તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:કચ્છને કુશળ કલેક્ટર , ડીએસપી અને ડીડીઓ આપો તોય ભયો ભયો !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે કલેક્ટર જેવા જિલ્લા કક્ષાના સર્વોચ્ચ અધિકારીને પોતાની વહીવટી કાર્યાદક્ષતા પુરવાર કરવા માટે કમસેકમ ત્રણ વર્ષનો ગાળો મળે એ ઇચ્છનીય છે. તેમાંએ ખાસ કરીને કચ્છ જેવા સરહદી અને કદની દ્રષ્ટિએ અતિ વિશાળ એવા જિલ્લામાં મહેસૂલી વહીવટ, વિવિધ ખાતાઓ વચ્ચે સંકલન અને સરહદી સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આસાન નથી. છતાં, સરકાર માટે ઉચ્ચ અધિકારીની બદલી સાવ સામાન્ય બાબત છે. ઠીક લાગે ત્યારે ઠીક લાગે તેને ઠીક લાગે ત્યાં બદલી દેવાય છે. કચ્છને 1960 માં ગુજરાત સાથે જોડી દેવાયું ત્યારથી આજ સુધીના 6 દાયકામાં 36 કલેક્ટર બદલાયા છે. એની લાંબી યાદી પર નજર કરીએ તો કોઇને એક વર્ષમાં, કોઇને પાંચ કે છ મહિનામાં તો કોઇને માત્ર બે મહિનામાં બદલી દેવાયા છે. તેથી હાલ કલેક્ટર પ્રવીણા ડી.કે.ને પોણા બે વર્ષમાંબદલી દેવાયા તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. એ અલગ વાત છે. કે તેમણે કચ્છના વ્યૂહાત્મક મહત્વને સમજીને જુદી જુદી સલામતી એજન્સીઓના સંકલનની કામગીરીને અગ્રતા આપીને દાખલો બેસાડ્યો હતો.

એક જમાનામાં કચ્છ સજાનો જિલ્લો મનાતો હતો એનું કારણ એના વિશાળ કદ અને ઓછી વસ્તીનું હતું.વિચાર કરો આખા ગુજરાતના 23 ટકા ભાગમાં માત્ર એક કચ્છ જિલ્લો અને બાકીમાં ગુજરાતના 32 જિલ્લા. તો વસ્તી કચ્છની માત્ર 20 લાખ જ્યારે બાકીના ગુજરાતની 5.80 કરોડ. વળી નેતાગીરી નબળી અને પ્રજા સહનશીલ તેથી ઉચ્ચ અધિકારી ધારે તેમ કરી શકે. આ સ્થિતિનો ભૂતકાળમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ ગેરફાયદોએ ઉઠાવ્યો છે. તો કેટલાક પ્રામાણિક, કાર્યદક્ષ અને દેશપ્રેમી અધિકારીઓએ કપરા સમયમાં યાદગાર કામગીરી કરીને લોકપ્રિયતા પણ મેળવી છે.

વરિષ્ઠ પત્રકાર મિત્ર સ્વ. મહેશદાન ગઢવીએ એકવાર કચ્છની ભૌગોલિક વિશાળતા, નેતાગીરીની નબળાઇ અને પ્રજાની સહનશીલતાનો ઉલ્લેખ કરીને કહ્યું હતુ કે ગુજરાત સરકાર કચ્છને મોટા હોદા-સ્થાન આપે કે ન આપે, પણ કલેક્ટર, ડી.એસ.પી. અને ડી.ડી.ઓ. તરીકે ચુનંદા, નિવડેલા અને પ્રામાણિક અધિકારી મૂકે તોયે ભયો ભયો ! તોય કચ્છનું ભલું થઇ જાય. તેમણે 2008 માં આજ અભિગમ સાથે આઝાદી પછીના સમયમાં કચ્છમાં પ્રેક્ષણીય કામગીરી કરનાર પોલીસ તેમ વહીવટી અધિકારીઓના લેખાંજોખાં કર્યા હતા. જિલ્લ પોલીસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ ત્રણેય પાંખની વાત માંડીને કરી હતી. પણ આજે જ્યારે કચ્છના કલેક્ટરની બદલીની ઘટનાની ચર્ચા છે તેથી એની જ વાત કરીશું.

તો ગુજરાતની રચના પછી કચ્છમાં 1965 અને 1971 ના યુધ્ધ ઉપરાંત દુકાળ, વાવાઝોડું અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ વખતે કલેક્ટરના પદને ગરિમા અપાવે એવી પ્રજાલક્ષી કામગીરી કરીને કેટલાક અધિકારીઓએ લોકપ્રિયતા મેળવી હતી. બી.જી. ખાબડેએ ગરાસાદારી પ્રથા બંધ કરાવી જમીન ખેડનાર ખેડૂતો(ગણોતિયા)ને જમીનના માલિક બનાવતા ઇનામ નાબૂદી ધારાનો ચૂસ્ત અમલ કરાવીને ભરપૂર પ્રસંશા મેળવી હતી. તો 1965 ના કચ્છના રણ પરના નાપાક આક્રમણ વખતે કલેક્ટર એસ.જે. કોહેલ્હોએ કોઇ લશ્કરી જનરલની અદાએ મોરચા સુધી ધસી જઇને શૈર્ય દેખાડ્યું હતું એનો ઇતિહાસતો આપણે જાણીએ છીએ. રાજ્ય-કેન્દ્ર સરકારના વિવિધ ખાતા અને લશ્કરી દળો વચ્ચે સંકલન સાધવાની કામગીરી તેમણે બખુબી પાર પાડી હતી અને તે બદલ તેમને પદ્મશ્રી એવોર્ડ કેન્દ્રએ આપ્યો હતો.

