છેતરપીંડી કેસ:માધાપરના ફોજી સાથે 23.76 લાખની ઠગાઇના કેસમાં ગોવાની મહિલાના જામીન નામંજુર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીઓએ ફેસબુક પર મિત્રતા કેળવી ડાયમંડ ગીફ્ટનું પાર્સલ છોડાવવા કરી હતી છેતરપીંડી

માધાપરના આર્મીમેન સાથે ફેસબુક પર મિત્રતા કેળવીને ડાયમંડ ગીફ્ટનું પાર્સલ છોડાવવાના બહાને કરાયેલી 23.76 લાખની ઠગાઇના કેસમાં ગોવાની મહિલાની જામીન અરજી ભુજ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. કેસની વિગતો મુજબ માધાપર ગોકુલધામ ખાતે આર્મીમેન વિકાસસિંગ મોહનસિંગ સાથે લંડન રહેતા ફેસબૂક ફ્રેન્ડ ચાર્લ્સે ફેસબુક પર મિત્રતા કેળવીને ગોલ્ડ અને ડાયમંડની ગીફ્ટો મોકલાવી હતી.

આ ગિફ્ટ સંદર્ભે આરોપીઓએ ડિલિવરી ચાર્જ, ઈન્સ્યોરન્સ, ગિફ્ટમાં રહેલાં ડોલર ભારતીય ચલણમાં તબદીલ ક૨વાના વિવિધ બહાને ફરિયાદી પાસે ટૂકડે ટૂકડે ૨૩.૭૬ લાખ રૂપિયા અલગ અલગ બેન્ક ખાતાઓમાં જમા કરાવડાવી છેતરપીંડી કરી હતી. ભોગબનારે બી ડીવિઝન પોલીસ મથકમાં ગત 25-11-2020ના અલગ અલગ બેન્ક ખાતા ધારકો અને મોબાઇલ ધારકો સામે છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં પોલીસે ગોવાની સાયારા જોસ રોબર્ટ અલ્વારીસ (ઉ.વ. 51) નામની મહિલાની ધરપકડ કરી હતી. બાદમાં ચાર્જશીટ દાખલ થતાં આરોપી મહિલાએ ભુજ સેશન્સ કૉર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી. જેમાં જિલ્લા મદદનીશ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ પોતાની દલીલો જણાવ્યું હતું કે, ભોગબનાર સાથે છેતરપીંડી થઇ છે તેમના 23.76લાખ રૂપિયામાંથી આ આરોપી મહિલાના બેન્ક ખાતામાં 19 લાખથી ઉપરના નાણા જમા થયા છે તેમજ આરોપી મહિલા સામે નાગપુરમાં પણ ઠગાઇનો ગુનો દાખલ થયો છે. જ્યાં તે જેલમાં હતી ત્યાંથી ભુજ પોલીસે ટ્રાન્સફર વૉરન્ટથી તેને અહીં લાવી ધરપકડ કરી હતી.

હજુ ઠગાઈમાં ગયેલાં નાણાંની રીકવરી બાકી છે. તેમજ અન્ય સહઆરોપીઓની ધરપકડ બાકી છે. જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો ફરી ગુનો આચરે તેમ છે. તેવી દલીલો કરતાં ભુજના ત્રીજા એડીશનલ જજ એમ.એમ. પટેલે આરોપી મહિલાની નિયમિત જામીન અરજી ના મંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...