નશામુક્ત:BSFના જવાને સાબિત કર્યું કે દારૂની લતને લાત મારી શકાય !

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જી.કે.માં મનોચિકિત્સક વિભાગે યુવાનને સારવાર આપી નશામુક્ત કર્યો

ભુજ જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના સથવારે બી.એસ.એફ.ના જવાને સાબિત કરી આપ્યું કે, જો અદમ્ય ઇચ્છાશક્તિ અને દ્રઢ મનોબળ હોય તો દારૂની લતને લાત મારી શકાય છે. હોસ્પિટલના સાઇકિયાટ્રિક વિભાગના ડો. અને આસી. પ્રો. ડો. ચિરાગ કુંડલિયાએ કચ્છમાં ઉજવાતા નશાબંધી સપ્તાહ નિમિત્તે કહ્યું કે, જો એક વખત નક્કી કરી લેવાય કે, વ્યસનને બાય બાય કહેવું છે તો એમ કરવું સહેલું છે. ભુજ સ્થિત બી.એસ.એફ.ના જવાનને છેલ્લા દસ-બાર વર્ષથી આ વ્યસન હતું. ભુજમાં તેઓ દોઢ વર્ષથી ફરજ પર હતા.

દારૂ છોડવા તેમણે જી.કે. જનરલ હોસ્પિટલમાં મનોચિકિત્સા વિભાગમાં સંપર્ક કર્યો. સતત કાઉન્સેલિંગ, નિયમિત ફોલોઅપ અને જરૂરી દવાઓ તથા દર્દીના મનોબળના પરિણામે તેમની નશાની આદતને છોડાવી શકાઇ છે. તબીબે કહ્યું કે, દર્દી શરૂઆતમાં કેટલાક લક્ષણો દેખાયા. જેમાં ઊંઘ ન આવવી, શરીરમાં ધ્રુજારી થવી, પરસેવો થવો, કામમાં મન ન લાગે અને સખત તલબ ઉપડી હતી. આવી પરિસ્થિતિમાં દર્દીનુ કાઉન્સેલિંગ કરી અને શરીરમાં વિટામીનની કમી ન થાય તેવી દવા આપી સારવાર કરાઈ.

છેવટે ત્રણ મહિનાથી તેમણે દારૂના દૈત્યને સદંતર ત્યાગી દીધો અને હવે તેમનું ચિત્ત ફરજ પર સુપેરે કેન્દ્રિત થાય છે. જી.કે.ના મનોચિકિત્સક વિભાગના વડા અને પ્રો. મહેશ તિલવાનીએ કહ્યું કે, કોઈપણ નશો અલ્પ પ્રમાણમાં લેવાય તો પણ નુકસાન કરી શકે ત્યારે જો આદત પડી જાય તો બરબાદી નોતરે છે. અને શરીરમાં બીમારી વધી જાય છે. જે એટલી હદે હોય છે કે, નશો કરતી વ્યક્તિને નશીલા પદાર્થ/ પ્રવાહી ન મળે તો ગભરાહટ, ચીડિયાપણું, માનસિક થકાવટ અને શરીરમાં દૂ;ખાવો વિગેરે થાય છે. આ આદતથી છૂટકારો મેળવવા માટે પ્રથમ તો મનથી નશો છોડવાનો દ્રઢ સંકલ્પ કરવો પડે ત્યારબાદ તબીબ અને કાઉન્સેલિંગ દ્વારા છૂટકારો ચોક્કસ મળી શકે. શરૂઆતમાં તકલીફ પડે પણ મન મજબૂત હોય તો એક દિવસ ચોક્કસ છૂટકારો મળશે.

અન્ય સમાચારો પણ છે...