નવો કચ્છી કાર્યક્રમ:આકાશવાણી ભુજ પરથી દૈનિક પ્રસારિત થશે ‘ગામડેજી ગાલ’

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ગામજો ચોરો’ના વિકલ્પે નવો કચ્છી કાર્યક્રમ રજૂ કરાશે

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી છેલ્લા 50 વર્ષથીકચ્છીમાં પ્રસારિત થતો ‘ગામજો ચોરો’ કાર્યક્રમ ગુજરાતીમાં પ્રસારિત કરવાનો નિર્ણય લેવાતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના શ્રોતાઓ અને કચ્છી સાહિત્યના પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેના પગલે હવે અલાયદો ‘ગામડેજી ગાલ’ નામનો કચ્છી કાર્યક્રમ રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

‘ભા ભેણે કે જજા કરે રામ રામ’ની પ્રારંભિક ઉદઘોષણા સાથે બહુ લોકપ્રિય બનેલો ગામ જો ચોરો દર ગુરૂવારે ભુજ કેન્દ્ર દ્વારા ગુજરાતીમાં પ્રસારિત થશે તેમ જાણવા મળતાં ગામડાના શ્રોતાઓ અને કચ્છી સાહિત્ય પ્રેમીઓમાં કચવાટની લાગણી ફેલાઇ હતી અને એકમાત્ર કચ્છી કાર્યક્રમને બંધ કરવાના નિર્ણય સામે વ્યાપક રોષ અને અસંતોષ ફેલાયો હતો. શ્રોતાઓની આ લાગણીને જોતાં હવે દૈનિક ‘ગામડે જી ગાલ’ નામનો કચ્છી કાર્યક્રમ પ્રસારિત કરવાનો નિર્ણય લેવાયો છે.

આ અંગે આકાશવાણીના કેન્દ્ર નિયામક પ્રેરક વૈદ્યએ વિગતો આપતાં કહ્યું હતું કે, આગામી રવિવાર તા. 24/10થી સવારે 8.30થી 8.40 એટલે કે, 10 મિનિટ માટે ગામડે જી ગાલ નામનો કચ્છી કાર્યક્રમ દૈનિક રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારના સરપંચો અને આવેવાનો સાથે વાત કરીને વિકાસ કામો સહિતની ઉપયોગી માહિતી શ્રોતાઓ સમક્ષ મુકાશે. કચ્છીમાં પ્રસારણ થવાનું હોવાથી ગ્રામ્ય વિસ્તારોના શ્રોતાઓ અને કચ્છી સાહિત્ય પ્રેમીઓની લાગણી અને માગણી સંતોષાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...