તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતના આંકડા છુપાવવાનો ખેલ ‘સત્તાવાર’ ખુલ્લો:જી.કે. માં જ 3 માસમાં કોરોનાથી 334 દર્દીના મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સત્ય : RTIમાં જીકે જનરલ હોસ્પિટલમાં થયેલા મોતના આંકડા - Divya Bhaskar
સત્ય : RTIમાં જીકે જનરલ હોસ્પિટલમાં થયેલા મોતના આંકડા
  • કોરોનાની સારવાર દરમિયાન નોન કોવિડથી 440 વ્યક્તિના મોત અલગ
  • તંત્ર હજુ પણ અાખા કચ્છમાં 15 માસમાં 282ના મોતનું ચલાવે છે જૂઠાણું
  • જાગૃત નાગરિકે માહિતી અધિકાર હેઠળ વિગતો મેળવી પોલ પાધરી કરી

જિલ્લા પંચાયતના વહીવટી વિભાગ દ્વારા માધ્યમોને દરરોજ કચ્છમાં કોરોનાની પરિસ્થિતિની વિગતો અપાય છે, જેમાં 2020ના માર્ચ માસથી અત્યાર સુધી અેટલે કે 16 મહિના દરમિયાન અાખા કચ્છમાં કોરોનાથી 282 દર્દીના મોત બતાવાય છે. પરંતુ, ભુજ શહેરની જૂની રાવલવાડીમાં રહેતા લખન ધુવાઅે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી પાસેથી માહિતી અધિકાર હેઠળ 2021ની 1લી માર્ચથી 30મી મે દરમિયાન કોરોના અને નોન કોવિડથી મોતની વિગતો માગી હતી, જેમાં જણાવાયું છે કે, ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં માર્ચ, અેપ્રિલ અને મે મહિના દરમિયાન કોવિડ-19થી કુલ 334 દર્દીના મોત થયા છે. જ્યારે નોન કોવિડ-19થી કુલ 440 વ્યક્તિના મોત થયા છે. અામ, કુલ 774 વ્યક્તિઅે કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જેથી જિલ્લા પંચાયતના વહીવટી વિભાગ દ્વારા ચલાવાતા જૂઠાણાનો પર્દાફાસ થઈ ગયો છે.

લખન ધુવાઅે 2021ના મે મહિનાની 29મી તારીખે માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં માર્ચ, અેપ્રિલ અને મે મહિના દરમિયાન કોવિડ-19 અને નોન કોવિડ-19થી મોત ઉપરાંત સમગ્ર કચ્છ જિલ્લામાં મોતની અાંકડાકીય વિગતો માંગી હતી, જેથી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જને અેક મહિના બાદ છેક 30મી જૂને લેખિત માહિતી અાપતા જણાવ્યું છે કે, ગુજરાત અદાણી ઈન્સ્ટીટ્યૂટ અોફ મેડીકલ સાયન્સ દ્વારા અાપવામાં અાવેલી માહિતી અા સાથે સામેલ રાખી છે.

ગુજરાત અદાણી ઈન્સ્ટીટ્યૂટ અોફ મેડીકલ સાયન્સના ચીફ મેડીકલ સુપરીટેન્ડેટે મે મહિનાની 22મી તારીખે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનને 16મી જૂનના માહિતી અાપતા જણાવ્યું છે કે, લખન ધુવાઅે માંગેલી માહિતીમાં 2021ના માર્ચ માસથી મે મહિના સુધી કોવિડ-19થી 334 દર્દીના મોત થયા છે. જ્યારે નોન કોવિડ-19થી 440 દર્દીના મોત થયા છે. જ્યારે અાખા જિલ્લામાં મોતની વિગતો અાપી શકાય અેમ નથી. માત્ર ભુજની જી. કે. જનરલ હોસ્પિટલની જ માહિતી અાપી શકાય.

