કોમી એકતાના પ્રતીક એવા સોદ્રાણાના શહેનશાહ હાજીપીરનો ત્રિ-દિવસીય મેળો તા.12મીથી યોજાશે. બુધવારે કલેક્ટરે મંજૂરીની મહોર મારતાં બે વર્ષ બાદ યોજાતા મેળાને લઇને યાત્રાળુઓમાં ખુશી જોવા મળી રહી છે.
રણકાંધીએ હાજીપીરના મેળામાં દર વર્ષે ન માત્ર કચ્છ પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઇ-બહેનો આવતા હોય છે. કચ્છમાં કોરોનાના સંક્રમણના કારણે સતત બે વર્ષ સુધી હાજીપીરનો મેળો રદ કરવામાં આવ્યો હતો. તા.2-3, બુધવારના અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ અને હાજીપીર મેળા સમિતિઅે કચ્છ કલેક્ટર સાથે મેળા બાબતે બેઠક કરી હતી, જેમાં કલેક્ટરે મંજૂરી આપતાં આગામી તા.12,13 અને 14 માર્ચના મેળો ભરાશે. હાજીપીરના મેળામાં દર વર્ષે બેથી ત્રણ લાખ યાત્રાળુઓની અવર-જવર થતી હોય છે ત્યારે બે વર્ષ બાદ યોજાતા મેળામાં અા વખતે યાત્રાળુઅોની સંખ્યા વધે તેવી શક્યતા સેવાઇ રહી છે. હાજીપીરના દરબારમાં માથું ટેકવવા આવતા પદયાત્રીઅો માટે જામનગર, ખંભાળિયાથી લઇને છેક હાજીપીર સુધી સેવા કેમ્પો ધમધમશે, જેમાં કચ્છની કોમી અેકતાની સુવાસ ફેલાશે. મેળામાં રમકડા, ખાણીપીણી, મનોરંજન માટે ચગડોળ સહિતના સ્ટોલો ઉભા કરવામાં આવશે અને અત્યારથી જ યુધ્ધના ધોરણે તમામ તૈયારીઅો અારંભી દેવામાં અાવી છે. કલેક્ટર સાથેની બેઠકમાં સમિતિ પ્રમુખ અબ્દુલ રાયમા, આદમ પડિયાર, રમજાન સુમરા, ઇમરાન નોડે, મજીદ પઠાણ, મુંજાવર વતી હાજી દાઉદ, અબ્બાસ ઉસ્માન, હાજી ઇસ્માઇલ, હારૂન મુબારક, અબ્દુલ લતીફ, અબ્દુલ તમાચી વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.