વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ધીમે ધીમે ઇલેક્ટ્રિક કારને લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે કચ્છના રાજવી પરિવાર દ્વારા 1 કરોડની કિંમતની ઇલેક્ટ્રિક કારની ખરીદી કરવામાં આવી છે. આ ગુજરાતની પ્રથમ આટલી મોંઘી ઇલેક્ટ્રિક કાર છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ આ કાર માટે ખાસ જર્મનીને ઓર્ડર આપ્યો હતો, જે કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે રાજવી પરિવારને ડિલિવર કરવામાં આવી હતી.
પ્રદૂષણમુક્ત કાર માટે જર્મનીની કંપનીને ઓર્ડર આપ્યો
કચ્છા મહારાવ પ્રાગમલજી ત્રીજા હંમેશાં પર્યાવરણને જાળવી રાખવા અને બચાવવા માટે પ્રયત્નશીલ રહેતા હતા. આધુનિક યુગમાં વાહનોથી પ્રદૂષણનો ફેલાવો થતાં પર્યાવરણને ખાસું નુકસાન પહોંચી રહ્યું છે, જેથી તેમણે પોતાની હયાતીમાં પ્રદૂષણમુક્ત કાર માટે જર્મનીની કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝને ઇલેક્ટ્રિક કારનો ઓર્ડર આપ્યો હતો.
જર્મનીથી ઇમ્પોર્ટ કરવામાં આવી કાર
મહારાવ પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારો અને ઓટોમોબાઇલના ખૂબ પ્રેમી હતા. મર્સિડીઝ બેન્ઝ કંપનીની આ ઇલેક્ટ્રિક કારની કિંમત 1 કરોડથી પણ વધુ છે અને કચ્છનો રાજવી પરિવાર આટલી મોંઘી ઇલેક્ટ્રિક કાર ખરીદનાર પ્રથમ છે. મર્સિડીઝ બેન્ઝની EQC-400 ઇલેક્ટ્રિક કાર માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેને જર્મનીમાં બનાવડાવીને ભારત ઇમ્પોર્ટર કરવામાં આવી છે. 12 જુલાઇના રોજ આ કાર ભુજ રણજિત વિલા પેલેસ પહોંચી હતી.
અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં ખૂબ સારી
આ કાર ફુલ્લી ઓટોમેટિક કાર છે. એનો પાવર પણ 408 હોર્સપાવર જેટલો છે અને આ કારમાં ઘણાં બધાં આધુનિક ફીચર્ચ પણ છે. આ કારનો પીકપ પાવર 785hpbhp છે. ઉપરાંત પાવરફુલ એક ઇલેક્ટ્રિક મોટર પણ છે, જે બીજી અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં ખૂબ જ સારી છે.
આ ઇલેક્ટ્રિક કારની કિંમત 1 કરોડથી પણ વધારે
મર્સિડીઝ બેન્ઝ EQC-400એ મર્સિડીઝની સૌપ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક ઇલેક્ટ્રિક કાર છે અને એની કિંમત 1 કરોડથી પણ વધારે છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજનું ફીચર્ચ પણ છે, જેમાં જુદી-જુદી મસાજ ગાડીમાં બેઠેલી વ્યક્તિને પર્સનલી આપી શકાય છે. ઉપરાંત આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે, કારને ફુલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.
જાણો કારનાં આધુનિક ફીચર્સ
ઈલેક્ટ્રિક કારની અંદર 64 રંગની ઇન્ટીરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે, જેમાં એક્ટિવ બ્રેક આસિસ્ટ, બ્લાઇન્ડ સ્પોટ આસિસ્ટ ફીચર્ચ પણ છે. ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રીન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની હાઈટ અને બોડી પ્રમાણે એ સીટ ઓટોમેટિક એડજસ્ટ થાય છે. આ કારમાં વોઇસ આસિસ્ટન્ટ, સનરૂફ અને થ્રી ઝોન ક્લાઇમેટ કંટ્રોલ જેવાં અનેક આધુનિક ફીચર્ચ આવેલાં છે.
રાજાશાહીના સમયથી મર્સિડીઝ બેન્ઝ તેમની પ્રથમ પસંદગીની કંપની રહી છે. આ EQC- 400 ઇલેક્ટ્રિક કાર ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આમ તો રાજાશાહી સમયથી જ મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝુરિયસ કાર રાજા રજવાડાંની હંમેશાં પ્રથમ પસંદગી રહી છે.
સ્વર્ગીય મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઇલેક્ટ્રિક કારની ઇચ્છા આજે પૂર્ણ થઈ
હાલ આપણા દેશમાં પર્યાવરણને લઈને બદલાવ લાવવા જરૂરી બન્યા છે ત્યારે પેટ્રોલ અને ડીઝલ વગરની ઇલેક્ટ્રિક કાર દ્વારા આપણે પ્રદૂષણ ફેલાવતું રોકી શકીશું તથા પર્યાવરણને નુકસાન થતાં અટકાવી શકીશું. કચ્છના સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે તેઓ આવી ઇલેક્ટ્રિક કાર લે માટે તેમણે આ કારનો ઓર્ડર આપ્યો હતો અને એ ભુજ પહોંચી હતી અને તેમની ઇચ્છા પૂર્ણ થઈ હતી, પરંતુ આજે મહારાવ પ્રાગમલજી ત્રીજા પોતે હયાત નથી એવી અફસોસની લાગણી તેમનાં પરિવારોજનોએ વ્યક્ત કરી હતી.
જાણો શું કહ્યું મહારાવના ઓટોમોબાઇલ્સ ઇન્ચાર્જે?
આ અંગે મહારાવ સાહેબ પર્યાવરણ અને ઓટોમોબાઇલના પ્રેમી હતા, ત્યારે તેમણે મર્સિડીઝ બેન્ઝની કાર ઈમ્પોર્ટ કરી હતી. આ કાર ફુલ્લી ઓટોમેટિક છે અને જર્મનીમાં બની છે, જેમાં વિવિધ જાતનાં આધુનિક ફીચર્સ પણ છે.
પર્યાવરણને જાળવવા આપણે પરિવર્તન લાવવું પડશે
મહારાવના વારસદાર મયુરધ્વજ સિંહે વાત કરતાં મહારાવ વિન્ટેજ કાર અને પર્યાવરણ પ્રેમ એ બને તેમના શોખ હતા. નાનપણથી હું જોતો આવ્યો છું કે મહારાવને વિન્ટેજ કારનો ઘણો શોખ હતો અને તેઓ મને અવારનવાર જુદી જુદી કારના હોસપાવર સ્ટીયરિંગ વ્હીલ જેવાં જુદાં જુદાં ફીચર અંગે જણાવતા હતા. મહારાવે ઇલેક્ટ્રિક કાર લઈને પ્રજાજનોને પર્યાવરણને જાળવી રાખવા માટેનું એક સ્ટેટમેન્ટ પૂરું પાડ્યું છે કે પર્યાવરણને જાળવવા આપણે પરિવર્તન લાવવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.