પરેશાનીમાં વધારો:મુંબઈને જોડતી ભુજની બે ટ્રેનમાં વિકલાંગ અને મહિલા કોચની બાદબાકી કરાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલએચબી કોચ જોડીને 2 વિશેષ કોચ રદ્દ કરાતા પરેશાનીમાં વધારો

મુંબઇને જોડતી ભુજથી ઉપડતી કચ્છ અને સયાજી એકસપ્રેસ ટ્રેનોમાંથી વિકલાંગ અને મહિલાકોચની બાદબાકી કરી નખાતા લોકોની પરેશાનીમાં વધારો કરાયો છે. આ બંન્ને ટ્રેનોના જુના ડબ્બાઓને બદલી નવા અને રુપાળા કહી શકાય તેવા એલ.એચ.બી. કોચનો સમાવેશ કરાયો પણ મહિલા અને વિકલાંગનું કોચ રદ્દ કરી નખાતા પ્રવાસીઓમાં કચવાટ ઉભો થયો છે.

છેલ્લા થોડા મહિનાઓથી ભુજથી મુંબઇ વચ્ચે દોડતી કચ્છ અને સયાજી એક્સપ્રેસ ટ્રેનોના જુના ડબ્બાઓને બદલી નવા એલ.એચ.બી. કોચ આ ટ્રેનોમાં લગાવાયા હતા. પણ આ ટ્રેનોમાં મુખ્ય કહી શકાય તેવા દિવ્યાંગ કોચ તેમજ મહિલાકોચની બાદબાકી કરી નાખી જેથી કરી આ ટ્રેનમાં મુસાફરી કરતા વિકલાંગો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયા છે.

પહેલા ટ્રેનના જૂના ડબ્બાઓમાં વિકલાંગ કોચમાં અંદર પુરતી જગ્યા રાખવામાં આવતી હતી તેમજ શોચાલય પાશ્ચત્ય શૈલીના રખાયા હતા. મુંબઇ ભુજ વચ્ચે 17 થી 18 કલાક જેવો મુસાફરીનો સમયગાળો હોય છે આ દરમિયાન મહિલા કે યુવતીઓને કોઇ ભય ન રહેતો અને તેઓ બિન્ધાસ્ત મહિલાકોચમાં આવ-જા કરી શકતી તેમજ સુરત-મુંબઇ વચ્ચે નોકરી કે અભ્યાસ માટે અપડાઉન કરતી યુવતિ માટે પણ આ કોચ આશિર્વાદરૂપ હતો.

હવે ટ્રેનોમાં છાસવારે બનતા લુંટના બનાવો જે તેમની સલામતી માટે ખુબ મોટો પ્રશ્ન છે. એક તરફ સરકાર મહિલા સુરક્ષા અને વિકલાંગોની પડખે હોવાનો દાવો કરે છે, બીજી તરફ ટ્રેનમાં જે સેવા અપાતી હતી, તે પણ રદ્દ કરી દેતા ભારોભાર રોષ ભભુકી ઉઠ્યો છે.

પ્રવાસી સંઘના વડાએ સહયોગની ખાત્રી આપી
આ બાબતે મુંબઇ સ્થિત કચ્છ પેસેન્જર એસોશિએશન ના પ્રમુખ નિલેષ શાહનો સંપર્ક કરાતા તેમણે રેલ્વેના અધિકારીઓ સમક્ષ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા તેમજ સહયોગ આપવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...