તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:નખત્રાણા, લખપત અને અબડાસામાં અડધોથી દોઢ ઇંચ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં વહેલી સવારે ભારે ઝાપટું, માંડવીમાં એક ઇંચ વરસાદ પડ્યો

કચ્છમાં જન્માષ્ટમીની રાત્રે પ્રવેશેલી મેઘ સવારીએ ચોથા દિવસે પશ્ચિમ કચ્છમાં પડાવ નાખ્યો હતો અને નખત્રાણા, લખપત તેમજ અબડાસા પંથકમાં અડધોથી દોઢ ઇંચ જેટલું હેત વરસાવ્યું હતું. ભુજમાં વહેલી સવારે વધુ અડધો ઇંચ પાણી પડ્યું હતું તો માંડવી તાલુકામાં ઝાપટાનું જોર રહ્યું હતું. મેઘાવી માહોલ વચ્ચે અન્ય તાલુકાઓ કોરા રહ્યા હતા. નખત્રાણામાં સવારે અને સાંજે ઝાપટા રૂપે પોણો ઇંચ વરસતાં અનેક સ્થળે પાણી ભરાઇ જવાથી નગરજનો રોષે ભરાયા હતા.

વથાણ ચોકમાં ખાબોચિયા ભરાઈ જતાં લોકોને આ વિસ્તારમાંથી પસાર થવામા ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. મુખ્ય બજાર માં દેવકી નગર પાસે વિચાર્યા વિના રોડ બનાવાતા તેમા ભરાયેલા વરસાદી પાણીને ઉલેચવા વેપારીઓ મજબૂર બન્યા હતા. નવાનગરમાં વરસાદના કારણે રસ્તા તૂટી જતાં વાહન ચાલકને પારાવાર હાલાકી વેઠવી પડી હતી. તાલુકાના રસલિયા, નેત્રા, બાંડિયારા અને લક્ષ્મીપરમાં દોઢ ઇંચ જેટલી મહેર થતાં ખેડૂતોમાં ખુશી ફેલાઇ હતી.

રવાપરમા સાંજે છ વાગ્યાના અરસામા એક કલાકમા દોઢ ઈંચ વરસાદ પડતાં બજારમા આવેલા મિસ્ત્રીના કોડ મા પાણી ઘૂસ્યા હતા. નાગવીરી, નવાવાસ, ઘડાણી, વિગોડી, આમારા, ખીરસરા, લિફરી, હરીપર સહિતના ગામોમાં એકથી દોઢ ઇંચ વરસતાં નદી નાળા વહી નીકળ્યા હતા. નાગવીરીના તળાવમાં નવા નીર આવ્યા હતા. ચાતક નજરે રાહ જોઇ રહેલા લખપત તાલુકામાં છેલ્લા બે દિવસથી ઝાપટા રૂપે મેઘરાજાની પધરામણી થતાં આનંદની લાગણી ફેલાઇ હતી.

ગુરૂવારે સાંજે 5 વાગ્યાના અરસામાં મુખ્ય મથક દયાપરમાં થોડા સમય માટે અડધો ઇંચ કરતાં વધુ વરસતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના માતાના મઢ, કોટડા મઢ, દોલતપર, વિરાણી, મેઘપર, સિયોત, સુભાષપર, ધારેશી, પાન્ધ્રો, વર્માનગર, નવાનગર, સોનલ નગર, છેર, અટડા, લખપત, અમિયા, કૈયારી, બરંદા, આશાલડી, ઝારા સહિતના ગામોમાં પણ સાંજે મેઘ મહેર થતાં સારા વરસાદની આશા જીવંત રહી હતી. અબડાસાના મુખ્ય મથક નલિયામાં સમયાંતરે પડેલા ઝાપટાથી 32 મીલિ મીટર પાણી વરસ્યું હતું.

તાલુકાના ખુડા, તેરા, બાલાચોડ મોટી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની હાજરી રહેતાં કપિત ખેતીમાં જોતરાયેલા કિસાનોના ચહેરા મલકાયા હતા.માંડવીમાં સવારે અને સાંજે પડેલા ઝાપટા સાથે એક ઇંચ જેટલી મહેર થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તાલુકાનાગઢશીશા તેમજ આસપાસના ગામોમાં પણ ઝરમરથી ઝાપટા રૂપે મેઘ સવારી આવી હતી.

રામપર વેકરા પાસે રૂકમાવતી નદી વહી
બુધવારે પડેલા વરસાદના પગલે રૂકમાવતી નદીમાં નવા નીર આવતાં માંડવી તાલુકા ના રામપર વેકરા પાસે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે નજારો નયન રમ્ય બન્યો હતો તેમ મંદિરના પૂજારી ખીમગર બાવાજીએ જણાવ્યુ હતુ.

ભુજ 32.8 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ
જિલ્લા મથક ભુજમાં સવારે 6 વાગ્યાના અરસામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ પડવા છતાં મહત્તમ 32.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર બન્યું હતું. મોટા ભાગના શહેરીજનો મીઠી નિંદ્રામાં હોતાં સવારે પડેલા વરસાદથી અજાણ રહ્યા હતા. કંડલા એરપોર્ટ મથકે ઉંચું ઉષ્ણતામાન 32.4, કંડલા બંદરે 31.7 અને નલિયામાં 30 ડિગ્રી નોંધાયું હતું.

લખપત તાલુકાના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
લખપત પંથકમાં ઝરમર રૂપે વરસેલા વરસાદ વચ્ચે કેટલાક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં રોષ ફેલાયો હતો. બાલાપર, કાંટિયા, મુડિયા, પીપર સહિતના ગામોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. પીપર અને કોટેશ્વર ફીડર ત્રણ દિવસથી બંધ હોવાનું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સમરતદાન ગઢવીએ જણાવ્યું હતું. સાંયરાના આગેવાન જશુભા જાડેજાના કહેવા મુજબ સિયોતમાં વીજ વાયર તૂટવાથી થોડા સમય માટે વીજ વિક્ષેપ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...