કોવિડ-19થી અને કોરોનાની સારવાર દરમિયાન મોત અલગ બાબત
સરકાર અેવું માને છે કે, અન્ય ગંભીર અને અસાધ્ય બીમારી ધરાવતી વ્યક્તિ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લે તો અેનું મોત કોવિડ-19થી ન ગણવું. અન્ય ગંભીર અને અસાધ્ય બીમારી ન ધરાવતી વ્યક્તિ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામે તો જ તેનું મોત કોરોનાથી બતાવવું. જોકે, અહીં સવાલ અે છે કે, અન્ય ગંભીર અને અસાધ્ય બીમારી ન ધરાવતી વ્યક્તિને કોરોના થયો અે પહેલા જીવતી હતી. પરંતુ, કોરોના થયા બાદ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામી છે. તો અે વ્યક્તિનું મોત કોરોનાથી કેમ ન ગણાય. અેવી વ્યક્તિના મોતનું નિમિત્ત તો કોરોના જ છે.

ભાસ્કરે અાંકડાકીય માહિતીની વિસંગતતા કોરોનાથી 1200 મોતની ભીતિ વ્યક્ત કરી હતી
દિવ્ય ભાસ્કરે 2021ના જૂન માસની 7મી તારીખે ભુજ ફ્રંટ પેજ ઉપર લીડ ન્યૂઝમાં ‘શું જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 1200ના મોત થયા છે?’ અેવા પ્રશ્ન સાથે જિલ્લા પંચાયતના વહીવટી વિભાગે અાપેલી અાંકડાકીય માહિતીમાં વિસંગતતાના અાધારે સાબિત કરી દીધું હતું કે, કચ્છ જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન 1200 દર્દીના મોત થયા છે. જે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં માર્ચ, અેપ્રિલ અને મે મહિના દરમિયાન કોવિડ-19થી 334 મોત અને નોન કોવિડ-19 (અેટલે કે કોરોનાની સારવાર દરમિયાન પણ) 440ના મોત મળીને કુલ 774ના મોતથી સ્પષ્ટ થઈ જાય છે. અે ઉપરાંત ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં જ 2020ના માર્ચ માસથી 2021ની 20મી જાન્યુઅારી સુધી કોરોનાની સારવાર દરમિયાન 366 દર્દીના મોત બતાવાયા જ છે. જેનો અહેવાલ પણ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો. માત્ર 2021ના ફેબ્રુઅારી માસનો અાંકડો જ હાથ નથી અાવ્યો. પરંતુ, સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ફેબ્રુઅારી માસમાં જ 60 દર્દીના મોત થયા છે. અામ, દિવ્ય ભાસ્કરના સર્ચ મુજબ 774 વત્તા 366 વત્તા 60 મળીને કુલ 1200નો અાંકડો બહાર અાવે છે.

મોતનો સાચો અાંકડો 282 જ છે : ડો. જનક માઢક
ભુજમાં જિલ્લા પંચાયત સ્થિત મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીની કચેરીના સી.ડી.અેચ.અો. ડો. જનક માઢકને કોલ કરી પૂછ્યું કે, જિલ્લા પંચાયતના વહીવટી વિભાગ દ્વારા બહાર પડતી અખબારી યાદીમાં કચ્છમાં હજુ સુધી કોરોનાથી 282 દર્દીના મોત બતાવાય છે. જ્યારે બીજી બાજુ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં જાગૃત નાગરિક લખન ધુવાઅે માહિતી અધિકારી હેઠળ 2021ના વર્ષમાં માત્ર માર્ચ, અેપ્રિલ અને મે મહિના દરમિયાન કોરોનાથી મોતની માહિતી માંગી હતી, જેમાં છેલ્લા ત્રણ માસમાં જ કોરોનાથી 334 દર્દીના મોત બતાવાયા છે. તો બંને અાંકડા વચ્ચે અાટલો ફરક કેમ. તો તેમણે જણાવ્યું હતું કે, માહિતી અધિકારી હેઠળ મંગાયેલી માહિતીની મારી પાસે જાણકારી નથી. પરંતુ, જિલ્લા પંચાયતના વહીવટી વિભાગ દ્વારા બહાર પડતી અખબારી યાદીમાં જે અાંકડો બતાવાય છે અેજ અાંકડો સાચો છે.

અન્ય સમાચારો પણ છે...