નખત્રાણા તાલુકાના દયાપરથી આમારા ગામ તરફ જતા સિંગલ પટ્ટી માર્ગ પર આજે મંગળવારે વહેલી સવારે એક પવનચક્કીના પાંખડાને લઈ જતું મહાકાય ટ્રેલર પલટી જવા પામ્યું હતું. સદભાગ્યે વાહન પર લદાયેલું પવનચક્કીનું પાંખડું અને ટ્રેલર જમણી તરફ પલટ્યું હોવાથી અન્ય કોઈ દુર્ઘટના કે જાનહાની થઈ નહોતી. પરંતુ અકસ્માતના પગલે લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી.
જિલ્લાના કાંઠાડ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કંપની દ્વારા વ્યાપકપણે લગાડવામાં આવતી પવનચક્કીથી પર્યાવરણમાં હાનિ પહોંચતી હોવાના આરોપ સાથે ગ્રામજનો વિરોધ કરતા આવ્યા છે. તેના વચ્ચે પવનચક્કી લગાડવાનું કાર્ય બેરોકટોક ચાલી રહ્યું છે. આ માટે તેના સાધનોનું પરિવહન કરતા મહાકાય વાહનોના કારણે અનેક વખત ટ્રાફિકજામ પણ સર્જતો હોય છે.
આજે મંગળવારે વહેલી સવારથી નખત્રાણાથી 35 કિલોમીટર દૂર રવાપરથી આમારા ગામ તરફના ગ્રામ્ય માર્ગ પર પવનચક્કી લઈ જતું વાહન કેબિન સિવાય પાંખડા સહિત પલટી ગયું હતું. નખત્રાણાના લખન દેસાઈએ કહ્યું હતું કે આ પ્રકારના અકસ્માતથી અવારનવાર સિંગલ પટ્ટી ધરાવતા ગ્રામ્ય માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે. નખત્રાણાના વથાન ચોકમાં પણ આ પૂર્વે એક મહાકાય ટ્રેલર પવનચક્કીના પાંખડા સાથે ખોટવાઈ જતા કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આમ અવાર નવાર મસમોટા વાહનો નાના નાના ગામડાઓના માર્ગો પર બેરોકટોક ફરતા રહેતા હોવાથી ક્યારેક મોટો અકસ્માત સર્જાય એવી ભીતિ છે. સંબધિત તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.