રાજાશાહી વખતમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા થોડા થોડા ગામના અંતરે ઊતારો બનાવવામાં આવતા. એક ગામથી બીજે જતા પ્રવાસીઓ અહીં રાતવાસો અથવા તો ભોજન જેવી વ્યવસ્થા કરી શકે. આવા જ કોઈક ઉદ્દેશ સાથે 2015માં સૌ પ્રથમ ગુજરાત સરકારે પ્રવાસન વિભાગને આવા ઊતારા ‘વે સાઈડ એમેનીટીઝ’ બનાવવા સૂચના આપતા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ છથી વધુ એમેનીટી ઊભી કરવામાં આવી છે. ભુજ નજીક મિરજાપર સામે આવું એક વિસામાગૃહ આકાર લઇ રહ્યું છે. જેમાં એ.સી. બેડ રૂમો, ડાઇનિંગ હોલ, ડોરમેટરી વગેરે સગવડતાઓ મળશે.
આ અંગે ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારી કેયુર શેઠ જણાવે છે કે, સરકાર આ સંપૂર્ણ સંકુલ ઊભું કરી અને ઇ-ટેંડરિંગ કરશે જે મુજબ પાંચ કે દસ વર્ષ માટે આ પ્રોજેક્ટ તે પાર્ટીને ચલાવવા આપશે. અહી જરૂરિયાત મુજબ વ્યવસ્થામાં વધારો કરાશે. કચ્છ આવતા પ્રવાસીઓ માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ બનશે. કોમ્પલેક્ષની ડીઝાઈન અમદાવાદની કન્સલ્ટન્સી ‘એસ્ટાબ્લીશ ડિઝાઈન્સ’ દ્વારા તૈયાર કરાઈ છે. 13,800 ચોરસ ફૂટના વિસ્તારમાં અંદાજે 2.75 કરોડના ખર્ચે આ સંકુલ બની રહ્યું છે.
કચ્છમાં પ્રવાસન માહિતી કેન્દ્ર પણ થવું જોઈએ
છેલ્લા એક દાયકામાં પ્રવાસીઓનો વાર્ષિક આંક વધતો જ જાય છે. તેની સામે કચ્છમાં પ્રવાસી ઋતુ એટલે કે નવેમ્બરથી જાન્યુઆરી સુધી આવતા મુસાફરોની સંખ્યા હજારોમાં પહોંચે છે. ત્યારે તેમણે ક્યાં ક્યાં અને ક્યારે જવું જોઈએ તેની પૂરતી માહિતી નથી હોતી. જેને કારણે આમથી તેમ અફડાય છે.
રોકાણ અને સ્થળો પર જવાની કોઈ માહિતી ઉપલબ્ધ ન હોતા આખરે નિરાશ થઈને પરત જાય છે. ગૂગલમાં બધું આંગળીના ટેરવે હાજર થઈ જાય છે, પરંતુ સ્થાનિક જિલ્લા મથકે આવું ખાસ માહિતી કેન્દ્ર હોય તો ઘણી બધી વ્યવહારુ સલાહ પણ મળી શકે. માટે સરકાર આ બાજુ પણ વિચારે તે જરૂરી છે.
શું હશે ‘વે સાઈડ એમેનીટીઝ’માં સુવિધાઓ
એ.સી./નોન એ.સી. ડાઇનિંગ હોલ > 5 એ.સી રૂમ વીથ એટેચ ટોઇલેટ > ડોરમેટરી વીથ 10 બેડ > આર્ટીફિસિયલ ટેરેસ ગાર્ડન > ચિલ્ડ્રન પ્લે એરિયા > કાર અને બસ પાર્કિંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.