ખેડૂતોને વસવસો:કચ્છના કિસાનો માટે પાક નુક્સાન સહાય મુદ્દે દિવાળી પહેલાં હૈયાહોળી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે રહી રહીને નિવેદન બહાર પાડી સંતોષ માન્યો
  • ભાજપના એકપણ લોક પ્રતિનિધિએ અવાજ ન ઉઠાવ્યાનો ખેડૂતોને વસવસો

રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુક્સાનના વળતર માટે કરેલી જાહેરાતમાં કચ્છનો સમાવેશ ન કરાતાં કચ્છના કિસાનોની દિવાળી પહેલાં હૈયાહોળી જેવી હાલત થઇ છે. કચ્છમાં બે વરસાદ વચ્ચે એક માસ કરતાં વધુ અંતર થઇ જતાં પાકને મોટો ફટકો પડવાથી ભારતીય કિસાન સંઘ દ્વારા સહાય આપવાની અનેકવાર રજૂઆતો કરવા છતાં આ મુદ્દે ભાજપના એકપણ લોક પ્રતિનિધિએ સરકારમાં અવાજ ન ઉઠાવ્યો હોવાનો ખેડૂતોને વસવસો છે તો કોંગ્રેસે પણ સહાય મુદ્દે રહી રહીને નિવેદન જારી કરીને સંતોષ માની લીધો હોવાનું ચિત્ર સપાટીએ આવ્યું છે.

રાજ્ય સરકારે માત્ર અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો માટે પેકેજની જાહેરાત કરી છે જ્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અન્વયે કોઇ જિલ્લાને વળતર આપવાનો નિર્ણય લેવાયો નથી. આ પૂર્વે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જિલ્લામાં બે વરસાદ વચ્ચે 40 દિવસ જેટલો ગાળો રહી ગયો હોવાથી પાકને મોટું નુક્સાન થયું હોવા અંગે વિવિધ સ્તરે રજૂઆત કરી હતી. છેલ્લે એકાદ માસ પહેલાં કૃષિ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળીને પણ કચ્છમાં કિસાન સહાય યોજના અમલી બનાવવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. તે સમયે યોગ્ય કરવાની હૈયાધારણ અપાઇ હતી પણ બુધવારે થયેલી જાહેરાતમાં કચ્છના ભાગે ઠેંગો આવતાં કિસાનોમાં કચવાટની લાગણી ફેલાઇ છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપના લોક પ્રતિનિધિઓએ ધરતીપુત્રોનો અવાજ સરકાર સુધી ન પહોંચાડતાં વધુ એક અન્યાય થયો છે. તો વિપક્ષ તરીકે કોંગ્રેસે પણ સહાય મુદ્દે અગાઉ ચૂપકિદી સેવી હતી અને હવે જ્યારે કોઇ જાહેરાત નથી થઇ ત્યારે પક્ષે રહી રહીને નિવેદન બહાર પાડ્યું છે. કચ્છના ધરતીપુત્રોને સહાય નહીં મળે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવાની હવે ફરજ પડશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને કિસાન સેલના અધ્યક્ષ મોહન રામાણીએ સહાયમાં બાકાત રાખીને કચ્છને હળહળતો અન્યાય કરાયો છે. કચ્છમાં ખેતીમાં થયેલી નુક્સાનીની કોઇ મોજણી કરાઇ નથી તેમ કહેતાં હજુ પણ જો રાહતરૂપ જાહેરાત નહીં થાય તો પક્ષ દ્વારા લડત ચલાવાશે તેમ જણાવાયું હતું.

શું છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઇ?
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઇ મુજબ જો ચોમાસામાં બે વરસાદ વચ્ચે 28 દિવસ કે તેથી વધુ અંતર હોય અને પાકને નુક્સાન થાય તો વળતર આપવાનું થાય છે. કચ્છમાં અષાઢના આરંભે વરસાદ થયો ત્યાર બાદ એક મહિના કરતા વધુ સમય સુધી વરસાદ ન પડતાં પાકને નુક્સાન થયું હોવાનું કિસાન સંઘ જણાવી રહ્યું છે. યોજનામાં 4 હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ 20 હજારની સહાય આપવાની જોગવાઇ છે તેનો અમલ કરવા કચ્છના ખેડૂતો માગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...