ચોરીનો બનાવ:ભુજના મેહુલ પાર્કમાં અડધા લાખની ઘરફોડ ચોરીથી ચકચાર

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં તસ્કરો બન્યાં બેફામ,ખાખીને ફરી પડકાર
  • રાત્રી દરમ્યાન કબાટમાંથી રોકડ અને દાગીના ઉઠાવી તસ્કરો પલાયન

શહેર એ ડિવિઝન પોલીસની હદમાં આવતા વિસ્તારમાં અગાઉ થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી એકવખત તસ્કરોએ ખાતર પાડી પોલીસને દોડતી કરી દીધી છે આ વખતે ભુજમાં મેહુલ પાર્કમાં તસ્કરો ત્રાટકયા હતા અને અડધા લાખની માલમતા ઉસેડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે, મેહુલ પાર્કમાં રહેતા આશાબેન વિવેકભાઈ ગઢવીના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો.

શનિવારે રાત્રે અઢી વાગ્યાથી સવાર સુધીમાં કોઈ પણ સમયે તસ્કરો ઘરમાં ઘુસી આવ્યા હતા અને કબાટના તાળા તોડી તેમાંથી 8 હજારની રોકડ સેરવી લીધી હતી તેમજ 30 હજારની કિંમતના 13 ગ્રામ સોનાના દાગીના અને 4900 ની કિંમતના ચાંદીના 15 ગ્રામ દાગીના મળી કુલ રૂ.42,900 ની મતાની ઉઠાંતરી થઈ હતી.ચોરીની ઘટના અંગે આશાબેને ભુજ એ ડિવિઝનમાં અજાણ્યા આરોપીઓ સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે જેને આધારે પીએસઆઇ બી.એસ.જાડેજાએ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે,ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા અરિહંત નગરમાં પણ ઘરફોડ ચોરી થઈ હતી તો હવામાન ડાયરેકટરના ઘરમાંથી તસ્કરો 8 લાખના દાગીના લઈ નાસી ગયા હતા. જે બનાવોનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં ચોરીની વધુ એક ઘટનાએ પોલિસને દોડતી કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...