તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જીકે હોસ્પિટલ સવા વર્ષ સુધી નિરાધાર પંજાબી આધેડ માટે બની આધાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લુધિયાણાના આશ્રમે પ્રૌઢને સ્વીકારતા ભુજની સંસ્થા મારફતે પહોંચતો કરાયો

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં સવા વર્ષ પહેલા આવેલા પંજાબના નિરાધાર આધેડને સારવાર આપ્યા બાદ તેના વતને મોકલાયો હતો. આ દર્દી પંજાબ પહોંચી જતાં હોસ્પિટલના કર્મચારી-અધિકારીઓએ સંતોષની લાગણી અનુભવી હતી. વર્ષ 2020ના એપ્રિલ માસમાં ૧૦૮ મારફતે ૫૬ વર્ષના આધેડને લાવવામાં આવ્યો ત્યારે તેનો કોઈ વારસ ન હોવાથી હોસ્પિટલમાં અજ્ઞાત વ્યક્તિ તરીકે તેને દાખલ કરી સારવાર આપવાની શરૂઆત કરાઇ હતી.

શરીર અશક્ત હતું, બી.પી. તો હતું જ સાથે પેરાલિસિસનો હળવો એટેક પણ હતો તેમ ડો. ચંદન ચુડાસમાએ જણાવ્યુ હતું. તેમના જણાવ્યા અનુસાર દર્દી બોલી ચાલી શકતો ન હોવાથી તેના લક્ષણો ઉપરથી સારવાર આપવાની શરૂ કરી જે બહુ લાંબા સમય સુધી ચાલી. દરમિયાન તેને ખવડાવાની, નવડાવવાની, દવા આપવાની તમામ જવાબદારી હોસ્પિટલના સ્ટાફે નિભાવી. એટલું જ નહીં ફિઝિયોથેરાપી વિભાગના તેને નિયમિત કસરત કરાવી. અંતે તે અસ્પષ્ટ બોલતા અને સાંકેતિક ભાષામાં વાત કરતો થયો.

પ્રથમ દ્રષ્ટિએ તે પંજાબી જાણતા પંજાબી સિક્યુરિટી સ્ટાફની મદદથી તેમજ અન્ય આધારે તેનું નામ મલ્કિતસિંઘ પાલસિંઘ જાણવા મળ્યું. સિક્યુરિટી વિભાગ દ્વારા જુદી જુદી સંસ્થાનો સંપર્ક કરાયો પણ ભાષાના પ્રશ્નો હોવાથી મુશ્કેલી ઊભી થઈ. દરમિયાન સોશિયલ મીડિયા મારફતે પંજાબના લુધિયાણા જિલ્લાના સરભા વિસ્તારનો ગુરુ અમરદાસ અપાહાજ આશ્રમ તેને સ્વીકારવા તૈયાર થયો. ભુજની મોહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અબ્બાસભાઈ માંજોઠીએ સંસ્થાના વાહન મારફતે તેના માદરે વતન તેને પહોંચાડવાનું બીડું ઝડપ્યું અને નિર્વિધ્ને તેને પહોંચાડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...