નવતર પહેલ:સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પ્રથમ વખત ‘ખડીર વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ હાથ ધરાયો !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇની સંસ્થા અને કચ્છ ફુડ, ફોડર એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટની ખડીરના ખેડૂતો અને પશુપાલકો માટેની નવતર પહેલ

કચ્છના સૌથી અંતરીયાળ ખડીર વિસ્તારમાં કદાચિત પહેલીવાર સ્વૈચ્છિક સંસ્થાએ સર્વાંગી વિકાસની કામગીરી આરંભી છે. ખડીર વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને ‘આરતી ફાઉન્ડેશન’ મુંબઇ અને કચ્છ ફુડ, ફોડર એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે “ખડીર વિસ્તાર વિકાસ કાર્યક્રમ” હાથ ધરાયો છે જેમાં જળસંગ્રહ, ખેતીવાડી અને પશુપાલન સંદર્ભે સુચારૂ સેવાઓ પુરી પાડવામાં આવશે. ખડીર, કચ્છનો એક એવો વિસ્તાર છે કે જે પોતાની અનોખી ભૌગોલિક સંરચનાને કારણે દુર્ગમ વિસ્તાર તરીકે પંકાયેલો છે.

આ વિસ્તાર ધીરે ધીરે પ્રવાસીઓ માટે પણ આકર્ષણરૂપ બની રહ્યો છે ત્યારે કદાચ પ્રથમ વાર સ્વૈચ્છિક સંસ્થાએ ખડીર વિસ્તારના વિકાસમાં પદાર્પણ કર્યું છે. અમલીકરણ કરનારી કેઅેફઅેફઅેફડીટી સંસ્થાના જયેશભાઇ લાલકાના જણાવ્યા અનુસાર આરતી ફાઉન્ડેશન મુંબઇના ચંદ્રકાંતભાઇ ગોગરી અને રાજેન્દ્રભાઇ ગોગરીના માર્ગદર્શન અને લાલભાઇ રાંભિયાના નિદર્શન હેઠળ ખડીર વિસ્તારના નાના-વંચિત ખેડૂતો અને પશુપાલકો માટે સહયોગી બનવાના ઉદ્દેશ્ય સાથે “ખડીર વિસ્તાર વિકાસ કાર્યક્રમ” ચલાવવામાં આવી રહ્યો છે.

2025 સુધી ચાલનારા આ કાર્યક્રમ અંતર્ગત ખડીર વિસ્તારના વિકાસની દિશામાં પ્રથમ તબક્કે સંસ્થા દ્વારા રતનપરના 1800 જેટલાં ઘેટાં-બકરાઓનું રસીકરણ અને પ્રાથમિક સારવાર કરવામાં આવી છે. સમાંતરે ખેતી ક્ષેત્રે હાઇબ્રીડ અને પેસ્ટીસાઇડ્સ યુક્ત ખેતપ્રક્રિયાની પરિસ્થિતિમાં દેશી બિયારણોના સંરક્ષણ અને બચાવની પહેલ સ્વરૂપે સંસ્થા દ્વારા કચ્છના “ખડીર બિયારણ બેન્ક” શરૂ કરી ખેડૂતોને દેશી ખેતીની દિશામાં વાળવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.

તેમજ શીયાળાની મોસમમાં ઉગી શકે એવા ઘાસચારાના બિયારણોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. રસીકરણ અને પ્રાથમિક સારવાર સંસ્થાના લાઇવસ્ટોક ઇન્સપેક્ટર્સ અંકિતભાઇ અને રોહિતભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયાને સાકાર કરવામાં સ્થાનિક અગ્રણીઓ મોહનભાઇ આહિર અને ભુરાભાઇ આહિર અવિરત સેવા પુરી પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...