કોરોના કાળ:વેડીંગ એન્ડ ઈવેન્ટ ઉદ્યોગના ધંધાર્થીઓને રાહત નહીં અપાય તો સરકારી - રાજકીય કાર્યક્રમોનો કરાશે બહિષ્કાર

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને કારણે લોક ડાઉન અને અનલૉક સમયગાળામાં શુભ પ્રસંગોને સંલગ્ન ધંધાર્થીઓ બન્યા બેકાર

સમગ્ર દેશમાં દસ લાખ કરોડ જેટલું માતબર મુડી ઉત્પાદન ધરાવતી વેડીંગ અને ઈવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અનેક લોકોને રોજગારી આપે છે, ત્યારે આ વ્યવસાય પરત્વે ઓરમાયું વર્તન સાંખી લેવામાં નહિ આવે તેવી કચ્છ વેડિંગ એન્ડ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કલેકટરને આવેદન પત્ર સાથે ચીમકી અપાઈ હતી.

અર્થતંત્રની કરોડરજ્જુ સમાન વેડીંગ અને ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી પ્રત્યે સરકાર દુર્લક્ષ સેવે છે, લગ્ન સમારંભમાં ફકત 50 અને ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર 100 વ્યક્તિની જ પરવાનગી આપીને દેશના આર્થિક વિકાસમાં આ ઇવેન્ટ ઈન્ડસ્ટ્રીઝની મહત્તાને નજરઅંદાજ કરી રહી છે તેવો આક્ષેપ કર્યો હતો. સરકાર વિવિધ પ્રકારના રાજકીય કાર્યક્રમો અને નેતાઓના સ્વાગત સમારોહ અને રોડ શોમાં એકઠા થતા લોકોને કારણે સંક્રમણ વધ્યું છે તે સર્વ વિદિત છે. પબ્લિક પાર્ક, મોલ અને રેસ્ટોરન્ટ જેવી વિવિધ જાહેર જગ્યાઓ પર એકત્રિત થતા હજારોની મેદની, બસ, ટ્રેન અને પ્લેન જેવા પરિવહનના સાધનોમાં પણ અમર્યાદિત ધોરણે મુસાફરોની જોખમી હેરફેર થઈ રહી છે. કચ્છ વેડીંગ અને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રિઝના તમામ ધંધાર્થીઓ હવેથી સરકારી કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની સેવા પુરી પાડશે નહીં કે કોઈ પણ પ્રકારનો માલ સપ્લાય કરશે નહીં. આમ કરવા છતાં પણ જો સરકાર દ્વારા તેમના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવશે તો આગામી દશ દિવસ બાદ અને વિવિધ પ્રકારના આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમો યોજાશે.

હવે કોઇ પણ રાજકીય, સરકારી કાર્યક્રમોમાં પરિવાર સાથે જઈ કરાશે વિરોધ
હવે પછી યોજાનારા કોઈ પણ રાજકીય કે સરકારી કાર્યક્રમોમાં જો સરકાર દ્વારા નિર્ધારીત સંખ્યા કરતા વધારે લોકો એકત્ર થયા હશે તો આ સમારોહ સ્થળની સામે આ વ્યવસાયથી જોડાયેલા સૌ ધંધાર્થીઓ બાળકો સહિત પરિવારના સભ્યો સાથે પ્રતિકાત્મક બેનર લઈને ત્યાં વિરોધ પ્રદર્શિત કરશે.

ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝની સરકાર પાસે માંગણી

  • લગ્ન સમારંભોમાં 50 અને ધાર્મિક મેળાવડાઓમાં 100ની સંખ્યા મર્યાદાને બદલે 500જેટલા લોકો સુધીની મંજૂરી આપવી. અથવા સમારોહ સ્થળના વિસ્તારની કુલ ક્ષમતાના 50% લોકો ને જ એકત્રિત થવા માટે પરવાનગી આપવી.
  • આ આપતિજનક સમયમાં લોન, સબસીડી જેવા કોઈ પણ સરકારી લાભો વેડીંગ એન્ડ ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝને મળતા નથી જે ત્વરિત ધોરણે મળતા થાય અનેએ માટે બેન્કો અને જામીન વિનાની લોનો ફાળવવા એ બાબતે સરકાર બેન્કોને સ્પષ્ટ તાકીદ કરે.
  • લગ્નના આયોજન માટે માત્ર એક જ દિવસને બદલે કુલ્લ 3 થી 4 દિવસના અલગ-અલગ કાર્યક્રમ યોજવાની પરવાનગી પણ તાત્કાલીક ધોરણે આપે.
  • લગ્ન સિવાય અન્ય સગાઈ, શ્રીમંત, નામકરણ વગેરે જેવા સામાજિક પ્રસંગોને પણ યોજવા દેવાની મંજૂરી આપવી.

કોણ કોણ વેપારીઓ જોડાયા હતા
મંડપ અને લાઈટ ડેકોરેશન, કેટરીંગ, ફોટોગ્રાફ, લાઈવ સ્ક્રીન, ઓરકેસ્ટ્રા, આર્ટિસ્ટ, સાઉન્ડ, ફ્લોરિસ્ટ, ઇવેન્ટ અને વેડીંગ પ્લાનર, જ્વેલરી, કાપડ ઉદ્યોગ, મેન પાવર, સીકયુરીટી સર્વિસીસ, ઘોડા-બગી, ગ્રીટિંગ્સ કાર્ડ સહિતના અનેકાનેક ધંધા રોજગારને સાંકળતી આ વેડીંગ અને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝના સંલગ્ન ધંધાર્થીઓ આ રજૂઆતમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...