ભાદરવામાં ભરપૂર:કચ્છના આડેસરથી અબડાસા સુધી ધોધમાર વરસાદ, કાળા ડુંગરના પગથિયા પરથી પાણી વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

ભુજએક મહિનો પહેલા
  • પૂર્વથી પશ્ચિમ સુધી ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ
  • રાપર, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, ભુજ, અબડાસા તાલુકામાં વરસાદ
  • સાત તાલુકામાં એક થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો

કચ્છ જિલ્લાના છ તાલુકાઓમાં આજે ભાદરવામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. રાપર,ગાંધીધઆમ, અંજાર, મુન્દ્રા, ભુજ, માંડવી અને અબડાસામાં એક થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

પૂર્વ કચ્છના રાપરમાં બપોરે પડેલા વરસાદમાં ગેલી વાડી, અયોધ્યા પુરી, દેના બેંક ચોક સહિતના વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા અને 1 ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. જ્યારે તાલુકાના આડેસર , હમીરપર, વાનોઈ વાંઢ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.

ગાંધીધામ અને અંજારમાં અડધા કલાકમાં એક ઈંચ વરસાદ
ગાંધીધામ અને અંજાર શહેરમાં પણ જોરદાર ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. અંદાજિત એકથી દોઢ ઇંચ વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા મથક ભુજમાં પણ ભારે પવન સાથે શરૂ થયેલો વરસાદ અડધા કલાકમાં એકાદ ઇંચ પાણી વરસી ગયું છે. કાળા ડિબાંગ વાદળોથી વાતાવરણ અંધકારમય બન્યું છે તેમાં વીજળી ગુલ થતા ઘરની અંદર પણ અંધારું છવાઈ ગયું છે.

કાળા ડુંગરના પગથિયાં પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
ઉત્તર તરફના પ્રસિદ્ધ ખાવડા સમીપેના કાળા ડુંગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચથી વધુ વરસાદ થયો છે. અહીંના કાળા ડુંગર પરથી ખળખળ વહેતા પાણીએ અલગ જ નજારો ખડો થયો હતો. આજે દીનારા, કાલાડુંગર, ધોરાવર, પૈયા, ખાવડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. મુન્દ્રા અને તાલુકા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. અબડાસા તાલુકાના ખીરસરા, કોઠારા , ભાનાળા ગામમાં વરસાદ વરસ્યો હતો છે. માંડવી તાલુકામાં પણ મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...