ગઇ હતી પણ રાત્રે 10 વાગ્યાના અરસામાં વાગડ વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા. બીજી બાજુ ભારદરવાના આરંભ પૂર્વે જ વરસેલા તાપથી લોકો અકળાયા હતા. દરમિયાન બુધ અને ગુરૂવારે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

ગત સોમવારે જન્માષ્ટમીની રાત્રિથી કચ્છમાં પડાવ નાખનારા મેઘરાજાએ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રાત્રે વાગડ વિસ્તારમાં હાજરી પુરાવી હતી. રાપર તેમજ તાલુકાના આડેસર વિસ્તારમાં રાત્રે 9.30ના અરસામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. પ્રાંથળ પટ્ટીના ગામો તેમજ ભીમાસર, ફતેગઢમા ઝાપટા પડ્યા હતા.

ભચાઉ તાલુકાના જંગી, છાડવાડા આમલીયારા, વાઢિયા, શિકારપુર સામખિયાળી, લલિયાણા સહીત કાંઠાળ પટ્ટીના ગામોમાં રાત્રે 10.30. કલાકે જોરદાર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બીજી બાજુ કચ્છમાં દિવસભર આજે મંગળવારે ભાદરવો મહિનો શરૂ થઇ રહ્યો છે તે પહેલાં જ આકરો તાપ પડ્યો હતો. પવનની ગતિ નહિવત રહેવાની સાથે સમયાંતરે તડકો નીકળતાં ગરમીએ ફરી જોર પકડ્યું હતું.

જિલ્લા મથક ભુજમાં ઉંચું ઉષ્ણતામાન 34.2, કંડલા એરપોર્ટ મથકે 33.4, કંડલા બંદર પર 33.1 જ્યારે નલિયા ખાતે મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું હતું તેની સાથે આકરો તાપ વરસતાં લોકો અકળાયા હતા. જિલ્લાભરમાં ન્યૂનતમ સરેરાશ 26 ડિગ્રી રહ્યું હતું. દરમિયાન આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે તેવામાં કચ્છમાં તેની સંભાવના નહિવત હોવાનું કહેતાં ભુજ હવામાન વિભાગના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું હતું કે, તા. 8 અને 9ના જિલ્લામાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...