જળ જિંદાબાદ અભિયાન:સંપૂર્ણ ગ્રામ વિકાસ મારફતે જળ જિંદાબાદ અભિયાનને અપનાવવા રાજ્યપાલનું આહ્વાન

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ ખાતે વરસાદી જળસંચયના કાર્યક્રમમાં ગૌમાતા અને અળસિયાની મદદથી પ્રાકૃતિક ખેતીને જીવંત રાખવા હાકલ
  • પ્રાકૃતિક ખેતી અને જળસંચયથી કચ્છને ખેતીમાં પણ વધુ સમૃધ્ધ કરીએ

ખેડૂતોને ખેતીથી સમૃધ્ધ કરી વર્ષ 2022 સુધીમાં તેમની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન ત્યારે સાકાર થશે જયારે ખેડૂતો પ્રાકૃતિક ખેતીને સમજશે અને તેને અપનાવશે. શરૂઆતના ત્રણ કે પાંચ વર્ષ બાદ ખેડૂતોને ઓછી મહેનતે વધુ આવક મળશે એમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ ખાતે વરસાદી જળસંચય કરવા હેતુ ગ્લોબલ કચ્છ સંસ્થાના ‘જળ જિંદાબાદ અભિયાન’ને વેગવંતુ કરવા ખેડૂતોને સંબોધન કર્યું હતું. \n\nવરસાદી જળસંચય અને પ્રાકૃતિક ખેતી દ્વારા કચ્છને નંદનવન કરવાના આશયથી સક્રિય સંસ્થા દ્વારા સંપૂર્ણ ગ્રામ વિકાસ હેઠળ જળ જિંદાબાદ અભિયાનની કામગીરીને બિરદાવતાં રાજયપાલએ સંસ્થા અને સમાજના સહયોગથી પ્રકૃતિ જીવંત રાખવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

ઓર્ગેનિક કાર્બન વધારનારા પ્રાકૃતિક ખેતીના મિત્ર જીવાણું અળસિયાની જમીન ફળદ્રુપ કરવાની અને અળસિયા દ્વારા જમીનની જળસંચયની કુદરતની રચના દ્રષ્ટાંત અને દ્રશ્ય સહિત બતાવતા જણાવ્યું હતું કે, પાકનું ભોજન જીવાણુ બનાવે છે તેના ભોજનની ફેકટરી છે, દેશી ગાયનું છાણ. દુધાળી અને વસુકેલી બંને ગાયો છાણ અને ગૌઅર્ક (ગૌ મૂત્ર) બંને આપે છે. એટલે આ બંને ગાયો પશુપાલક અને ખેડૂત માટે આશીર્વાદ છે. આથી જ ગાય આપણી માતા છે. જેના નિભાવ ખર્ચ માટે રાજય સરકાર પણ પ્રતિ માસ રૂ.900 ની સહાય કરે છે.

આજે સમગ્ર રાજયમાં બે લાખ દેશી ગાયો માટે સરકાર, પશુપાલકો, ખેડૂતોને નિભાવ ખર્ચ આપી રહી છે. પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં આજે સમગ્ર ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી કરનાર પ્રથમ જિલ્લો બન્યો છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રવાસન અને ઔદ્યોગિક હબ તરીકે વિકસેલા કચ્છને પ્રાકૃતિક ખેતી અને જળસંચયથી ખેતીમાં વધુ સમૃધ્ધ કરીએ. ખેડૂતોને સમૃધ્ધ કરવાના સ્વપ્નને સાકાર કરવા પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

સંમેલનના સ્વાગત પ્રવચનમાં કચ્છ ગ્લોબલના વેલજીભાઇ મંગેએ સ્વાગત પ્રવચનમાં જળ જિંદાબાદ અભિયાન અને ક્રિડા સંસ્થા દ્વારા વરસાદી જળસંચય અને જળસંવર્ધન દ્વારા ખેતી સમૃધ્ધિ અંગે કચ્છ વિકાસના સ્વપ્નદ્રષ્ટા કાંતિસેન શ્રોફના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. સંસ્થા દ્વારા ખેડૂતો અને ખેતી પધ્ધતિ અને સંશોધન માટે કરાયેલા કામો અંગે વિગતો સૌ સમક્ષ રજૂ કરી હતી.

રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંત મનોજભાઇ સોલંકીએ ગ્લોબલ કચ્છ સંસ્થાના ફોકસ, સ્કેલ, સ્પીડ અને ઈમ્પેકડના ચાર આધાર સ્તંભોનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકર, અજંતા ઓરેવા ગ્રુપના એમ.ડી. જયસુખભાઇ પટેલ, પૂર્વમંત્રી તારાચંદભાઇ છેડા, એપીએમસી ચેરમેન કેશુભાઇ પટેલ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, સરપંચો, ભાઇ-બહેનો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...