IPL જુગાર:દરજીથી માંડી પાંઉભાજીવાળા સુધી બન્યા બુકી, 2 હજાર કરોડના સટ્ટાનો અંદાજ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારથી યુએઇમાં શરૂ થતા 60 દિવસના આઇપીએલ ક્રિકેટજંગ પૂર્વે સટ્ટોડિયા થયા સજ્જ
  • જૂની ઓફિસો બદલાવી નવાં ઠેકાણાં પર થશે ‘ધંધો’
  • એક ID પર પાંચ હજારથી 5 લાખ સુધીની ક્રેડિટ અપાય છે પન્ટરોને

રવિવાર તારીખ 19થી દુબઈ, શારજહા અને અબુધાબી ખાતે આઇપીએલ મેચ શરૂ થઈ રહી છે. સાઠ દિવસ ચાલનારી આ સીઝન ક્રિકેટરસિયાઓ માટે નિર્દોષ આનંદ હશે, પરંતુ સટ્ટોડિયાઓ માટે કરોડોનો કારોબાર. પ્રથમ મેચથી કરીને ફાઈનલ સુધીમાં કચ્છમાં જ કરોડોનો સટ્ટો રમાશે. નામચીન સટ્ટોડિયા પોલીસ સાથે ગોઠવણ કરી નવાં ઠેકાણાં પર ખેલ ખેલાવશે. તો બુકીઓ કે જે માસ્ટર આઇડી પરથી સ્થાનિક આઇડી આપી પાંચ હજારથી પાંચ લાખ સુધી સટ્ટો રમાડે છે, તેઓ પણ આ સાઠ દિવસમાં લાખો કમાવાના ઓરતા સાથે મેદાન પર ઊતરશે.

વગર મહેનતે કમાવી લેવાની લાલચે હવે દરેક વેપારી વર્ગમાં આ દૂષણ ઘૂસ્યું છે. ભુજની વાત કરીએ તો પાંવભાજીવાળા, ડબલરોટીવાળા, વડાપાંઉવાળા, શરબતની લારી કાઢનારા પણ આ ધંધામાં સક્રિય થઈ ગયા છે. દરજીકામ કરતા પણ હવે બુકી બની રાતોરાત લખપતિ બનવાના સપના જોઈ રહ્યા છે. ચાનો વેપારી હોય કે ચાની કીટલી ચલાવતો હોય, બધા જ ક્રિકેટમાં સટ્ટો રમવાના રવાડે ચડી ગયા છે. વાણિયાવાડમાં શાકભાજી અને ફળ વેચતો નાનો વેપારી હોય કે સ્ટેશનરીની દુકાને પેન પેપર વેચવાને બદલે પેપર પર શેષન લખતો થઈ ગયો છે.

દોઢા પૈસા કરવાના ચક્કરમાં દિવસની કમાણી હોમી દે છે. નાના વર્ગને વધુ પૈસા કમાવાનો મોહ હોય, પરંતુ આ શોર્ટકટથી કમાવાનો ચસ્કો ડોકટર, વકીલ, એન્જિનિયર, બેન્ક કર્મચારી સહિત પૈસાદાર વર્ગમાં પણ જોવા મળે છે. અનેક પરિવારોને પાયમાલ કરનાર આ દૂષણ પર કોઈનો કાબૂ નથી.

કોરોનાકાળ દરમિયાન સોના-ચાંદીના સટ્ટામાં અનેક લોકો પાયમાલ
કોરોનાકાળમાં બધા જ વેપાર પર માઠી અસર થઈ હતી, ત્યારે પણ સોના, ચાંદી અને શેરબજારમાં તેજી જોવા મળી હતી. સોનું 36 હજારથી 58 હજાર પહોંચ્યું હતું તો ચાંદી એક કિલોના 31 હજારથી 65 હજાર પહોંચી, જેમાં સટ્ટાબજારમાં અબજો રૂપિયાનો ઉતારચઢાવ આવ્યો. શેરબજારમાં સેન્સેક્સ 30 હજારથી ઊપડીને 59 હજાર પહોંચ્યો છે. મંદીમાં પણ આ તેજી અનેક વેપારીઓને પૈસા રોકવા પ્રેરે છે અને આખરે રોવે છે.

એશિયાની ફેવરિટ ટીમ ભારત - પાકિસ્તાન ફાઇનલમાં ટકરાય એવી સટ્ટોડિયાઓમાં ચર્ચા
ગત વર્લ્ડ કપ લંડનમાં રમાઈ હતી ત્યારે ફાઇનલમાં બંને ટીમો યુરોપની સામસામે આવી હતી અને ત્યારે પણ ફાઈનલ રવિવારે રખાઈ હતી, જેથી મહત્તમ પ્રેક્ષકો મળી રહે. તેમ આ વર્ષે આઇપીએલમાં ફાઈનલ શુક્રવારે જ છે. એશિયામાં રમાય છે અને ભારતમાં બહુ મોટો વર્ગ ક્રિકેટને ચાહે છે ત્યારે આ વખતે રવિવારે ગોઠવાયેલી ફાઇનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ જામે તો નવાઈ નહીં.

ચાર મહિના ચાલશે આ ગેરકાયદે વેપાર
રવિવારથી આઇપીએલ શરૂ થાય છે તો એ પૂર્ણ થશે ત્યાં 20-20 મેચ શરૂ થશે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયામાં કે.એફ.સી શરૂ થશે. આમ, આવતા ચાર મહિના સુધી સટ્ટાબજારમાં ધૂમ પૈસા ઠલવાશે. જોવાનું એ છે કે, સમાજને ખોખલો કરી નાખતા આ ધંધાને પોલીસ રોકી શકે છે કે, કાયમની જેમ સાથે બેસીને કમાણી શરૂ કરી દેશે. ગત વર્ષે પોલીસ અધીક્ષકની સૂચનાથી અનેક દરોડા પડ્યા હતા, આ વર્ષે કેવી કડક કાર્યવાહી થાય છે તે જોવાનું છે.

શહેરમાં યુવા વેપારી વર્ગમાં પણ સટ્ટાનો ચસકો
એક સમયે વેપારીઓ ભાઈઓ માત્ર વ્યવસાયથી સંકળાયેલા હતા. રોજ બરોજના વ્યવસાય હોય કે દુકાન જૈન ચોખ્ખો ધંધો કરતા. છેલ્લા થોડા વર્ષોથી નવી આવેલી પેઢીને સવારથી સાંજ સુધી કાઉન્ટર પર તપસ્યામાં રસ નથી. તેઓ પણ દેખાદેખીમાં બેહિસાબ પૈસો કમાવા માગે છે. જેને પરિણામે શેર બજાર, કોમોડિટી અને ક્રિકેટમાં સટ્ટા રમતા થયા છે.

એટલું જ નહિ અનેક પરિવારો પણ આમાં બરબાદ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ ભુજના વાણિયાવાડમાં ચણિયાના વેપારી પાંચથી દસ કરોડના દેવામાં હોવાની ચર્ચા આ દૂષણનો જ પુરાવો છે. જે ધર્મમાં જુગાર હરામ છે, તેઓ પણ છેલ્લાં થોડાં વર્ષોથી પ્રવૃત્ત થયા છે. પોલીસ પણ તેમને કાઈ કહી નથી શકતી.