ઇતિહાસનો યોગ એવો છે કે આઝાદીની જંગમાં છેક લંડનમાં શ્યામજી કૃષ્ણવર્માની સંગાથે રહેલા દાદાભાઇ નવરોજીની પૌત્રીઓ પણ માંડવીમાં જ જન્મી હતી, જે પૈકી એક પૌત્રી અને કચ્છની પ્રથમ મહિલા તબીબ (MBBS) એટલે કે ડૉ મહેરબાનુ નવરોજીની આજે પુણ્યતિથી છે. આજે કચ્છમાં દાદાભાઈ નવરોજીના પરિવારમાંથી કોઈ નથી બચ્યું એટલે તે પરિવારના ઇતિહાસનું સંવર્ધન નામશેષ બની જાય એ સ્વાભાવિક છે. તેમ છતાં કચ્છમાં વસતા એકમાત્ર પારસી ભુજ્વાલા પરિવાર તેને ભૂલ્યો નથી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ડૉ મહેરબાનુંની પુણ્યતિથીએ શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
પેસ્તનજી ભુજવાલા મેહેરબાનુ અને સરોશ વિષે કહે છેકે, ‘રાવસાહેબ સરોશ અને મેહેરને ‘મામા’ અને ‘માસી’ કહીને સંબોધન આપતા. આ બંને ભાઈ-બહેનની રાજવી પરિવાર સાથે રોજની બેઠક થતી. સરોશ નવરોજી તો કચ્છના અટેચી કમિશ્નર પણ હતા. આ બંને ભાઈ-બહેને લગ્ન કર્યા ન હતા.
ડો. મેહેર વિષે જહાન ભુજવાલા કહે છેકે, ‘ઘણીવાર વીરબાઇ રાવસાહેબને ભણાવવા ન જઈ શકતા તો મહેર તેમને ભણાવવા જતા આમ તેઓ એકદમ સખ્ત વલણ ધરાવતા, કોઈ પણ તેમની ખોટી રીતે મસ્તી કરી શકે નહીં. ૧૫ એપ્રિલ 1974 માં 93 વર્ષની જેફ વયે ડો. મેહેરનું અવસાન થયું અને તેમને ભુજ પારસીઓના કબ્રસ્તાનમાં કબર બનાવવામાં આવી હતી. ભુજ અને માંડવીમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ કબરોની દેખરેખ આજે પણ ‘કચ્છ પારસી અંજુમન ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવે છે.’
દાદાભાઈએ કચ્છ રાજ્યનું દિવાન પદ સાંભળ્યું હતું
ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન દાદાભાઇના નાની ઉંમરે ગુલબાઈ શ્રોફ સાથે લગ્ન થયા હતા. જેનાથી તેમના ત્રણ બાળકો હતા: શિરીન, માણેકબાઈ અને ડો.અરદેશર કે જેણે વીરબાઈ દાદિના સાથે લગ્ન કર્યા હતા. વડોદરા પછી ઇંગ્લેન્ડ જતા પહેલાં દાદાભાઈએ કચ્છ રાજ્યનું દિવાન પદ સાંભળ્યું હતું. તે સમયે તેઓ હોમરૂલની લડત લડતાં હોવાથી પરિવારની સલામતીના કારણોસર પોતાના એકમાત્ર પુત્ર અરદેશરને સપરિવાર મુંબઈથી કચ્છ ખસેડ્યો હતો. અરદેશરના આઠ સંતાનોમાં પાંચ દીકરી પેરીન, નરગીસ, ગોશી, મેહેરબાનુ, ખુરશીદ અને ત્રણ દીકરા જહાલ, સરોશ અને કર્ષસ્પ હતા. ડૉ અરદેશરે પોતાની તબીબી સારવાર માંડવીમાં ચાલુ રાખી હતી. ઓક્ટોબર 1893માં માત્ર 33 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા હતા. વીરબાઈ ભણેલા હોવાથી તેમને વહીવટી કામગીરીમાં મદદમાં લઈ શકાય તે હેતુથી મહારાઓશ્રીએ ડો. અરદેશરના પરિવારને રહેવા માટે ભુજમાં બંગલો આપ્યો અને પ્રાગમલજીને તેઓ ભણાવતાં. આમ અરદેશરનાં બાળકો ભુજની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ભણ્યાં અને પાછળથી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઇ તથા ઇંગ્લેન્ડ ગયા હતા.
ઈંગ્લેન્ડમાં ભણેલાં મહેરબાનુ નવરોજી કચ્છના પ્રથમ મહિલા MBBS ડોક્ટર હતા
તેમની મોટી પુત્રી ડો. મેહેર, 1906માં ઇંગ્લેંડની એડિનબર્ગ યુનિવર્સિટીમાં મેડિકલની ડિગ્રી મેળવનાર તે વર્ગમાં એકમાત્ર ભારતીય મહિલા હતા. MBBS થયાં બાદ તેઓ સિંધ સ્થાયી થયા હતા પરંતુ કચ્છના સ્થાનિક લોકોની તબીબી સેવાર્થે કોઈ મહિલા તબીબ ન હોતા રાજવી પરિવાર દ્વારા તેમને કચ્છ બોલવવામાં આવ્યા અને પછીથી જીવનપર્યંત તેઓ ભુજમાં જ રહ્યા. દાદાભાઈની અન્ય પૌત્રીઓ પેરીન, ગોશી, ખુરશીદ લંડનમાં શ્યામજી સાથે રહીને સ્વતંત્રતા લડત ચલાવી હતી. મુંબઈ ખાતે મેડમ કામાની અંતિમ ક્ષણોમાં સેવા સુશ્રુષા પણ આ દીકરીઓએ જ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.