ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના એનેસ્થેટિક વિભાગમાં આધુનિક 5 એનેસ્થેટીક મશીન વસાવાયા છે.હોસ્પિટલના એનેસ્થેટિક વિભાગના હેડ ડો. મંદાકિની ઠક્કરે જણાવ્યું હતું કે, અા મશીન દ્વારા એનેસ્થેટિક ગેસ(Fresh Gas Flow) દર્દીના શ્વાસમાં પહોંચે છે અને તેના વડે દર્દીને બેભાન અવસ્થામાં લાવી શકાય છે તેમજ એ અવસ્થાને જરૂર પૂરતી લંબાવી શકાય છે.
આ મશીનમાં વેન્ટિલેટર સ્થાપિત કરેલું હોય છે. જે બેભાન અવસ્થા દરમિયાન દર્દીને કૃત્રિમ શ્વાસ આપવામાં મદદરૂપ થાય છે. મૂળભૂત રીતે આ બોયલ્સ મશીન તરીકે જાણીતા સાધનનું અતિ આધુનિક સ્વરૂપ છે અને ચાલુ કરતાં તુરંત જ ‘સેલ્ફ ટેસ્ટ’નો વિકલ્પ હોય છે. જેથી કોઈ ખામી કે ત્રુટિ હોય તો પહેલેથી જ ખબર પડી જાય છે.
મશીનના જુદા-જુદા વિભાગ અંગે આસિ. પ્રો. ડો.જલદીપ પટેલે જણાવ્યું હતું કે, તેમાં ગેસ પાઇપલાઇન, ફ્લોમીટર, વેપોરાઇઝર્સ, અોક્સિજન ફ્લસ અને વેન્ટિલેટર સર્કિટનો સમાવેશ થાય છે. ઉપરાંત સાવચેતીની વિશેષતા પણ ઉપલબ્ધ કરાઇ છે, જેવી કે, અોક્સિજન નિષ્ફળ જાય તો એલાર્મ વાગે છે. વેન્ટિલેટર એલાર્મ પણ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.