સહાયનો મલમ:કોરોનાથી મોતને ભેટેલી વ્યક્તિઓને સહાય ચૂકવવા કચ્છમાં ફોર્મ ભરવાની કામગીરી શરૂ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતાવાર અને બિનસતાવાર રીતે મોતને ભેટેલા દર્દીના સ્વજનો કરી શકશે દાવો
  • જિલ્લામાં મોતનો આંક ઊંચો હોવાની સંભાવનાએ અરજીઓનો ઢગલો થાય તેવી શકયતા

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે,કોવિડની પ્રથમ લહેર કરતા બીજી લહેર ઘણી ખતરનાક હતી કારણકે માણસો ટપોટપ મરતા હતા. હોસ્પિટલમાં બેડ ન મળે,ઓકિસજન અને વેન્ટિલેટરની અછત વચ્ચે આરોગ્ય સેવાઓ મેળવવા માટે ચારેયબાજુ અંધાધૂંધી જોવા મળતી હતી.આ સમયગાળામાંથી આપણે સૌ હેમખેમ બહાર આવ્યા છીએ. જોકે,ઘણા પરિવારોમાં મુખ્ય કમાનાર અને મોભીનું અવસાન થઈ ગયું તો અનેક બાળકો નોંધારા બની ગયા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા સમગ્ર સરકાર અને તંત્ર હરકતમાં આવી ગયું જેને પગલે મૃતકોને સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર શ્રી બ્રહ્મભટે જણાવ્યું કે, ગુજરાત સરકારના ઠરાવ અન્વયે કોવિડ મૃત્યુ સહાયના ફોર્મ ભરવાની કામગીરી કચ્છ જિલ્લામાં સોમવારથી શરૂ થઈ ગઈ છે.જેથી અરજદારો કચેરીએથી ફોર્મ મેળવી તેમાં જરૂરી વિગતો ભરીને આધાર પુરાવા સાથે સહાય મેળવવાની અરજી કરી શકે છે.

કોવિડથી મોતનું પ્રમાણપત્ર ન હોય તો સમિતિ સમક્ષ અરજી કરવાની રહેશે
કચ્છમાં સરકારી ચોપડે તો કોરોનાથી 282 મોત જ બતાવવામાં આવ્યા છે પણ બિનસત્તાવાર રીતે જી.કે.જનરલ હોસ્પિટલ તેમજ અન્ય કોવિડ હોસ્પિટલમાં અંદાજે 10 હજાર જેટલા લોકો મોતને ભેટયા હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે. કોવિડ સાથે અન્ય કોઈ બીમારી હોય તો તંત્ર દ્વારા આ મોત નોન કોવિડમાં બતાવી દેવામા આવ્યા હતા. જેથી સાચો આંકડો હજી સુધી બહાર આવ્યો નથી. દરમ્યાન સરકાર દ્વારા જ્યારે હવે સહાય ચુકવવાની જાહેરાત કરાઈ છે ત્યારે સ્વભાવિક છે કે પીડિતોના મનમાં સવાલ થાય કે,અમને સહાય મળશે કે કેમ ? આ બાબતે ડિઝાસ્ટર મામલતદાર બ્રહ્મભટ્ટને પૂછતાં તેઓએ જણાવ્યું કે, કોવિડના સમયગાળા દરમ્યાન કોવિડ બીમારીથી જે વ્યક્તિ મોતને ભેટ્યો હોય તેના સ્વજન અરજી કરી શકે છે,મૃત્યુના પ્રમાણપત્રમાં કોવિડનો ઉલ્લેખ ન હોય તેવા સ્વજનો પણ સહાય માટે અરજી કરી શકે છે.સમિતિ દ્વારા અરજી અનુસંધાને તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના મહામારીથી મૃત્યુ અંગેનો સતાવાર દસ્તાવેજ મેળવવા સમિતિની રચના કરાશે
કોવિડ - 19 બીમારીથી વ્યક્તિની મૃત્યુ અંગેનો સતાવાર દસ્તાવેજ મેળવવા માટે જિલ્લામાં ખાસ સમિતિની રચના કરવામાં આવશે. જેમાં અધ્યક્ષ તરીકે અધિક નિવાસી કલેકટર હનુવંતસિંહ જાડેજા રહેશે,જ્યારે સભ્ય સચિવ તરીકે સીડીએચઓ ડો.માઢક,સભ્ય તરીકે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી,જી.કે.જનરલ હોસ્પિટલના ચિકિત્સક અને મેડિકલ કોલેજના પ્રોફેસર રહેશે.હાલમાં RAC જાડેજા રજામાં છે. બે દિવસમાં તેઓ ફરજ પર હાજર થશે જે બાદ આ સમિતિની રચના કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

જાણો.. ક્યાં અરજી કરી શકાશે ?
હાલમાં જિલ્લામાં ભુજ ખાતે બહુમાળી ભવનની બાજુમાં આવેલ ડિઝાસ્ટર મામલતદારની કચેરીએથી સહાય મેળવવા માટેનું ફોર્મ મેળવી શકાશે, ફોર્મમાં જરૂરી વિગતો ભર્યા બાદ મૃતકની ઓળખના પુરાવા,વારસદારના પુરાવા,રેશનકાર્ડ તેમજ મૃત્યુ પ્રમાણપત્ર સહિતના જરૂરી દસ્તાવેજો સાથે આ અરજી ફોર્મ રજૂ કરી શકાશે બાદમાં સરકાર દ્વારા લાભાર્થી પરિવારને સહાય ચૂકવાશે.

સારવાર દરમિયાન જિલ્લા બહારની હોસ્પિટલમાં મોત થયું હશે તો પણ મળશે લાભ
કોરોનાના સમયગાળા દરમ્યાન કચ્છમાંથી ઘણા પોઝિટિવ દર્દીઓ સારવાર માટે અમદાવાદ,રાજકોટ,વડોદરા સહિતના મોટા શહેરોની હોસ્પિટલમાં ગયા હતા. જોકે કમનસીબે ઘણા દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જિલ્લા બહાર દર્દીનું મોત થયું છે તેવા સ્વજનો જિલ્લામાં રહેતા હોવાથી હમણાં ભુજ ખાતે સહાય મેળવવા માટે અરજી કરી શકે છે.

તાલુકાવાઇઝ ફોર્મ ભરી શકાય તે માટેનું આયોજન ગોઠવાશે
હમણાં અરજદારોને કોવિડ સહાયનું ફોર્મ ભરવા માટે ભુજ સુધી આવવું પડે છે. જોકે, આ સપ્તાહ દરમિયાન તંત્ર દ્વારા લોકોને હાલાકી ન થાય એ માટે તાલુકા વાઇઝ ફોર્મ ભરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેવું આયોજન હાલમાં ગોઠવાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...