મંગળવારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ મધ્યે વ્યાજની બદીને ડામવા માટે લોક દરબાર યોજાયો હતો જેમાં નલિયાના અરજદાર હાજર રહી પોતાની વ્યથા ઠાલવતા નલિયા પોલીસ મથકે મુંબઇના બે રહીશ તેમજ તેરા ગામની મહિલા સહિત ચાર સામે નાણા ધીરધાર તેમજ અેટ્રોસિટીની કલમ તળે ફોજદારી દાખલ થઇ હતી. ફરિયાદીને વ્યાજના પૈસા માટે દબાણ કરી જાતીઅપમાનિત કરી ગાળો ભાંડતા અેટ્રોસિટીની કલમ પણ ઉમેરાઇ હતી.
નલિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, નવીનભાઇ ટોકરશી પાતારીયા (ઉ.વ.39, રહે. નલિયા)વાળાઅે હરીલાલ શીવજીભાઇ ભાનુશાલી, કનૈયાલાલ શીવજીભાઇ ભાનુશાલી (રહે. મુંબઇ મુળ નલિયા), શંભુભાઇ ભાનુશાલી અને દમયંતીબેન શંભુભાઇ ભાનુશાલી (રહે. તેરા અબડાસા)વાળા સામે ફોજદારી નોંધાવી હતી. ફરિયાદી અનુસુચિત જાતીના હોવાનું જાણવા છતાંય વ્યાજે નાણા અાપી વધારે વ્યાજ ચૂકવવા માટે દબાણ કરી જાતી અપમાનિત કરી મા-બહેનની ભુંડી ગાળો ભાંડી હતી.
નલિયા પોલીસ મથકે ચારેય સામે અેટ્રોસિટી અને નાણા ધીરધારની કલમ તળે ફોજદારી નોંધાઇ હતી. નોંધનીય છે કે, ફરિયાદી પશ્ચિમ કચ્છ અેસપીના લોક દરબારમાં હાજર રહી પોતાની વ્યથા પોલીસ સમક્ષ ઠાલવી હતી. લોક દરબારમાં હાજર રહેલા તમામ અરજદારોને સાંભળી કાગળો, અાધાર-પુરાવા, અોડિયો-વિડીયો રેકોર્ડિંગ સહિતના પુરાવા હોય તે તપાસીને ગૂનો દાખલ કરવા માટે સૂચના અાપવામાં અાવી હતી. અા બનાવમાં નલિયા પોલીસ મથકને સૂચના અપાઇ હોવાથી પોલીસ મથકે મામલો દર્જ કરવામાં અાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.