1971 ના યુધ્ધ વખતે પરિસ્થિતિ અલગ હતી. એમાંતો ભારત વિજયી અદાથી આગેકૂચ કરતું હતું અને આપણું લશ્કર છેક નગરપારકર સુધી પહોંચી ગયું હતું. પણ એ સમયે સિંઘના સોઢા શરણાર્થીઓની વણથંભી વણઝાર કચ્છ ભણી આવી રહી હતી. ત્યારે તે સમયના કલેક્ટર એન.ગોપાલ સ્વામીએ કુશળતાથી પરિસ્થિતિ સંભાળી લીધી હતી. શરણાર્થીઓ માટે રાહત છાવણીઓ ઊભી કરીને દાદ મેળવી હતી. ઉપરાંત નાપાક બોમ્બમારા વખતે લોકોને શાંત રાખ્યા હતા. નિરાભીમાની અને સરળ સ્વભાવના શ્રી ગોપાલ સ્વામી 2008 માં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. અને એ જ પદ પર નિવૃત થયા હતા.

કુદરતી આપતિઓને સંબંધ છે ત્યાં સુધી 60 ના દાયકામાં ઉપરા ઉપરી દુકાળ પડ્યા ત્યારે કલેક્ટર આર. બાલકૃષ્ણને યાદગાર ભૂમિકા ભજવી હતી. કચ્છના પશુધનનું પ્રથમવાર સ્થળાંતર પ્રેમજીભાઇ ઠક્કરના નેજા હેઠળ થયું તે વખતે રસ્તામાં નીરણ કેન્દ્રો શરૂ કરાયા હતા. તો કચ્છ સત્યાગ્રહ વખતે 1968 માં ભારત ભરના વિપક્ષી નેતાઓ ભુજમાં ભેગા થયા હતા. ત્યારે પરિસ્થિતિ ન વણશે એની તકેદારી તેમણે રાખી હતી. 74 અને 75 ના દુકાળ વખતે કચ્છમાં ઘાસનો પુરવઠોજાળવી રાખીને અછત ઊભી ન થવા દેવામાં કલેક્ટર તરીકે એ.ડબલ્યુ.પી. ડેવિડે ભાગ ભજવ્યો હતો. જ્યારે સદીના સૌથી કાળમુખા દુકાળ વખતે એટલે ેક 85/86 માં કલેક્ટર માહેશ્વર શાહુએ ઢોરોનું સ્થળાંતર ટ્રક મારફત કરાવવાનો વ્યવહારૂ ઉકેલ શોધી કાઢ્યો હતો. પાછળથી 2001 ના ધરતીકંપ વખતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચનામાં શ્રી શાહુએ ચાવીરૂપ ભાગ ભજવ્યો હતો અને કચ્છના નવસર્જન ઉપરાંત ઉદ્યોગીકરણની પ્રક્રિયામાં પણ તેમનું ભેજું હતું.

કચ્છમાં સૌથી વધુ સમય રહેનાર પૈકી એક ટી.એસ. રંધાવાએ દેવસ્થાન જાગીરોના વિકાસ માટે સારા પ્રયાસો કર્યા હતા. તો 1998 ના કંડલાના વાવાઝોડા વખતે મુકેશ પુરી ગરીબોમાં પ્રિય બન્યા હતા. 2001 ના ધરતી કંપ વખતે અનિલ મુકિમે સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન સાધવામાં ફળદાયી ભૂમિકા નીભાવી હતી. તો ભુજના નવસર્જનના કર્ણાધાર પ્રદીપ શર્મા હતા. નવા ભુજના રિંગ રોડ, રિલોકેશન સાઇટ અને ગટર લાઇનોના કામમાં તેમણે યાદગાર ફાળો આપ્યો હતો. નાના માણસો એમને સરળતાથી મળી શકતા એ એમનું લાક્ષણિક પાસું હતું. કલેક્ટર એમ. થેન્નારેશને જમીન સુધારણા ક્ષેત્રે જ્યારે રમ્યા મોહને અછત રાહત ક્ષેત્રે સારી કામગીરી કરી છે.

જો કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના પ્રમોટી આઇ.એ.એસ. અધિકારીઓએ જે નોંધનીય કામગીરી કરી છે એનો કેટલાક લાભ કચ્છનેય મળ્યો છે. આવા કલેક્ટરોમાં આર.આર. વરસાણી અને મહેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. નવા આવનાર કલેક્ટર સુજલ મયાત્રા ગુજરાતના જ છે એટલું ન નહિ આઇ.એ.એસ. પાસ કરીને ડાયરેક્ટ ભરતી થયેલ અધિકારી છે અે વધુ ખુશીની વાત છે. આશા રાખીએ કે તેઓ કાર્યદક્ષ અધિકારીઓની પરંપરા જાણવી રાખશે.

અન્ય સમાચારો પણ છે...