સમીક્ષા બેઠક:સુધરાઇને શહેરની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરવા માટે પાંચ કરોડ મળશે

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટમાં 30 પાલિકાની ગ્રાન્ટ ફાળવણીની સમીક્ષા બેઠક યોજાઈ
  • વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવાની સાથે નાગરિક સુવિધાઓ સર્વોત્તમ કરવા કટિબદ્ધતા વ્યક્ત

રાજકોટમાં સૌરાષ્ટ્રના રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓને ફાળવાયેલી ગ્રાન્ટ સંબંધિત કામોની સમીક્ષા કરતાં ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીની હાજરીમાં સમીક્ષા બેઠક મળી હતી, જેમાં આગવી ઓળખ યોજના હેઠળ શહેરોની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરવા સહિતના પ્રોજેક્ટો માટે કેટેગરી વાઇઝ ‘અ’ વર્ગની નગરપાલિકાને રૂપિયા 5 કરોડ, ‘બ’ વર્ગને રૂપિયા 4 કરોડ, ‘ક’ વર્ગને રૂપિયા 3 કરોડ અને ‘ડ’ વર્ગને રૂપિયા 2 કરોડ સુધીની ગ્રાન્ટ મળશે, એવું જણાવાયું હતું, જેથી ભુજ નગરપાલિકાને પણ પાંચ કરોડ મળશે.

નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, હું પક્ષની કારોબારીને કારણે જઈ ન શક્યો પણ રાજકોટના સ્વામિનારાયણ ગુરુકૂળના સભાખંડમાં સૌરાષ્ટ્રના રાજકોટ ઝોનની 30 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સભ્યો સહિતના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર, એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટ અને સંબંધિત કામોની સમીક્ષા કરી વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવાની સાથે નાગરિક સુવિધાઓ ઉત્તમ થી સર્વોત્તમ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી.

આ તકે ધનસુખભાઇ ભંડેરીએ દર 2 માસે જનરલ બોર્ડના બોલાવી લેવા અને નિયમાનુસારની ઝડપથી દરખાસ્તો રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલટી મારફત બોર્ડને મળી જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. જનભાગીદારી યોજનામાં સરકારે ઉદાત વલણ દાખવ્યું છે. તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવો અને ગટર લાઈનને મુખ્ય લાઈન સાથે જોડવા ઘરદીઠ રૂપિયા 7000ની મર્યાદામાં તેમજ ખાનગી સોસાયટી ભાગીદારી યોજનામાં કુટુંબ દીઠ 25 હજારની સહાય નગરપાલિકાઓને મળવાપાત્ર થાય છે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરોના સર્વ સમાવેશક સમતોલ વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં 38427 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ચાલુ વર્ષે કુલ 8400 કરોડની ફાળવણી સાથે આગવી ઓળખ યોજનામાં 1329 કરોડ તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને 14 અને 15માં નાણાપંચ સહિત વિવિધ યોજનામાંથી પૂરેપૂરું ફંડ પાલિકાઓને અપાય છે. દંડક અનિલ છત્રાળાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાઓના હોદ્દેદારો અને અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું.

રાજ્ય સરકારે વાર્ષિક રૂપિયા 8 હજાર કરોડની ફાળવણીથી વિકાસનો રોડ મેપ તૈયાર કર્યો છે. બેઠકમાં ભુજ પાલિકામાંથી મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા ગયા હતાં. રિજિયોનલ કચેરીના અધિક ક્લેકટર ચૌધરી, ચીફ ઓફિસર તીલક શાસ્ત્રી, બોર્ડની કચેરી ગાંધીનગરના નટુભાઈ દરજી સેક્રેટરી , ભાવિનભાઈ, ધીરેનભાઇ સિદ્ધ સહિતના અધિકારીઓ અને નગરપાલિકાના હોદેદારોને ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...