તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગુગલ મીટથી સામાન્ય સભા મળશે, સમિતિઓ નહી રચાય !

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિસાબો અને ભરતી પસંદગી સમિતિના સદસ્યો નિમાશે
  • સુધરાઈમાં અડધા વહીવટી શાસન જેવો તાલ

ભુજ નગરપાલિકામાં મંગળવારે ગુગલ મીટ ઉપર સામાન્ય સભા મળવાની છે, જેમાં વાર્ષિક હિસાબો ઉપરાંત ફાયર ભરતી પસંદગી સમિતિના સદસ્યો નિમાશે. પરંતુ, ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિ સહિતની સમિતિઅોની રચના ટલ્લે ચડાવી દેવાઈ છે, જેથી કારોબારી સમિતિ મારફતે થતા અનેક કામો ઉપર અવળી અસર પડે અેવી શક્યતા છે. વળી ચૂંટાયેલા નગરસેવકો છે છતાં કેટલાક કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા માટે અડધા વહીવટદાર શાસન જેવો તાલ સર્જાયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થયા બાદ ભુજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઅોની વરણી માટે સામાન્ય સભા બોલાવવામાં સારો અેવો વિલંબ કરાયો હતો. જે બાદ પ્રમુખના અધ્યક્ષ સ્થાનેથી પ્રથમ સામાન્ય સભા બોલાવાઈ હતી, જેમાં અંદાજપત્ર રજુ કરાયો હતો. પરંતુ, અાશ્ચર્યજનક રીતે કારોબારી સમિતિ સહિત અન્ય સમિતિઅોની રચના અને સદસ્યોની વરણી કરવામાં અાવી ન હતી. ત્યારબાદ સ્વૈચ્છિક લોક ડાઉનમાં નગરપાલિકાની ભૂમિકા નક્કી કરવા પણ પ્રમુખ નગરસેવકોની બેઠક બોલાવી હતી.

પરંતુ, કારોબારી સમિતિ સહિતની અન્ય સમિતિઅોની રચના માટે સામાન્ય સભા બોલાવવામાં કોરોનાની ગાઈડ લાઈનના બહાના અાગળ ધરી દેવાય છે. પ્રાપ્ત વિગતો મુજબ 30મી જૂન સુધી રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો યોજવાની મનાઈ છે, જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅો સામાન્ય સભા બોલાવતી નથી. પરંતુ, અાશ્ચર્યજનક રીતે ગુગલ મીટથી સામાન્ય સભા બોલાવવાની છૂટ અપાઈ છે. જો ગુગલ મીટથી સામાન્ય સભા બોલાવવાની છૂટ અાપી શકાતી હોય તો અે સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને અન્ય સમિતિઅોની રચના કેમ ન કરી શકાય અે સમજાતું નથી.

ભુજ નગરપાલિકા અાવશ્યક સેવા પૂરી પાડતી સંસ્થા છે, જેમાં રાજકીય કાર્યક્રમોનો સવાલ જ પેદા નથી થતો. બીજુ, કલેકટર કચેરી અને જિલ્લા પંચાયતમાં કેટલીય બેઠકો બોલાવાય છે. છેલ્લે રાજ્યમંત્રી વાસણ અાહિરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી, જેમાં અધિકારીઅો અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઅો ઉપરાંત જિલ્લા ભાજપના હોદેદારો સાથે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરાઈ હતી. તો અાવશ્યક સેવા પૂરી પાડતી ભુજ નગરપાલિકામાં લોક સુવિધા વધારતા અગત્યના ઠરાવો પસાર કરતી કારોબારી સમિતિની રચના માટે સામાન્ય સભા શા માટે બોલાવી ન શકાય. અે અેક અકળાવનારો પ્રશ્ન છે.

સમિતિમાંડ 5થી 10 સદસ્યો હોય છે
કારોબારી સમિતિમાં માંડ 5થી 10 સદસ્યો હોય છે. જેઅો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સમિતિની બેઠક બોલાવી શકે, જેમાં કોરોનાની ગાઈડ લાઈનનો પ્રશ્ન જ ઊભો ન થાય.

અન્ય સમાચારો પણ છે...