લોકોએ કોરોનાને જાણે કે દેશવટો આપી દિધો હોય એમ દિવાળીના પર્વની ઉજવણીમાં હોંશે હોંશે બજારમાં ખરીદી કરવા નીકળી પડ્યા છે. ધન તેરસે માત્ર સોનું કે ચાંદી નહિ, એના સિવાય પણ અનેક વસ્તુઓ ખરીદી કરતા ભુજ વાસીઓ માર્કેટમાં દરેક દુકાને અને શો રૂમમાં જોવા મળ્યા હતા.
સવારથી ભુજની સોના ચાંદીના શો રૂમમાં સુવર્ણ અને રજત ખરીદી માટે રીતસર ભીડ લગાવી હતી, તો વાહનોની ખરીદી કરવા અને અગાઉ બુકિંગ કરાવ્યું હોય તેની શુભ મુહૂર્ત પર ડિલિવરી લેવા લોકો મોટી સંખ્યામાં દેખાતા હતા. બીજી તરફ ઇલેક્ટ્રોનિક શો રૂમ અને ફર્નિચરના શો રૂમ માં પણ લોકો પરિવાર સાથે ઉપસ્થિત થયા હતા. આ ચાર દિવસ મોઢું મીઠું કરવા મિષ્ટાન અને ફરસાણ પણ ઘરે ઘરે પહોંચ્યું હતું.
સોના-ચાંદીના શો-રૂમમાં ખરીદીની ભીડ જામી
કોરોના દરમિયાન આર્થિક સંકડામણનો સામનો કર્યા બાદ આખરે લોકો ફરીથી લક્ષ્મીવાન બન્યા હોય તેમ ભુજના સોના-ચાંદીના શો-રૂમમાં ધનતેરસના શુભ મુહૂર્તે ખરીદી માટે ઉમટી પડ્યા હતા. અગાઉથી અંદાજ હતો એમ લાખો રૂપિયાની સુવર્ણ ખરીદી થઇ હતી.
‘કુછ મીઠા હો જાયે’ના ભાવ સાથે લોકો ઉમટ્યા
દિવાળીના તહેવાર દરમિયાન ઘેર-ઘેર મિષ્ટાન અારોગવાની વર્ષોની પરંપરા છે. અગાઉ ઘરે જ લાપસી અને લાડુ જેવી મીઠાઇ બનતી પરંતુ હવે અનેક પ્રકારના વ્યંજન સ્વીટમાર્ટમાં ઉપલબ્ધ બનતા લોકો આ પર્વને ‘કુછ મીઠા હો જાયે’ ભાવ સાથે ખરીદી કરતા જોવા મળે છે.
ધનતેરસના આધુનિક ‘અશ્વો’ની ડિલિવરી
વિજ્યાદશમના વાહનોની ખરીદીને શુભ મનાય છે તેજ રીતે ધનતેરસના પણ વાહન ખરીદીને લોકો શુભ માને છે. અગાઉથી બુકિંગ કરાવી અને આ દિવસે ડિલિવરી મેળવે છે. એક અંદાજ મુજબ મંગળવારે જ રાત્રિ સુધી ભુજના શો-રૂમમાંથી 500થી વધુ બાઇકની ડિલિવરી કરાઇ હતી.
હોમ એપ્લાયન્સિસ માટે પરિવાર શો-રૂમ પર
સુવર્ણ, વાહન અને મીઠાઇની જેમ ઘરમાં જરૂરી ઇલેટ્રોનિક વસ્તુઓ પણ ધનતેરસના ખરીદવાનું નિશ્ચય કરીને પરિવાર સાથે લોકો શો-રૂમ પર પહોંચ્યા હતા. ભુજના દરેક હોમ એપ્લાયન્સિસના દુકાનો પર મોડી સાંજ સુધી ખરીદી જોવા મળી હતી. ઓનલાઇન શોપિંગ બાદ પણ ગ્રાહકો દેખાતા થયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.