આયોજન:જી.કે. હોસ્પિટલ દ્વારા ઓક્ટોબર માસમાંં 2,93,650 સીસી રક્ત એકત્રિત કરાયું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘ફ્લેગ ડે’ના આર્મી એકેડમી તથા ઈદ નિમિતે રક્તદાતાઓએ લોહીનું કર્યું દાન

જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ તેમજ જુદા જુદા વિભાગોમાં અને થેલેસેમિયાના દર્દીઓને લોહીની જરૂરિયાત પરિપૂર્ણ કરવા કાર્યરત બ્લડબેન્ક દ્વારા વીતેલા ઑક્ટોબર માસમાં 839 બેગ કચ્છના વિવિધ સ્થળોએ કેમ્પ યોજી અને સ્થાનિક બ્લડબેન્કમાં આવતા રક્તદાતાઓના સહકારથી લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું.

કચ્છમાં રક્તદાતાઓમાં રક્તદાન કરવા જાગૃતિ સતત જોવા મળી રહી છે અને આ કાર્ય માટે વિવિધ સ્થળોએ હોસ્પિટલના સહકારથી બ્લડકેમ્પનું આયોજન કરવામા આવી રહ્યું છે. ગત માસ દરમિયાન અલગ અલગ સ્થળોએ છ કેમ્પમાં 511 બોટલ રક્ત તેમજ હોસ્પિટલના બ્લડબેન્કમાં 328 બોટલ રક્ત સાથે કુલ 839 બેગ એકત્રિત કરવામાં આવી હતી. આ યોજાયેલી રક્તદાન શિબિરોમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અને રોટરી ક્લબ દ્વારા ભુજ ખાતેથી ‘ફ્લેગ ડે’ નિમિત્તે 21થી 31 ઓક્ટોબર દરમિયાન 94 બોટલ લોહી ભેગું કરવામાં આવ્યું હતું. કેમ્પમાં પોલીસ અધિક્ષક સૌરભસિંઘે તેમના જન્મદિન નિમિત્તે રક્તદાન કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમની સાથે નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઇએ પણ રક્તદાન કરી નમૂનારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વાગડ વેલ્ફેર હોસ્પિટલના સહકારથી ભચાઉ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ નિમિત્તે ૫૪ બોટલ, મુસ્લિમ યુવા સમિતિ મથલ દ્વારા 115 બોટલ, માધાપર લાયન્સ કલબ દ્વારા 56 બોટલ, ઝુરા યુવા ગ્રૂપ દ્વારા 42 બોટલ તેમજ સ્વ.શ્રી નરેશભાઇ મહેશ્વરીએ જન્મજયંતી નિમિત્તે ૫૯ બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું. જ્યારે ભુજની આર્મી ડિફેન્સ એકેડમી અંતર્ગત વિરભોગ્ય વસુંધરા એકેડમીના કર્મીઓએ હોસ્પિટ્લમાં આવી ૨૮ બોટલ રક્તનું દાન કર્યું હતું. આમ, જી.કે. જનરલ હોસ્પિટલની બ્લડબેંક દ્વારા કુલ 2,93,650 સીસી રક્ત એકત્રિત કરવામાં બ્લડબેંકના ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો. ખુશકુમાર ડાભી, બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલ સહિત સ્ટાફ સહયોગી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...