તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યુટીફિકેશન:હમીરસર તળાવનું ઝરુખા સિવાયનું બ્યુટીફિકેશન હાથ ધરાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ પાલિકાના પદાધિકારીઓએ 100 દિવસનો હિસાબ આપતી બૂક બહાર પાડી
  • ‘નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન’ના ધ્યેય સાથે આગળ ધપશે

ભુજ નગરપાલિકામાં પદભાર સંભાળ્યાને 100 દિવસ થઈ ગયા છે, જેથી પદાધિકારીઓએ 100 દિવસનો હિસાબ આપતી બૂક બહાર પાડી છે. જેની માહિતી માધ્યમોને આપતા નગરપતિ ઘનશ્યામ રસીક ઠક્કરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં એકાંતરે પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવાને અગ્રતાક્રમ આપ્યો છે. પરંતુ, હમીરસર તળાવનું ઝરુખા સિવાયનું બ્યુટીફિકેશનનું કામ પણ હાથ ઉપર લેશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હમીરસર તળાવના બ્યુટીફિકેશનની કોર્ટ મેટર બની છે. પરંતુ, એ ફક્ત તળાવની અંદર ઝરુખા કાઢવા સામે વાંધા રૂપે છે. બાકીના કામમાં કોઈ કાયદાકીય ગૂંચ નથી, જેથી હમીરસર તળાવના બહારના ભાગનું કામ આગળ ધપાવવામાં આવશે. તેમણે ભુજની પાણીની સમસ્યાનો હલ કાઢવા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર, ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય સહિતના લોક પ્રતિનિધિઓ દ્વારા મળેલા સહયોગને યાદ કર્યો હતો. ઉપપ્રમુખ રેશ્મા ઝવેરીએ જણાવ્યું હતું કે, નગરસેવકો, કર્મચારીઓ, જાહેર જનતા સહિતની પાંચ આંગળીઓથી હાથની મૂઠી બની છે, જેથી ભુજ શહેરની પ્રજા માટે વિકાસ કામોમાં હવે કોઈ બાધા નહીં આવે. કારોબારી ચેરમેન જગત વ્યાસે પણ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરનું તમામ 24 એમ.એલ.ડી. પાણી પહોંચતું કરવાની કામગીરી પણ હાથ ધરાશે એવી માહિતી આપી હતી.

પૂરક માહિતી શાસક પક્ષના નેતા અશોક પટેલ, દંડક અનિલ છત્રાળા, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન મનુભા જાડેજા, ડ્રેનેજ સમિતિના રાજેશ ગોર, રોડ લાઈટ સમિતિના ચેરમેન હનીફ માંજોઠી વગેરેએ આપી હતી.

સમ્પના નિર્માણ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની માહિતી
શિવકૃપા નગર સમ્પ, હિલગાર્ડન સમ્પ, ચંગલેશ્વર મંદિર ટાંકો, ભારાપર યોજના, વાલદાસ નગર પાણી સમસ્યા, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો. જોકે, એ તમામ કામો અગાઉની બોડીએ હાથ ધર્યા હતા. જેનું સાતત્ય જાળવી આગળ ધપાવ્યાની વાત કરી હતી.

પ્રવાસીઓને નજરમાં રાખી બાગ બગીચા બનાવાશે
નગરપતિએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસી કચ્છમાં આવે છે, જેથી તેમને નજરમાં રાખી સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણ ઉપરાંત નાના નાના પ્લોટમાં બાગ બગીચા બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...