કેન્દ્રિય મત્સ્યોધોગ, પશુપાલન ડેરી ઉધોગ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ કચ્છની આધુનિક કે.કે.સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યુ હતું. રૂપાલાએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ માટે દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું છે તેમને હું ખૂબ ખુબ વંદન કરૂ છું. દાન આપવાની ભાવનાએ આપણા વડીલોઓએ શીખવી છે. આ સમાજે દાન આપીને અન્ય સમાજને દિશા બતાવી છે.
આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો વિશાળ હોવાથી સાથે ઔધોગિક પ્રદેશ પણ છે અને હવે તે આરોગ્યની દષ્ટિએ પણ આત્મનિર્ભર બનવા જઇ રહયો છે. કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા કેન્દ્રિય મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે મોમેન્ટો અને કણબી પાઘડી આપીને વિવિધ દાતાઓનું સન્માન કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, દાતાઓ, સંતો, કચ્છી લેવા પટેલ સમાજના આગેવાનો, દેશ-વિદેશથી પધારેલા કચ્છીજનો, પટેલ ચોવીસીના સમાજનાં ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
કોરોના કાળમાં યુ.કે. લેવા પટેલ સમાજે 74 લાખની રકમ સૌપ્રથમ મોકલાવી હતી
કે.કે.સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ લોકાપર્ણ કાર્યક્રમમાં લંડનથી ખાસ પધારેલા યુ કે. લેવા પટેલ સમાજના લોકોએ વ્યક્તિગત દાન તો અર્પણ કરેલ છે સાથો સાથ જ્યારે કચ્છમાં કોરોનાનો કેર હતો ત્યારે યુ.કે લેવા પટેલ સમાજ તરફથી તાત્કાલિક ધોરણે થી રૂા. 74 લાખની પ્રથમ દાનની રકમ મોકલાવી આપી હતી, જે માટે યુ.કે સમાજનું વિશેષ સન્માન કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઈ રૂપાલાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
લંડન સમાજના પ્રમુખ વેલજીભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે,લેવા પટેલ સમાજ સરદાર વલ્લભભાઈ પટેલના વંશજ હોઈ રાષ્ટ્ર પ્રેરીત કોઈ પણ કાર્ય કે સેવામાં પાછીપાની નથી કરતાં એ પછી ભલે ભારત દેશમાં હોય કે વિદેશમાં અમારી હોદેદારો અને સભ્યોની ટીમવર્કમાં પ્રવિણભાઈ ખીમાણી, શશીભાઈ વેકરિયા, કે.કે. જેસાણી, માવજીભાઈ વેકરિયા, વેલજી વેકરિયા, લખુભાઈ કેરાઈ, કલ્યાણભાઈ પીંડોરિયા, ધીરુભાઈ વેકરિયા અને વિનોદભાઈ હાલાઈ ખડેપગે કચ્છ કે કરછીઓના કોઈપણ કાર્ય માટે તત્પર રહે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.