તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરબેઠા રસીકરણનો મામલો:માર્ગદર્શિકાનો ભંગ કરી કોરોનાની રસી લેવા મામલે ગીતા રબારીને પત્ર લખી આરોગ્ય વિભાગે ઝાટકણી કાઢી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા ડોઝ સમયે ભૂલનું પુનરાવર્તન ના કરવા તાકીદ પણ કરી

પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી દ્વારા રસીકરણની ગાઈડલાઈન્સનો ભંગ કરી ઘર પર કોરોના પ્રતિરોધક રસી લેતા સર્જાયેલા વિવાદ બાદ આરોગ્ય વિભાગે પત્ર લખી સમગ્ર બનાવને ખેદજનક ગણાવ્યો છે. કચ્છ આરોગ્ય વિભાગ દ્વારા ગીતા રબારીને પત્ર લખી બીજો ડોઝ લેતી સમયે ભૂલનું પુનરાવર્તન ના કરવા તાકીદ પણ કરી છે. તો બીજી તરફ આરોગ્યકર્મીને અપાયેલી શો કોઝ નોટિસનો જવાબ આરોગ્ય વિભાગને મળી ચૂક્યો છે પરંતુ, તેના પર શું કાર્યવાહી કરવી તે હાલ વિચારાધીન હોવાનું જાણવા મળ્યું છે.

શું હતો સમગ્ર મામલો?
કચ્છ જિલ્લાના ઢોરી ગામના વતની અને હાલ માધાપરમાં રહેતા પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી અને તેના પતિએ શનિવારે કોરોના પ્રતિરોધક રસી લીધી હતી. મહત્વનું છે કે, હાલ ગુજરાતમાં રસી લેવા માટે લાભાર્થીએ પોતાના વિસ્તારમાં આવેલા રસીકરણ કેન્દ્ર પર રસી લેવા માટે જવાનું હોય છે. પરંતુ, ગીતારબારી અને તેના પતિએ પોતાના ઘર પર સોફા પર બેસીને જ રસી લીધી હતી. રસી લીધી હોવાના ફોટો પોતાના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરતા જ વિવાદ શરૂ થયો હતો. કારણ કે, એક તરફ લોકો સ્લોટ બુક કરાવવા માટે કલાકો સુધી હેરાન પરેશાન થઈ રહ્યા હોય અને બીજી તરફ સેલિબ્રિટી હોવાના કારણે લોકગાયિકાને આરોગ્યકર્મી ઘરે જઈને વેક્સિન આપે તો સ્વભાવિક સવાલો ઉઠે જ.

વિવાદ સર્જાતા આરોગ્યકર્મીને નોટિસ ફટકારી ખુલાસો પૂછાયો
ઘરબેઠા રસીકરણને લઈ વિવાદ સર્જાતા કચ્છ આરોગ્ય વિભાગ દ્વારા ગીતા રબારીને તેના ઘર પર જઈ રસી આપનાર મહિલા આરોગ્યકર્મીનો ખુલાસો પૂછાયો હતો. મહિલા આરોગ્યકર્મીના જવાબ બાદ પણ સંતોષકારક જવાબ ના મળ્યો હોય તંત્ર દ્વારા ફરી ખુલાસો પૂછાયો હતો. કચ્છ જિલ્લા તંત્ર દ્વારા હાલ મહિલા આરોગ્યકર્મી સામે શું કાર્યવાહી કરવી તે વિચારાધીન હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ગીતા રબારીને પત્ર લખી સમગ્ર ઘટનાને ખેદજનક ગણાવી છે. બીજો ડોઝ લેતી વખતે આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ના કરવા તાકીદ પણ કરી છે.

ઠપકામાં પણ સુફિયાણી વાતો

  • કચ્છનું આરોગ્ય તંત્ર સરકારની માર્ગદર્શિકા મુજબ લોકોને કોવિડ-19ની રસી વધુ સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી કાર્યક્રમ ચલાવી રહ્યું છે.
  • લોકો સરકારની માર્ગદર્શિકાને અનુસરી રજિસ્ટ્રેશન કરાવે છે અને પોતાના ગામથી દૂરની જગ્યાએ જ્યાં સ્લોટ ઉપલબ્ધ હોય ત્યાં જઈને આદર્શ નાગરિક તરીકે રસી લઈ રહ્યા છે.
  • આપ લોક ગાયિકા છો અને ભારતીય નાગરિકની રૂએ સરકારની માર્ગદર્શિકાને અનુસરવા બંધાયેલા છો. આમ છતાં 12મી જૂન શનિવારે આપે આપના પતિ સાથે સરકારની માર્ગદર્શિકાનું ભંગ કરીને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. જે ઘણું ખેદજનક છે.
  • આ પ્રકારનું કૃત્ય આપ જેવા લોક ગાયિકા માટે શોભનીય નથી. આપની આવી હરકતના કારણે આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર અને સામાન્ય જનતાના માનસ ઉપર વિપરીત અસર થઈ રહી છે. છેલ્લા લાંબા સમયથી રાત-દિવસ જોયા વિના કામ કરતા આરોગ્ય કર્મચારીના ખુલાસા પૂછવાનો પ્રશ્ન ઉદભવ્યો છે.
  • આપના દ્વારા હવે રસીનો બીજો ડોઝ સરકારની ગાઈડલાઈન અનુસરીને નિયત રજિસ્ટ્રેશન કરાવી રસીકરણ કેન્દ્ર ઉપર જઈ રસી મેળવો એવી અપેક્ષા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવે છે. આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લઈ ફરીથી ઘટનાનું પુનરાવર્તન ના કરવા તાકિદ સાથે જણાવવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...