ગાંધીધામ નગરપાલિકામાં કોન્ટ્રાકટ હોવાની વાત કરી જેસીબી, ટ્રેકટર-ટ્રોલી ભાડાથી ચલાવવા માટે મેળવી ગાંધીધામના ગઠીયાએ છેરના શખ્સ સાથે છેતરપિંડી કરી હતી. બોગસ નામ ધારણ કરી ઠગાઇ કરનારા ઠગ સામે દયાપર પોલીસ મથકે 22.80 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ દયાપર પોલીસ મથકે છેર ગામના મદારસિંહ સાલુજી રાઠોડે ગાંધીધામના દેવરાજ બાબુભાઇ પરમાર સામે ફોજદારી નોંધાવી હતી. ફરિયાદીનો મામાનો દિકરો લાલજી જાડેજા ગાંધીધામમાં દેવરાજ પાસે જેસીબી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. મદારસિંહનો પણ જેસીબી અને ટ્રેકટર-ટ્રોલી ભાડે આપવાનો વ્યવસાય છે. લાલજીએ ફેબ્રુઆરીમાં ફરિયાદીને જણાવ્યું હતું કે, તેના શેઠ દેવરાજને મોટાપાયે વાહનોની જરૂરત છે બાદમાં 27મી ફેબ્રુઆરીના દેવરાજે ફરિયાદી સાથે સંપર્ક કરી પોતાને ગાંધીધામ નગરપાલિકામાં કોન્ટ્રાકટ મળ્યો હોઇ જેસીબી અને ટ્રેકટરની જરૂરત હોવાની વાત કરી હતી.
દેવરાજે ફરિયાદીને જેસીબીનું મહિને 80 હજાર અને ટ્રેકટરનું મહિને 25 હજાર ભાડુ નક્કી કર્યું હતું. ફરિયાદીએ બે જેસીબી, આઠ ટ્રેકટર અને છ ટ્રોલી એમ કુલ 16 સાધનો ગાંધીધામના કિડાણા ખાતે દેવરાજ પાસે મોકલાવી દીધા હતા. ફરિયાદી અને દેવરાજ વચ્ચે એગ્રીમેન્ટ કરવાની વાત થઇ હતી પણ દેવરાજ સતત બહાના કર્યા હતા જેથી ફરિયાદીએ બધેય વાહનો પરત મોકલી દેવાની વાત કરી હતી. ફરિયાદીને પૈસા કે સાધનો પરત ન મળતા 18.80 લાખના પાંચ ટ્રેકટર અને ટ્રોલી તેમજ ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના ચાર લાખ ભાડા પેટે મળી કુલ 22.80 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.
અસલ નામ વિશે ખબર પડતા ઠગ હોવાની વાત સામે આવી
ફરિયાદી પાસે દેવરાજના આધારકાર્ડની કોપી સાથે જાણવા મળ્યું હતું કે તેનું અસલ નામ ચમન બાબુભાઇ પરમાર છે અને તેને ગાંધીધામ નગરપાલિકામાં કોઇ કોન્ટ્રાકટ મળ્યો જ નથી. ફરિયાદી પાસેથી મેળવેલા સાધનો પોતાના અંગત કામમાં ઉપયોગ કર્યા છે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ફરિયાદીના ધ્યાને આવ્યું કે, ચમન પાસે રહેલા તેમના પાંચ ટ્રેકટર અને ટ્રોલી તેણે વેંચવા માટે કાઢયા છે. દેવરાજે આ તમામ સાધનો અહીં પડયા છે અને લઇ જવાની વાત કરી હતી. 4-4ના ફરિયાદી ગાંધીધામ પહોંચતા દેવરાજ કે સાધનો મળ્યા ન હતા.
60 હજાર ઓનલાઇન મોકલી 6 વાહન પરત મોકલાવી દીધા
ફરિયાદીએ તમામ વાહન પરત મોકલાવી દેવાતી વાત કરતા દેવરાજે ફરિયાદીના ગુગલ-પે પર 60 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા તેમજ બે જેસીબી તેમજ ત્રણ ટ્રેકટર-એક ટ્રોલી પરત મોકલાવા દીધા હતા તેમજ બાકીના સાધનો પણ બે દિવસમાં પરત મોકલી દેવાનો વાયદો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.