આજથી નવલા નોરતાનો પ્રારંભ:માતાના મઢ અને ભુજ આશાપુરા મંદિરે વિધિવત ઘટ સ્થાપન

ભૂજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આસો નવરાત્રિના આરંભ પૂર્વે બુધવારે કચ્છની કુળદેવી મા આશાપુરાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે મોડી સાંજે પરંપરાગત ધાર્મિક વિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે યોજાયેલ. ભુજ મંદિરમાં ઘટ સ્થાપન સાંજે 5.45 વાગ્યાના શુભ મુહૂર્ત પૂજારી જનાર્દનભાઈ દવેના હસ્તે કુંભ સ્થાપન કરીને કરાયું હતું.

ગુરુવારથી નવલા નોરતાનો આરંભ થશે. બુધવારે ભાદરવા વદ અમાવાસ્યાના શ્રાદ્ધ પક્ષ પૂરા થયા અને ગુરુવારથી આસો માસ પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસથી શારદીય નવરાત્રિનો આરંભ થશે. માતાના મઢ ખાતે ઘટ સ્થાપન વિધિ પ્રસંગે ટ્રસ્ટીઓ પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, વિનોદભાઈ તિલાટ, મંદિરના પૂજારી દિલુભા ચૌહાણ અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ શાસ્ત્રી દેવકૃષ્ણ વાસુએ કરાવી હતી. દરરોજ રાત્રે ઢોલના નાદ સાથે રાસ ગરબા અને છંદ ગવાશે. માતાજીના ગરબાને ઘરમાં અને ગરબીઓમાં નવ દિવસ માટે સ્થાપિત કરીને ઠેર–ઠેર નવરાત્રિની ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરાશે. રાજવી પરંપરા મુજબ ભુજ આશાપુરા મંદિરે અમાસના સાંજે ઘટ સ્થાપન કરીને બીજા દિવસે એટલે કે આસો સુદ એકમથી નવરાત્રિનો આરંભ થાય છે. સાતમના બીડું હોમીને નવરાત્રિની પૂર્ણાહુતિ અને આઠમના પતરી વિધિ કરાતી હોય છે, જેમાં રાજવી કુટુંબના સભ્ય પતરી ઝીલીને માતાજીના આશીર્વાદ લે છે.

નવરાત્રી દરમિયાન ભુજ આશાપુરા મંદિરે મુખ્ય પ્રસંગો
ગુરુવારે પ્રથમ નોરતાથી નવરાત્રી ઉત્સવ શરૂ થશે, તારીખ 10 ઓક્ટોબર, રવિવારે સવારે આઠ વાગ્યે કચ્છ રાજ પરિવાર દરબાર ગઢ ટીલા મેડીથી ચામર યાત્રા નીકળશે જે માતાના મઢ જવા રવાના થશે તારીખ 12, મંગળવારે સાતમના રાત્રે નવ વાગ્યે હવન શરૂ થશે અને રાત્રે 12:30 વાગ્યે શ્રીફળ હોમવામાં આવશે. તારીખ 13, બુધવારે આઠમના રાજ પરિવારના સદસ્યો દ્વારા માતાજીની મહાપૂજા, જાતર અને પત્રી સવારે 8.30 કલાકે તથા ત્યારબાદ ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...