વિશ્વ એપીલેપ્સી ડે:જી.કે. હોસ્પિટલમાં રોજના સરેરાશ 15 વાઈના દર્દીઓને અપાય છે સારવાર

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઇ કે ખેંચ એ મગજની બીમારી છે: તબીબોએ લક્ષણો અંગે માહિતી આપી

વિશ્વમાં પાંચ કરોડ અને ભારતમાં સવા કરોડ એપીલેપ્સીના દર્દીઓ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં 17મી નવે.ના રોજ વિશ્વ વાઇ(એપીલેપ્સી) ડેની ઉજવણી કરવામાં આવે છે. મગજના કોષો અને કેશિકાઓમાં અસંતુલન(ડિસઓર્ડર)ના કારણે તેનો વ્યાપ વધુ છે. વિશ્વમાં પાંચ કરોડ અને ભારતમાં સવા કરોડ લોકો આ દર્દથી પીડાય છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં રોજના સરેરાશ 15 દર્દીઓ વાઈની સારવાર માટે આવે છે. અને તેમને સઘન સારવાર આપવામાં આવે છે.

આ બીમારી થવાના અનેક કારણો છે. જેમાં કોઈ ગંભીર બીમારી, હ્રદયરોગ, સખત તાવ, સ્ટ્રોકની સમસ્યા, મગજમાં ચોટ લાગવી, મગજના કોઈ ભાગમાં પૂરતું લોહી કે ઑક્સીજન ન પહોંચવું, આનુવાંશિકતા, વધુ પડતું દારૂ, ડ્રગ્સ વિગેરેનું સેવન, જન્મ પછી બાળકનું મોડુ રડવું જેવા અનેક કારણો જવાબદાર હોવાનું મેડિસિન વિભાગના વડા અને આસી. પ્રો. ડો. યેશા ચૌહાણે તથા ડો. જયંતિ સથવારા અને ડો. ચંદન ચુડાસમાએ જણાવ્યુ હતું. વાઈના લક્ષણો શું હોઇ શકે એ અંગે તબીબોએ કહ્યું કે, વાઈના હુમલા વખતે વ્યક્તિ ધડામ દઈને પડી જાય છે. હાથ-પગ જકડાઈ જાય છે. અથવા ખેંચ આવે છે. બેહોશ પણ થઈ જાય છે. આંખમાં અંધારા છવાઇ જાય, મોઢામાથી ફીણ નીકળે. ક્યારેક દર્દી માનસિક અસંતુલાને કારણે પોતાની જીભ અથવા હોઠ પણ દાંતથી કરડી લે છે. ક્યારેક હ્રદયના ધબકારામા ફેરફાર થવાથી મૃત્યુ પણ થઈ શકે છે. આવા લક્ષણો જણાય તો તુરંત તબીબની સલાહ લેવી હિતાવહ છે. એમ.આર.આઈ. અને ઇઇજી કરાવવાથી સાચું કારણ જાણી શકાય છે. દવા લેવાથી રાહત મળે છે. મોટાભાગના દર્દીઓને દવાથી રાહત થઈ જાય છે. પરંતુ બે ટકા કિસ્સામાં મગજની શસ્ત્રક્રિયાની આવશ્યકતા રહે છે.

વાઈથી બચવા પૂરતી ઊંઘ, નશો કરવાનું ટાળવું, ઊંચાઈ ઉપર ન રહેવું, વિટામિન-ઇ અને પોષકતત્વો લેવા એમ ડો. શક્તિ ઝાલા, રેસિ. ડો. સમર્થ પટેલ, શૈલ જાનીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...